તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાઉ-તેના સંકટ સામે તૈયારી:વાવાઝોડું ગુજરાતથી 600 કિ.મી દૂર, દરિયા કાંઠાના 1.50 લાખ લોકોને ખસેડવા કામગીરી શરૂ, 15000નું સ્થળાંતર

અમદાવાદ3 મહિનો પહેલા
તાઉ-તે વાવાઝોડાની સેટેલાઈટ તસવીર
  • વાવાઝોડુ દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ 600 કિ.મી.ના અંતરે
  • 18 મેના રોજ સંભવિત અસરગ્રસ્ત 15 જિલ્લામાં 70 થી 175 કિ.મી.ની પવનની ગતિ રહેવાની સંભવાના.
  • રેસ્કયુ કામગીરી માટે સંબંધિત જિલ્લાઓમાં 44 NDRFની ટીમ ફાળવાઈ અને 6 SDRFની ટીમો તહેનાત,.
  • આશ્રયસ્થાનો પર કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ નાગરિકોને સ્થળાંતરીત કરાશે.

તાઉ-તે નામનું વાવાઝોડું ઝડપભેર ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યા પ્રમાણે વાવાઝોડું હાલ વેરાવળથી 620 કિ.મી. દૂર છે. જે ગુજરાતના દરિયા કિનારે 17 તારીખે પહોંચશે અને 18મીએ સવારે પોરબંદરથી લઇને ભાવનગરના મહુવા સુધીના વિસ્તારને ક્રોસ કરશે અને વાવાઝોડાની ગતિ 160 કિ.મી. પ્રતિ કલાક કે તેથી વધારે રહી શકે છે. જેને લઈને દરિયા કાંઠાના વિસ્તારોમાં રહેતા 1.50 લાખ લોકોને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત રેસ્ક્યુ માટે જિલ્લાઓમાં 44 NDRFની ટીમ ફાળવાઈ છે અને 6 SDRFની ટીમો તહેનાત છે.

દરિયાકાંઠે રહેતા 1.50 લાખ લોકોને ખસેડવાની કામગીરી શરૂ
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા ‘‘તાઉ-તે’’ સંદર્ભે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન અને મોનિટરિંગ હેઠળ આગોતરા આયોજનના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે અને મોડી રાત સુધીમાં 1.50 લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. આ માટે તમામ જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરીને જરૂરી વ્યવસ્થાઓ કરવા સૂચનાઓ આપી દેવાઈ છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 70થી 175 કિમીની ઝડપે પવન ફૂંકાશે
પંકજ કુમારે વધુમાં ઉમેર્યું કે, ભારત સરકારના હવામાન વિભાગની આગાહી મુજબ આ વાવાઝોડુ દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ 600 કિ.મી દૂર છે. જેની ગતિની તીવ્રતા આગામી 24 કલાકમાં વધવાની સંભાવના છે. વાવાઝોડુ પોરબંદર અને ભાવનગર તરફ પ્રોજેક્ટ થયેલું જણાય છે. જે 17 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના છે. 17 મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે થવાની સંભાવના છે. તેમણે ઉમેર્યું કે, તા. 17 અને 18મી મેના રોજ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડામાં 70 થી 175 કિ.મી. સુધીનો પવન રહે એવી સંભાવના છે.

આરોગ્ય સચિવ જ્યંતી રવિ પણ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી સાથે રહ્યા હતા
આરોગ્ય સચિવ જ્યંતી રવિ પણ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી સાથે રહ્યા હતા

17 જિલ્લામાં 15 હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા
તેમણે ઉમેર્યું કે, સંભવિત અસર થનાર જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરીને સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સલામતિના પગલાં રૂપે નાગરિકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચનાઓ આપી દેવાઈ છે અને જરૂર જણાય ત્યાં કોવિડ પ્રોટોકોલ મુજબ સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આજે બપોર સુધીમાં દક્ષિણ અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, નવસારી પોરબંદર, સુરત, વલસાડ અને બોટાદ મળી કુલ 17 જિલ્લાઓમાં 15 હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આ માટે 20 NDRFની ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છ ખાતે, 4 ટીમો દક્ષિણ ગુજરાતમાં અને 15 વધારાની ટીમો હવાઈ માર્ગે મંગાવાઈ છે. એટલુ જ નહીં પાંચ NDRFની ટીમો રિઝર્વ રાખવામાં આવી છે એટલે કે કુલ 45 NDRFની ટીમો રેસ્કયુ કામગીરી માટે ફાળવવામાં આવી છે. આ ઉપરાંત 6 SDRFની ટીમો પણ ડિપ્લોય કરી દેવાઈ છે.

વાવાઝોડાની સંભાવનાને પગલે વેરાવળ ખાતે માછીમારોની હજારો બોટ કાંઠે લાંગરી દેવામાં આવી હતી.
વાવાઝોડાની સંભાવનાને પગલે વેરાવળ ખાતે માછીમારોની હજારો બોટ કાંઠે લાંગરી દેવામાં આવી હતી.

માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
તેમણે કહ્યું કે, માછીમારોને આગામી 5 દિવસ માટે દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે અને મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડને દરિયામાં રહેલ માછીમારોની બોટોને પરત બોલાવવા જરૂરી સૂચનાઓ આપી છે. અત્યાર સુધીમાં 1977 બોટો પરત આવી ગઈ છે. મીઠાના અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. દરિયાકાંઠાના જિલ્લામાં જિલ્લા કલેકટરોને સંભવિત સંવેદનશીલ ગામોના આશ્રયસ્થાનો પર આરોગ્યની ટીમો તૈનાત કરાઈ છે અને સ્થળાંતર વેળાએ કોવિડ-19ના પ્રોટોકોલ મુજબ નાગરિકોને સ્થળાંતરિત કરવામાં આવે તેની પણ કાળજી રખાશે. કોવિડ-19 અન્વયે જરૂરી પાવર બેકઅપ, જનરેટર, દવાઓ, ઓક્સિમીટર, ઓક્સિજન બોટલો તથા અન્ય સુવિધાઓ વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવાનું સંપૂર્ણ આયોજન છે. સગર્ભા સ્ત્રીઓની ઓળખ કરીને સલામત સ્થળે પહોંચાડવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરાઈ છે.

લોકોને વાવાઝોડુ જોવા બહાર ન નીકળવા અપીલ
તેમણે ઉમેર્યું કે, વાવાઝોડા સંદર્ભે મુખ્ય સચિવના સીધા મોનિટરિંગ હેઠળ વિવિધ વિભાગો તથા કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરીને સુચારૂ રૂપે આયોજન કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી દેવાઈ છે. સંભવિત વાવાઝોડા સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેમાં સૌ નાગરિકો સંપૂર્ણપણે સહયોગ આપે અને કામ વગર વાવાઝોડુ જોવા માટે પણ બહાર ન નીકળવા અને સંપૂર્ણ સલામત રીતે ઘરમાં જ રહેવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઈ છે.