થોડા સમય પહેલાં અમદાવાદમાં અપને અપને રામ શીર્ષક હેઠળ કવિ કુમાર વિશ્વાસનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કુમાર લોકપાલ આંદોલન સમયે અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલના વિશ્વાસુ હતા પરંતુ હવે તેમની શ્રદ્ધા નરેન્દ્ર મોદી માટે વધી છે. થોડા સમય પહેલાં યોજાયેલી પંજાબની ચૂંટણીમાં કુમાર વિશ્વાસે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ નિવેદન કરીને તેઓ ખાલીસ્તાનનું સમર્થન કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું અને પરોક્ષ રીતે ભાજપનો એજન્ડા આગળ વધારી રહ્યા હતા. હવે પંજાબની ચૂંટણી પૂરી થઇ અને ત્યાં આપની સરકાર બની ગઇ છે, એટલે કુમાર વિશ્વાસ ગુજરાતમાં પ્રવેશી રહેલી આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સામે ભાજપ માટે ઢાલ બનશે. ભાજપનું નેતૃત્વ કુમાર વિશ્વાસ પાસેથી અમુક એવાં મુદ્દાઓ તૈયાર કરાવી રહ્યા છે જે કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણીપ્રચારમાં ભાજપ માટે શસ્ત્ર સમાન બની રહે. કુમાર વિશ્વાસ કેજરીવાલને ખૂબ નિકટથી જાણતા હોવાથી હાલ જબરદસ્ત ગૃહકાર્ય કરીને ભાજપને મુ્દ્દાઓ આપી રહ્યા છે.
ભાજપના ખૂબ અંતર્ગત સૂત્રો જણાવે છે કે આ વખતે પાર્ટીએ સિનિયર નેતાઓની ટિકિટો કાપી નાંખવાનું વલણ અપનાવ્યું હોવાથી ઘણાં નેતાઓ નારાજ પણ છે અને અસમંજસમાં પણ છે. આ દરમિયાન આ સિનિયર નેતાઓએ કોઇ ઠેકાણે ગુજરાતના ભાજપના નેતા અને દીવ-દમણ તથા દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાથે એક ખાનગી મુલાકાત કરી હતી. આ મુલાકાતને આમ તો સમય થયો પણ એવું કહેવાય છે કે આ નેતાઓની ઇચ્છા હતી કે પ્રફુલ્લ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની વ્યથા અંગે કોઇ વાત કરે, કારણ કે આ નેતાઓ જ્યારે મોદીને મળે ત્યારે ખુલીને વાત કરી શકતા નથી અને ઘણાં કિસ્સામાં મોદી તેમને વાત કરવા બોલાવતા નથી. તે સિવાય આ નેતાઓને મોદી સુધી પહોંચવા માટેનો કોઇ બીજો રસ્તો ય જડતો નથી, તેથી તેમણે પ્રફુલ્લ પટેલને પકડ્યા હતા, પરંતુ વાત એવી પણ જાણવા મળી છે કે પ્રફુલ્લ પટેલે આ નેતાઓને પોતાની રીતે મહેમાનગતિ કરાવીને ખુશ કર્યા પરંતુ હજુ સુધી તેમની વાત મોદી સુધી પહોંચાડી નથી.
પાટીલ સામેની અસંતુષ્ટોની ફરિયાદો સંતોષે એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખી
ગુજરાત પ્રદેશ પ્રમુખ પાટીલની કાર્યપદ્ધતિ ઘણાં ભાજપી નેતાને અનુકૂળ આવતી નથી. આ નેતાઓએ સંઘના વિવિધ હોદ્દેદારો અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ સુધી ફરિયાદો કરી છે. પરંતુ જાણવા મળ્યા મુજબ પાટીલને સંઘ અને સંતોષનો પૂરેપૂરો સહયોગ છે. ખરેખર તો પાટીલની કાર્યપદ્ધતિથી જ સંઘ અને સંતોષ સારા એવા પ્રભાવિત છે. ભાજપને આવતી ચૂંટણીમાં જીતાડવા માટે જે મોડેલથી કામ થઇ રહ્યું છે તે તેમને આખા દેશમાં અપનાવવા જેવું લાગ્યું છે. ભવિષ્યમાં આ કારણોસર પાટીલ માટે રાષ્ટ્રીય કક્ષાએ કામ કરવા માટે ઊંચી જવાબદારીઓ મળે તેવી ગણતરીઓ પણ થવા લાગી છે. મૂળમાં વાત એ છે કે વડાપ્રધાન મોદીની કક્ષાએથી જ પાટીલને પૂરેપૂરો સહયોગ આપવા માટે ગુજરાતમાં આરએસએસના સ્વયંસેવકોને વ્યવસ્થિત રીતે સંદેશ મળી ચૂક્યો છે .
મુકેશ કુમારે ભાજપના મતદારોને ભડકાવ્યાં?
અમદાવાદમાં નારણપુરા, સાબરમતી સહિતના વિધાનસભા મત વિસ્તારોમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં ગેરકાયદે બાંધકામને દૂર કરવા અને બાકી રહેલાં ટેક્સ અને મકાનની કિંમતના નાણાં ભરવા માટે નોટિસો ફટકારવામાં આવી હતી. ભાજપ સમર્થિત વસ્તી ધરાવતાં આ વિસ્તારના લોકો આ નોટિસોને કારણે ખૂબ ગુસ્સે ભરાયા છે. તેમાંય નારણપુરા તો ગૃહમંત્રી શાહનો પોતાનો વિસ્તાર છે. એક સિનિયર અધિકારીના કહેવા મુજબ હાઉસિંગ બોર્ડના અધ્યક્ષ મુકેશ કુમારની જાણ બહાર આ ઘટના બની શકે નહીં, તો પછી મુકેશ કુમારે આમ થવા કેમ દીધું. જો કે એક મુદ્દો એવો પણ ચર્ચાઇ રહ્યો છે કે આ બધી વર્ષો જૂની વસાહતોને રીડેવલપમેન્ટમાં લઇ જવા માટે કંઇ કેટલાંય બિલ્ડરો ખૂબ ઉત્સુક છે, પરંતુ આ વસાહતોમાં રહેતાં લોકોને તેમાં રસ નથી તેથી તેમને દબાણમાં લાવવા માટે બિલ્ડરોની સાથે મળીને આ કામ કરવા માટે અધિકારીઓને કોઇ રાજકારણી જ ચાવી ભરે છે, હવે આ રાજકારણી કોણ છે તે બાબત પૂછતાં જ અધિકારીઓના મોં સિવાઈ જાય છે.
હાલમાં નવી ભરતી નહીં, નવી સરકાર બને પછી
ગુજરાત સરકાર ભરતી જાહેર કરે તો સૌથી વધુ લાભ યુવાનોને થાય અને તેના કારણે સત્તાપક્ષને ખૂબ મત મળી શકે છે. પરંતુ ગુજરાત સરકારને હમણાં કેટલાંક સમયથી ભરતી સાથે લેણું નથી. સરકાર કરવા જાય છે કંસાર ને થઇ જાય છે થૂલી. પેપર ફૂટવા, લીક થવા, મેરીટમાં અમુક ઊંચ-નીચ હોવાની ઘણી ફરિયાદો સરકારમાં થતી રહે છે અને તેથી યુવાનો આ ભરતી પરિક્ષાને લઇને સરકાર પર રાતાચોળ થઇ જાય છે. હવે આ કિસ્સામાં સરકારે એક વચલો રસ્તો કાઢ્યો છે. સરકારે જે ભરતીઓ માટેની જાહેરાત કરી છે તે જાહેરાત ઉપરાંત અમુક જાહેરાત થોડા દિવસમાં થઇ શકે છે જ્યારે બાકી બધી જાહેરાતો હવે ચૂંટણી સુધી ટાળી દેવામાં આવી છે. મૂળમાં કારણ એ છે કે સરકાર ભરતી પ્રક્રિયા કરે અને તેમાં કોઇ વિવાદ થાય તો ચૂંટણી ટાણે જ યુવાનો સરકારનો વિરોધ કરવા નીકળી પડે અને તેના પરિણામો ચૂંટણીમાં ભોગવવાના આવે. આ માટે હવે સરકારે નક્કી કર્યું છે કે જાહેર થયેલી અને નહીં થયેલી તમામ ભરતી માટેની પરિક્ષાઓ તો હવે ચૂંટણી પછી જ લેવામાં આવશે, સિવાય કે કોઇ પરિક્ષા માટેની જાહેરાત થઈ ગઈ હોય તો, પરંતુ હાલ તો તેવું ય કાંઇ લાગતું નથી.
અસિત વોરાનો સદભાવના રાગ ભાજપના પ્રશંસકોને પસંદ ન આવ્યો
જીપીએસસીના ભૂતપૂર્વ ચેરમેન અસિત વોરા વ્યવસાયે રાજકારણી છે, પણ શોખે ગાયક છે અને મુકેશના અવાજમાં ગીતો ગાય છે. જીપીએસસીમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ફરી પાછા ગાયકની ભૂમિકામાં આવી ગયા છે અને ગીતો ગાઈને સોશિયલ મિડીયા પર પોસ્ટ કરે રાખે છે. પરંતુ થોડા દિવસ પહેલા અસિત વોરાએ અચાનક જ સદભાવના દર્શાવી અને રમજાન મહિનામાં ચાલી રહેલા રોઝાને લઇને મુકેશના કંઠે ગવાયેલું એક ગીત સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. આ ગીતને લઇને કેટલાંય લોકોએ વોરાને સોશિયલ મિડીયા પર ટ્રોલ કર્યા હતા. ભાજપના તેમના પ્રશંસકોને પણ આ ગીત પસંદ ન આવ્યું. તેમના કહેવા મુજબ સમગ્ર ભારતમાં જે રીતેનું વાતાવરણ બનેલું છે તે જોતાં વોરાની આ ચેષ્ટા પક્ષ સાથે સુસંગત નથી.
અશોક ભાવસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સભ્ય બન્યા
અગાઉની ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા રજની પટેલ અને ગણપત વસાવાને ત્યાં તેમના અંગત સચિવ રહી ચૂકેલા અધિક સચિવ કક્ષાના અધિકારી એવા અશોક ભાવસારને જબરદસ્ત લોટરી લાગી છે. શનિવારે સરકારે તેમને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. અચાનક જ તેમની નિમણૂક જીપીએસસી જેવા મહત્ત્વના બંધારણીય નિગમમાં કરવામાં આવી હોવાથી ઘણાં લોકોને આશ્ચર્ય થયું છે. પરંતુ સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર ભાવસાર સરકાર અને સત્તાપક્ષની ખૂબ જ નજીકના અને વિશ્વાસુ ગણાય છે. ખૂબ મંદ હાસ્ય અને શાંત સ્વભાવ તેમની ઓળખ છે અને તેના કારણે જ તેઓ સરકારની ખૂબ નજીક રહ્યા છે.
અન્ન વિતરણ મુદ્દે શાહીદ અને ધોળકિયા પર મંત્રી નરેશ પટેલ ભડક્યા
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હસ્તકની પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં ચાલતી લાલિયાવાડીમાં પુરવઠા મંત્રી નરેશ પટેલે બે ઉચ્ચ અધિકારી મહંમદ શાહિદ અને તુષાર ધોળકિયાનો ઉધડો લીધો હતો. રેશનકાર્ડ ધારકોને રેગ્યુલર અપાતા ઘઉં-ચોખાનો જથ્થો પણ એકથી બે મહિના મોડો વિતરણ થાય છે. નાણાકીય ગેરરીતિની ફરિયાદ ઉપરાંત પુરવઠા નિગમ હસ્તકના અનાજનો જથ્થો બગડી જવા સહિતના વિષયો અંગે યોગ્ય વ્યવસ્થા થઇ નહીં શકતા મંત્રીએ મામલો હાથમા લેવો પડ્યો છે. ચૂંટણી આવી રહી છે ત્યારે અનાજ વિતરણ યોજનાની અસરકારકતા ઘટતી જોઇને ધારાસભ્યો અને સાંસદો તરફથી ફરિયાદો મળતાં ઉચ્ચકક્ષાએથી નોંધ લેવાઇ છે. જેના પગલે નરેશ પટેલે બેઠક બોલાવીને બંને અધિકારીને ખખડાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.