ગુજરાતમાં પોતાની પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ (PMO)ના માણસ તરીકેની ઓળખ આપતા કિરણ પટેલને અહીંયા કોઈ ઓળખી શક્યું નહીં, પણ તેને જમ્મુ-કાશ્મીરમાં પકડી લેવાયો છે. હવે ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્કવોર્ડ(ATS) તેને પૂછપરછ કરવા શ્રીનગર પહોંચી છે, પરંતુ ગુજરાત ATSના કેટલાક અધિકારીઓ જ કિરણ પટેલના સોશિયલ મીડિયા ફ્રેન્ડ છે.
ગુજરાત ATSની કડી મેળવવા મથામણ
અમદાવાદમાં અલગ અલગ લોકોને પોતાના પ્રભાવમાં લાવવાનો પ્રયાસ કરનાર કિરણ પટેલ વિવાદિત વ્યક્તિ છે. કિરણ પટેલ પોતે PMOનો સંપર્ક ધરાવતાનું કહીને અનેક લોકોને આભામાં લીધા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કિરણ પટેલ હાલ જમ્મુ-કાશ્મીરમાં છે, તેને આટલું મોટો કોન્ટેક્ટ કઈ રીતે થયો અને તે કઈ રીતે બોગસ અધિકારી બન્યો તે જાણવા માટે ગુજરાત એટીએસની એક ટીમ જમ્મુ-કાશ્મીર પહોંચી છે.
ATSના અધિકારી કિરણ પટેલ સાથે સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ
કિરણ પટેલ પોતાના વીવીઆઈપી બતાવીને છેક પાકિસ્તાન બોર્ડર સુધી જઈ આવ્યો હતો. આ તમામ વિગતો ખુલ્યા બાદ ગુજરાત એટીએસને પણ હવે રહી રહીને તપાસ કરવાનું સૂઝ્યું છે. ગુજરાત એટીએસના અધિકારીઓ ભલે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા, પરંતુ કિરણ પટેલની પહોંચ એટીએસ સુધી પણ છે. કિરણ પટેલના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એટીએસના અધિકારીઓ પણ છે. જ્યારે ભાજપના મોટાં નેતાઓ પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે છે.
ડીસીપી સાથે પણ બબાલની ચર્ચા
સૂત્રો પાસેથી મળતી માહિતી કિરણ પટેલ અને અમદાવાદના એક ડીસીપી વચ્ચે મોટી બબાલ થઈ હતી. જે ડીસીપીની ઓફિસમાં થઈ હતી. અમદાવાદમાં ફરજ બજાવતા આઇપીએસ અધિકારી સાથે બબાલ અધિકારીની ઓફિસમાં થઈ હતી. હવે પોલીસને આ આઇપીએસ અધિકારી માહિતી આપે તો વધુ વિગત સામે આવી શકે છે.
મહાઠગ કિરણ પટેલ BJP ગુજરાતનો સભ્ય હોવાનો ગુજરાત AAPનો દાવો
ગુજરાત AAP દ્વારા મહાઠગ કિરણ પટેલનું ભાજપ સાથે કનેક્શન કાઢ્યું છે. ટ્વિટર પર તેના સભ્યપદ નંબર સહિતની વિગતો જાહેર કરી છે. ગુજરાત આપે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, BJP ગુજરાતના નેતા કિરણ પટેલ PMO ઓફિસર બનીને જનતાના ટેક્સના પૈસા વેડફી રહ્યા છે. તેનું ભાજપ સભ્યપદ નં. 1000130975. પોતાને PMO ઓફિસર કહીને કાશ્મીર જાય છે, સરકારી સુરક્ષા અને સુવિધાઓનો લાભ લે છે.
કાશ્મીરમાં Z+ સિક્યોરિટી સાથે ફરતો કિરણ મૂળ અમદાવાદનો
જમ્મુ-કાશ્મીરમાં પોતાને PMOનો અધિકારી જણાવીને ફરતા ભેજાબાજને પોલીસે ઝડપ્યો ત્યાં સુધીમાં તો કિરણ પટેલે તેમનો બરાબરનો ઉપયોગ કરી લીધો હતો. પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીઓને જાણવા મળ્યું કે, પોતાને હાઈ પ્રોફાઈલ અધિકારી જણાવનારો કિરણ મૂળ અમદાવાદના ઈસનપુરનો રહેવાસી હતો. હાલમાં એક વર્ષ પહેલાં જ તેણે પોશ સિંધુભવન રોડ પાસે બંગલો લીધો હતો અને ફેમિલી સાથે ત્યાં રહેવા ગયો હતો.
જમ્મુ-કાશ્મીરમાં પોલીસે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યા બાદ અમદાવાદના રહેવાસી એવા કિરણ પટેલની ધરપકડ કરી છે. કિરણ પટેલે PMOનો અધિકારી હોવાનું કહી ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ મેળવી હતી. ત્યારે અમદાવાદ ખાતે રહેતી કિરણ પટેલની પત્ની માલિની પટેલનો દિવ્ય ભાસ્કર દ્વારા સંપર્ક કરતા જણાવ્યું હતું કે, કિરણને ફસાવવામાં આવ્યો છે. PMOમાં કિરણને બધા ઓળખે છે, એમની કોઈ બદનામી કરી રહ્યું છે, કોઈ છે જે તેની પાછળ પડ્યું છે પરંતુ કોણ છે તેની નથી ખબર.
કિરણ પટેલ સાથે તેમનાં પત્ની પણ કાશ્મીર ગયાં હતાં
જમ્મુ-કાશ્મીરમાં PMOના અધિકારી તરીકે ઓળખ આપીને હાઈ સિક્યુરિટી વચ્ચે ફરતા ગુજરાતીની પોલીસે ધરપકડ કરી છે. કિરણ પટેલના ઈસનપુર અને એસજી હાઈવે વિસ્તારમાં મકાન છે. હાલ કિરણ પટેલનો પરિવાર ઈસનપુર વિસ્તારમાં આવેલા ઘરમાં રહે છે. કિરણ પટેલ અવારનવાર કાશ્મીર આવતો જતો હોય છે. કિરણ પટેલ સાથે તેમનાં પત્ની પણ કાશ્મીર ગયાં હતાં.
કાશ્મીર પોલીસ પણ કિરણ માટે પોઝિટિવ છે
માલિની પટેલે જણાવ્યું હતું કે કિરણ પટેલ સાથે થયું તે ખોટું છે. કિરણને ફસાવવામાં આવ્યા છે. અમે ક્યારેય કોઈનું ખોટું કરતા નથી. અત્યારે કાશ્મીર પોલીસ પણ કિરણ માટે પોઝિટિવ છે. કશું હતું જ નહીં પણ ખોટી રીતે કિરણને ફસાવવામાં આવ્યા છે. કિરણ તો સારા ડેવલોપમેન્ટ માટે કાશ્મીર ગયા હતા અને કોઈએ ફસાઈ દીધા છે. તેમનું કાશ્મીરમાં કેટલાય સમયથી કામ ચાલુ જ છે. કામ ચાલુ હોય એટલે આવવા જવાનું રહે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.