તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિંદગી જીવવાની જીદ:અમદાવાદની 10 વર્ષીય બાળકી કિર્તી કોઠારીએ કોરોના, ફંગલ ઈન્ફેક્શન અને MIS-Cને 12 દિવસમાં હરાવ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
12 દિવસ સુધી કિર્તીએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ 3 બીમારીને હરાવી - Divya Bhaskar
12 દિવસ સુધી કિર્તીએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ 3 બીમારીને હરાવી
  • કિર્તી કોઠારી વેકેશન માણવા રાજસ્થાનના અજમેર સ્થિત દાદાના ઘરે ગઈ અને બીમાર પડી હતી
  • કોરોના બાદ જૂજ જોવા મળતો MIS-C પર વિજય સંભવ છે
  • કોરોનાની બીજી લહેર બાદ સિવિલ હોસ્પિટલમાં MIS-C રોગથી પીડિત 15 બાળકોએ સારવાર મેળવી

‘કોરોના’, ‘મ્યુકોરમાઇકોસિસ’ અને ‘MIS-C’ (મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમ) જેવા ભયાવહ રોગનું નામ સાંભળી લોકોના શરીરમાંથી લખલખું પસાર થઇ જાય છે. પરંતુ જો હકારાત્મક અભિગમથી આવા રોગોનો સામનો કરવામાં આવે તો તેમાંથી મુકત થવુ અધરૂ નથી. અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના આઇ.સી.યુ.માં દાખલ કરાયેલી મણિનગરની 10 વર્ષની કિર્તી કોઠારીની ‘જિંદગી જીવવાની જીદ’ અને રોગને ગમે તે ભોગે હરાવવાનો હકારાત્મક અભિગમ અને વલણને જોતા તમે તેનાથી પ્રભાવિત થયા વિના ના રહી શકો.

કિર્તીની જીદ સામે રોગ હાર્યા
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં MIS-Cથી પીડિત 10 વર્ષીય કિર્તી કોઠારી 12 દિવસની સારવાર દરમિયાન પળભર માટે પણ હિંમત હારી નહી. જીદ હતી તો ફક્ત જીવી જવાની. આ જીદને લઇને સમગ્ર સારવાર કરાવ્યા બાદ અંતે MIS-Cને હરાવીને સ્વગૃહે પરત ફરી છે.

બાળકીની ખુશી એક સાથે 3 બીમારીની હરાવવાની જિંદગી જીવવાની જીદની છે
બાળકીની ખુશી એક સાથે 3 બીમારીની હરાવવાની જિંદગી જીવવાની જીદની છે

બાળકી વેકેશન માણવા દાદાના ઘરે રાજસ્થાન ગઈ હતી
સમગ્ર ઘટના એવી છે કે, અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી 10 વર્ષની કિર્તી કોઠારી વેકેશન માણવા રાજસ્થાનના અજમેર સ્થિત દાદાના ઘરે ગઇ હતી. તે દરમિયાન 10મી મેના રોજ કિર્તીને એકાએક હાઇગ્રેડ તાવ ચઢ્યો હતો. આંખ પર સોજો જણાઇ આવ્યો હતો. માતા-પિતા ખૂબ જ ચિંતીત બન્યા હતા. ક્ષણભર પણ વિલંભ કર્યા વિના તેઓ કિર્તીને અમદાવાદ લઇ આવ્યા હતા. અમદાવાદ શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવ્યા બાદ 10થી 15 દિવસ સારવાર પણ કરાવી. સારવાર દરમિયાન આંખની પાસેના વિસ્તારના ઇન્ફેક્શનનું પરૂ દૂર કરવામાં આવ્યું. તે છતાંય સંતોષકારક પરિણામ મળ્યું નહી. છેલ્લે પહેલી જૂનના રોજ કિર્તીના માતા-પિતા અમદાવાદ સિવિલમા સારવાર માટે લઇ આવ્યા હતા.

સિવિલમાં દાખલ થઈ ત્યારે હાઈગ્રેડ તાવ, આંખના ભાગે સોજો હતો
કિર્તી કોઠારી અમદાવાદ સિવિલમાં આવી ત્યારે તેને હાઇગ્રેડ તાવની ફરિયાદ હતી. સાથે સાથે ડાબી આંખના ભાગે સોજો જોવા મળી રહ્યો હતો. તે આંખ ખોલવા સક્ષમ પણ ન હતી. પેટમાં પણ અસહ્ય દુઃખાવાની ફરિયાદ હતી. આ તમામ ફરિયાદ અને તકલીફ જોતા સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના તબીબોને MIS-Cની તકલીફ હોવાની સંભાવના જણાઇ આવી હતી. જેની ખરાઇ કરવા તબીબોએ વિવિધ રિપોર્ટસ કરાવ્યા. રિપોર્ટસમાં MIS-C અને ફંગલ ઇન્ફેકશનનું પણ નિદાન થયું હતું.

રિપોર્ટ્સના આધારે ડોક્ટર્સે સારવાર કરી
કિર્તીનું CRP (સી-રિએક્ટીવ પ્રોટીન), ડી-ડાઇમર વધવાના કારણે ઇન્ફ્લામેટરી માર્કર્સ (સોજા) વધી રહ્યા હતા. આ તમામ રિપોર્ટસ જોતા બાળરોગ વિભાગના ડૉ. બેલા શાહ, ડૉ. ચારૂલ મહેતા અને ડૉ. ધારા ગોસાઇની ટીમ દ્વારા ઇ.એન.ટી. વિભાગના નિષ્ણાંત તબીબો, ઓપ્થેલમોલોજીસ્ટ(આંખના તબીબ) અને ન્યુરોસર્જન્સ સાથે સમગ્ર કેસની વિગતવાર ચર્ચા-વિચારણા અને પરામર્શ કરીને સમગ્ર સારવાર હાથ ધરી હતી.

જિંદગી જીવવાની કિર્તીની જીદના કારણે જ તે 12 દિવસે સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફરી
જિંદગી જીવવાની કિર્તીની જીદના કારણે જ તે 12 દિવસે સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફરી

એન્ટીફંગલ ઇન્જેક્શનની જરૂર પડી હતી
રોગની ગંભીરતા અને કિર્તીની તકલીફો જોતા આકસ્મિક સંજોગોમાં ઇમ્યુનોગ્લોબ્યુલીન ઇન્જેક્શન જે સોજો દૂર કરવા માટે અસરકાર છે અને એન્ટીફંગલ ઇન્જેકશનની સારવાર આપવાની જરૂરિયાત ઊભી થઇ હતી. જે બંને ઇન્જેક્શન મોંધા હોવાથી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટની પરવાનગીની જરૂર હતી. સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદીએ પણ વિલંબ કર્યા વગર તમામ ઇન્જેક્શન સરળતાથી ઉપલબ્ધ કરાવી આપ્યા હતા. આ ઇન્જેક્શન ઉપરાંત તમામ સપોર્ટિવ થેરાપી શરૂ કરવામાં આવી જે કારણોસર કિર્તીની તબીયતમાં સુધાર જોવા મળ્યો હતો. 12 દિવસની સધન સારવાર મેળવીને કિર્તી કોઠારી સંપૂર્ણપણે સાજી થઇ સ્વગૃહે પરત થઇ છે.

MIS-Cના કારણે શરીરના વિવિધ અવયવોમાં સોજો આવે છે
સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડૉ. બેલા શાહ કહે છે કે, MIS-C રોગમાં શરીરના વિવિધ અવયવોમાં સોજો થતો જોવા મળે છે. જેના લક્ષણોમાં વધુ તાવ આવવો, ઝાડા-ઉલ્ટી થવી, પેટમાં દુઃખાવો થવો, આંખમાંથી પાણી પડવું, માથામાં દુઃખાવો થવો, ચામડી પર ચાઠા પડવાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ડેન્ગ્યુ, ઓરી, અછબડામાં પણ આ પ્રકારના લક્ષણો જોવા મળે છે.

અત્યાર સુધી MIS-Cથી પીડિત 15 બાળકો સાજા થયા
સામાન્ય કિસ્સાઓમાં બાળકને કે તેના પરિવારમાં કોઇને કોરોના થયો હોય. કોરોનાના ઇન્ફેક્શનથી આ પ્રકારના લક્ષણો બાળકમાં પ્રસરણ થયા હોય ત્યારે MIS-C થવાની સંભાવનાઓ રહેલી હોય છે. અમદાવાદ સિવિલમાં બીજી લહેર બાદ 15 જેટલા બાળકો એમ.આઇ.એસ.સી.ની સારવાર હેઠળ આવ્યા છે. જેમાં મોટા ભાગના બાળકો સાજા થઇને ઘરે પરત થયા છે.