17 જાન્યુઆરીના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ - મણિનગર - અમદાવાદ ના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અંતર્ધાન થયા તેની પ્રથમ માસિક તિથિ નિમિત્તે “દિવ્ય ભાવાંજલિ” નો કાર્યક્રમ શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીની નિશ્રામાં યોજાયો હતો.
આ પ્રસંગે ધ્યાન,ભજન,કીર્તન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વચનામૃત ગ્રંથનું પઠન કરવામાં આવ્યું હતું. સંતો દ્વારા સદગુરુ સ્વામીના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના જીવન ઉપર સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર રપ મિનિટની ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી. જેનો દેશ અને વિદેશના અનેક ભક્તોએ લાભ લીધો હતો.
સાધુ પ્રેમવત્સલદાસજીએ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના જીવન અંગે જણાવ્યું હતું કે,તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગ્રંથમાં વર્ણવેલા સંતોના સર્વગુણો પોતાના જીવનમાં કેળવ્યા હતા.તેના કારણે તેમને ભગવાન સાથે સીધો સંબધ હતો.તેઓ ભક્તોના દુઃખના નિવારણ માટે જે કાંઈ પ્રાર્થના કરતાં તે શ્રી સ્વામિનારાયણ ભગવાન સાંભળતા હતા અને દુઃખી લોકોના દુઃખનું નિવારણ થતું હતું.ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ તેમને શબ્દાંજલિ આપતાં કહ્યું છે કે, “પ.પૂ.સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સેવા, ભક્તિ અને સમર્પણની મૂર્તિ સમા હતા. સત્સંગ અને સેવા દ્વારા દેશ વિદેશના અસંખ્ય અનુયાયીઓના જીવનમાં તેમેણ આમૂલ પરિવર્તન લાવ્યા છે.”
બી.એ.પી.એસ.સંસ્થાના પ્રગટ બ્રહ્મસ્વરુપ શ્રી મહંત સ્વામી મહારાજે કહ્યું છે કે, “શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનું વાણી તેવું જ વર્તન હતું.તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાને કહેલ વાણી અને વર્તન એક કરી બતાવ્યું છે.” સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી એટલે સાધુતાની મૂર્તિ,ક્ષમાશીલ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં અખંડ રહેનાર સંત.અનેક બાળ,યુવાન અને વડીલોની જીવન કેડીને કંડારનારા મહાપુરષ.જેમણે પોતાનું સમગ્ર જીવન શ્રી મુક્તજીવન સ્વામીબાપાના વચનમાં રહીને તેમની સાથે સમર્પિત કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર ને પ્રસાર માટે તેઓ ગુજરાતના નાના નાના ગામડાઓથી માંડીને વિદેશમાં પણ સદાચારના બીજ રોપવા માટે સૌ પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ઈ.સ.૧૯૪૮ માં આફ્રિકા પધાર્યા હતા.અને ત્યારબાદ તો તેઓએ યુ.કે.યુ.એસ.એ.કેનેડા,દુબઈ આદિ અનેક દેશોમાં તેમણે વિચરણ કર્યું છે. અને અનેક મંદિરો પણ સ્થાપ્યા છે.જેઓએ પોતાના ૮૦ વર્ષ સાધુ જીવન જીવીને અનેકને સદાચારમય અને વ્યસન મુક્ત જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.