ઉત્તરાયણ આડે હવે બે અઠવાડીયા જેટલો જ સમય રહ્યો છે. જેને પગલે પતંગ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાની દહેશત અને કાચા માલની મર્યાદિત આવકને કારણે પતંગનું ઉત્પાદન પણ 25% ઘટી ગયું છે. તેની સાથે સાથે આ વર્ષે પતંગના ભાવમાં 25થી 30%નો વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની દહેશત તથા કાચા માલની પૂરતા પ્રમાણ ઉપલબ્ધતા ન મળવાથી ચાલુ વર્ષે પતંગનું ઉત્પાદન દર વર્ષની સરખામણીએ ઓછું છે. જોકે મહત્વની વાત એ છે કે હોલસેલ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે.
કાગળ અને સળી પુરતા મળતા નથી
અમદાવાદના કાલુપુર ટાવર વિસ્તારમાં પતંગના હોલસેલ વેપારી સલીમભાઈએ જણાવ્યું કે આ વર્ષે વેપાર પર કોરોનાની અસર જોવા નથી મળી, પરંતુ પતંગના ઉત્પાદન પર કોરોનાની અસર જોવા મળી છે, કારણ કે કોલકાત્તાથી પતંગ બનાવવા માટે આવતી સળી અને હૈદરાબાદથી આવતા કાગળ દર વર્ષની જેમ પર્યાપ્ત માત્રમાં મળ્યા નથી. જેના કારણે પતંગનું ઉત્પાદન આશરે 25% ઓછું થયું છે. માત્ર એટલું જ નહીં પતંગની વેરાયટીમાં પણ કોઈ ફેરફાર જોવા મળતો નથી.
માંગ વધે તો ઉત્પાદન વધારવું પડશે
જમાલપુર વિસ્તારમાં પતંગ બનાવતા યુસુફ રંગરેજે જણાવ્યું કે કોરોનાની દહેશતના કારણે પણ પતંગો મોટી માત્રામાં બનાવી નથી. બીજી તરફ લેબર ચાર્જ વધવાથી પણ પતંગના ભાવ પર અસર જોવા મળી છે. જોકે અંતિમ ઘડીએ પતંગની માગ વધે તો ફરીથી નવા માલનું ઉત્પાદ કરવું પડશે.
11 વાગ્યાથી નાઇટ કર્ફ્યૂ હોવાથી વેપાર પર અસર નહીં થાય
રખિયાલ વિસ્તારના પતંગના હોલસેલ વેપારી પ્રદીપભાઈ જૈને પણ જણાવ્યું કે, હોલસેલ માર્કેટમાં પતંગનો વેપાર સંતોષકારક છે. જોકે આ વર્ષે માત્ર પતંગ નહિં, પરંતુ દોરીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દોરીના ભાવમાં 30-35 ટકા ભાવ વધ્યા છે. ઉપરાંત આ વખતે અમદાવાદમાં કર્ફ્યુનો સમય 11 વાગ્યાથી હોવાના કારણે તેની વેપાર પર મોટી અસર જોવા નહીં મળે. પરંતુ વેપારીઓએ હાલની પરિસ્થિતિને જોતા કાળજીપૂર્વક વેપાર કરવો પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.