ભાસ્કર એક્સક્લૂસિવજાણો કોણ છે કાશ્મીરમાં પકડાયેલો ગુજરાતી મહાઠગ:PMOનું નામ વટાવી સોટ્ટા પાડનારો કિરણ પટેલ મૂળ અમદાવાદનો, અમિત શાહ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં રાખતો

અમદાવાદ12 દિવસ પહેલાલેખક: આનંદ મોદી
  • કૉપી લિંક

ગુજરાતના અમદાવાદના ઈસનપુરનો મૂળ રહેવાસી કિરણ પટેલ ભારતનો લેટેસ્ટ બ્લફ માસ્ટર (ઠગભગત) બની ચૂક્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ દેશના સૌથી સંવેદનશીલ રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં કિરણ પટેલે પોતાને PMOનો એડિશનલ ડાયરેક્ટર જણાવીને એવા તો સોટ્ટા પાડ્યા કે ભલભલા થાપ ખાઈ ગયા. આ ભેજાબાજે સ્થાનિક પોલીસને એવી તે ગોટે ચઢાવી કે ભાઈ'સાબને Z+ સિક્યોરિટી કવર, બુલેટપ્રૂફ SUV, ફાઈવ સ્ટારમાં રોકાણ જેવી VVIP સુવિધાઓ મળી રહી હતી. તો ચાલો જાણીએ કે અમદાવાદના એક સામાન્ય માણસે હાઈપ્રોફાઈલ દેખાડા કરીને કેવી રીતે PMOનું નામ વટાવી ખાધું. એ તો ઠીક પરંતુ બબ્બે વર્ષથી કિરણ પટેલની આવી નકરી શોબાજી પર કોઈનું ધ્યાન સુદ્ધાં ન ગયું.

કાશ્મીરમાં Z+ સિક્યોરિટી સાથે ફરતો કિરણ મૂળ અમદાવાદનો
જમ્મુ-કાશ્મીરમાં પોતાને PMOનો અધિકારી જણાવીને ફરતા ભેજાબાજને પોલીસે ઝડપ્યો ત્યાં સુધીમાં તો કિરણ પટેલે તેમનો બરાબરનો ઉપયોગ કરી લીધો હતો. પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીઓને જાણવા મળ્યું કે, પોતાને હાઈ પ્રોફાઈલ અધિકારી જણાવનારો કિરણ મૂળ અમદાવાદના ઈસનપુરનો રહેવાસી હતો. હાલમાં એક વર્ષ પહેલાં જ તેણે પોશ સિંધુભવન રોડ પાસે બંગલો લીધો હતો અને ફેમિલી સાથે ત્યાં રહેવા ગયો હતો.

પત્નીએ કહ્યું, 'કિરણને કોઈ ફસાવી રહ્યું છે'
કિરણ તો અત્યારે શ્રીનગરમાં છે પણ તેમને ફસાવવામાં આવ્યા છે. અમે કદી કોઈનું ખોટું કર્યું જ નથી, અને અમને ત્યાંથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. કિરણ તો ત્યાં સારા ડેવલપમેન્ટ માટે ગયા હતા પરંતુ તેમને ત્યાં કોઈએ ફસાવી દીધા છે. ઊલટાનું કાશ્મીરના ડેવલપમેન્ટ માટે ગયા હતા અને ત્યાં તેમને ચોક્કસ કોઈએ ફસાવી દીધા છે. અમારા જે જૂના કેસ હતા તે તો બધું પતી ગયું છે અને કેસ પણ ક્વોશિંગ થઈ ગયો છે. કિરણની તપાસ પતી ગઈ છે અને બધું પોઝિટિવ પતી ગયું છે તો પછી હવે કશું નેગેટિવ નથી તો કોર્ટમાં પણ બધું પતી ગયું છે અને હવે નક્કી થશે.

કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ.
કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ.

PMOમાં કિરણને બધા ઓળખે છેઃ માલિની પટેલ
PMOને લગતી વાત છે તેમાં તો બધું જજ નક્કી કરશે. પરંતુ હું તો તમને એટલું કહેવા માગું છું કે જૂના કેસ જે મારા જેઠના હતા તે તો પતી ગયા છે. અમને લાગે છે કે કોઈ અમારી પાછળ પડી ગયું છે અને અમે બંને ભણેલાં-ગણેલાં છીએ તો આપણામાં તો બુદ્ધિ હોય ને કે આવું ખોટું કરાય જ નહીં. PMOમાં કિરણ પટેલને બધા ઓળખે છે અને તેમને બધા કોન્ટેક્ટ છે અને બધા સારી રીતે ઓળખે પણ છે.

PMOનું આઈડી કાર્ડ.
PMOનું આઈડી કાર્ડ.

સોશિયલ મીડિયામાં ચાર્ટર્ડ પ્લેન-અમિત શાહના ફોટા
અદભુત વાક્ચાતુર્ય ધરાવતો અને ફાંકડું અંગ્રેજી બોલતો કિરણ પટેલ હાઈ પ્રોફાઈલ લાઇફ સ્ટાઇલ જીવવાનો શોખ ધરાવતો હતો. કોઈ પણ વ્યક્તિને પહેલી મુલાકાતમાં જ આંજી દેવો એ ઠગભગત કિરણ પટેલની સ્ટાઈલ હતી. આ માટે સામેવાળી વ્યક્તિને બરાબરની પ્રભાવિત કરવા તેણે પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં ભાડે રાખેલા ચાર્ટર્ડ પ્લેન ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેના ફોટા રાખ્યા હતા. હવે ગૃહમંત્રી સાથેના ફોટા હોય અને આ રીતે રોલા મારે તો કાશ્મીર પોલીસ બિચારી ક્યાં જાય...

કિરણ પટેલની ફેસબુક પોસ્ટ.
કિરણ પટેલની ફેસબુક પોસ્ટ.

વિદેશી યુનિવર્સિટીના લેટર પણ બધાને દેખાડતો
કિરણ પટેલ પોતે કેટલો ભણેલો અને જ્ઞાની માણસ છે તે દેખાડો કરવામાં પણ માહેર છે. આ માટે જ તે વિદેશી યુનિવર્સિટીના લેટરને પણ સોશિયલ મીડિયામાં મૂકતો હતો. આ લેટર થકી ફલાણી યુનિવર્સિટી સાથે પોતાનું જોડાણ છે અને ઢીકણી યુનિવર્સિટીમાંથી કોર્સ કર્યાનું તે કહેતો હતો. હાલ તો કિરણ પટેલ જમ્મુ-કાશ્મીર પોલીસની કસ્ટડીમાં છે અને દેશની અલગ-અલગ એજન્સીઓ હવે તેની પૂછપરછ કરવાની છે તેવી વિગતો સામે આવી રહી છે. તેણે વિદેશની યુનિવર્સિટીના લેટર કેવી રીતે મેળવ્યા તેની પણ પૂછપરછ થશે.

પરિવાર સાથેની કિરણ પટેલની ફેસબુક પોસ્ટ.
પરિવાર સાથેની કિરણ પટેલની ફેસબુક પોસ્ટ.

PMOના ઓફિસરનું વિઝિટિંગ કાર્ડ પણ બનાવ્યું
એક વાર સામેવાળી વ્યક્તિ પોતાનાથી પ્રભાવિત થાય એટલે કિરણ પટેલે તેને બરાબરનો સાણસામાં લેવાનો બંદોબસ્ત કરી રાખ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે પોતાનો ઘેરો નાતો હોવાનું કિરણ વાત-વાતમાં કહી દેતો હતો. એટલું જ નહીં, પોતે PMOનો ઓફિસર છે તેવું સામેવાળાના દિમાગમાં ઠસાવી દેવા કિરણે એડિશનલ ડાયરેક્ટર, PMOનું વિઝિટિંગ કાર્ડ પણ બનાવી રાખ્યું હતું. બે વર્ષ અગાઉ લોકડાઉનમાં ચેરિટી વર્ક સંબંધે દિવ્ય ભાસ્કરે કિરણ પટેલ સાથે વાત કરી હતી. તે સમયે પણ કિરણે પોતે PMO સાથે જોડાયેલા હોવાનું જણાવીને વિઝિટિગ કાર્ડ પણ બતાવ્યું હતું. બીજી તરફ કિરણ પટેલ શ્રીનગરમાં પરિવાર સાથે ફરવા ગયો ત્યારે પણ તેણે પોતાની ઓળખ PMOના અધિકારી તરીકે આપી હતી. આને પગલે સ્થાનિક સુરક્ષા એજન્સીઓએ તેને Z+ સિક્યોરિટી આપી હતી. અલબત્ત, કિરણની ઠગાઈની પોલીસને જાણ થતાં તેની ધરપકડ કરવામાં આવી છે.

કિરણ પટેલની ફેસબુક પોસ્ટ.
કિરણ પટેલની ફેસબુક પોસ્ટ.

લોકડાઉનમાં વોટ્સએપ ગ્રૂપ બનાવી દવા પહોંચાડતો
કિરણ પટેલ અમદવાદમાં એક સામાજિક સંસ્થા પણ ચલાવે છે અને તેની પત્ની માલિની પટેલ ડોક્ટર છે. કિરણના પરિવારમાં 2 દીકરીઓ છે. કિરણે લોકડાઉન દરમિયાન એક મુહિમ ચાલુ કરી હતી જેમાં અમદાવાદમાં અનેક વિસ્તારમાં લોકોને દવાની જરૂર હોય ત્યાં પોતાના વોલન્ટિયર દ્વારા દવા નિઃશુલ્ક પહોંચાડી હતી. આ માટે કિરણે વોટ્સએપ પર 'RP Helping Hands' નામનું ગ્રૂપ પણ બનાવ્યું હતું. જેમાં લોકોને તેની સાથે જોડીને પોતે કરેલાં કાર્યો તથા પોતે જ્યાં હરેફરે તેની અપડેટ આપતો હતો.

કિરણ પટેલની ફેસબુક પોસ્ટ.
કિરણ પટેલની ફેસબુક પોસ્ટ.

ઈસનપુરથી કેવી રીતે સિંધુભવન રોડના બંગલે પહોંચ્યો
કિરણ પટેલ અગાઉ ઇસનપુર વિસ્તારમાં રહેતો હતો. પરંતુ એક વર્ષ અગાઉ એસજી હાઇવે પર તેણે પોતાનો બંગલો લીધો હતો. આ બંગલાનું નામ તેણે 'જગદીશપુરમ્' આપ્યું હતું. કિરણે પટેલનો IIM-ત્રિચીથી MBAનો અભ્યાસ કર્યો હોવાનો પણ દાવો છે. BMW કારમાં ફરતો કિરણ હંમેશાં હાઈપ્રોફાઈલ લાઈફ જીવતો અને પોતે ખૂબ પહોંચેલો હોવાનો પણ દાવો કરતો હતો. થોડા સમય પહેલાં તેણે ફેમિલી ટ્રીપ માટે સ્પાઇસ જેટનું નાનું પ્રાઇવેટ એરક્રાફ્ટ પણ બુક કરાવ્યું હતું. પોતે સંઘ અને BJPનો સમર્થક હોવાનું પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તે લોકોને કહેતો હતો.

કિરણ પટેલની ફેસબુક પોસ્ટ.
કિરણ પટેલની ફેસબુક પોસ્ટ.

શરૂથી જ પોતાની VVIP તરીકે ઓળખ આપી આંજી દેતો
કિરણ કોઈને પણ શરૂઆતથી જ પોતે VVIP માણસ હોવાનું કહીને આંજી દેતો હતો. કિરણની પત્ની માલિની પટેલ પણ હંમેશાં તેની સાથે હોય છે. તે પણ સોશિયલ મીડિયામાં આ પ્રકારે જ એક્ટિવ રહીને પોતે હાઈપ્રોફાઈલ હોવાનું બતાવે છે. કિરણ પટેલની દીકરી નિરમા યુનિવર્સીટીમાં અભ્યાસ કરી રહી છે જે તેણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું. ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે એક્ટિવ છે. ટ્વીટરમાં તો તેનું એકાઉન્ટ પણ વેરિફાય કરેલું છે.

કાશ્મીરમાં Z+ સિક્યોરિટી સાથે
કાશ્મીરમાં Z+ સિક્યોરિટી સાથે

2019માં કિરણ પટેલ વિરુદ્ધ વડોદરામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી
વર્ષ-2018માં નવરાત્રિમાં નવલખી મેદાનમાં કલાનગરી ગરબા મહોત્સવના નામે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબા મહોત્સવમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ અમદાવાદની એજન્સીને આપવામાં આવ્યું હતું. આ એજન્સીના ભાગીદારો અને કિરણ પટેલે ગરબાના મેદાનમાં ડેકોરેશન અને લાઇટિંગનું કામ અમદાવાદના જૈન ડેકોરેટર્સના માલિક પરિતોષ બાબુભાઇ શાહને એગ્રીમેન્ટ કરીને આપ્યું હતું.

કિરણ પટેલની ફેસબુક પોસ્ટ.
કિરણ પટેલની ફેસબુક પોસ્ટ.

હવે માંગણી કરીશ તો તને જાનથી મારી નાખીશું
જૈન ડેકોરેટર્સ દ્વારા કરાર મુજબ ગરબા મહોત્સવનું કામ પૂરું કર્યું હતું. નક્કી કરેલા રૂપિયા કરતા વધુ રકમના બિલ બનાવાયા હતા અને તે બિલ ડેકોરેટર્સના માલિક પરિતોષ શાહે એજન્સીને આપ્યું હતું. આ વધારે રકમના બિલની ઉધરાણીને લઈને 05-04-2019ના રોજ કિરણ પટેલે જૈન ડેકોરેટર્સના માલિક પરિતોષ શાહને ફોન કરીને જણાવ્યું હતું કે, રૂપિયા મળશે નહિં. હવે માંગણી કરીશ તો તને જાનથી મારી નાંખીશું, તેવી ધમકી આપી હતી.

ગરબા મહોત્સવને તત્કાલીન ધારાસભ્ય સીમા મોહિલેનો સપોર્ટ હતો
કિરણ પટેલે નાણાં આપવા માટે હાથ અધ્ધર કરી દેતા અને મારી નાંખવાની ધમકી આપતા જૈન ડેકોરેટર્સના માલિક પરિતોષ શાહે રાવપુરા પોલીસ મથકમાં જેતે સમયે ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીના ભાગીદારો તથા કિરણ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે રાવપુરા પોલીસે કાર્યવાહી કરી હતી. પાછળથી એજન્સીના ભાગીદારો સાથે પરિતોષ શાહને સમાધાન થતા હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરાઈ હતી. હાઈકોર્ટે સમાધનને ધ્યાને રાખી એજન્સીના ભાગીદારો સામેની પોલીસ ફરિયાદ રદ કરવા આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નવલખી મેદાનમાં કલાનગરી ગરબા મહોત્સવનું આયોજન ભાજપના અગ્રણી મેહુલ ઝવેરી દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ ગરબા મહોત્સવને અકોટા વિધાનસભાના તત્કાલીન ધારાસભ્ય સીમાબહેન મોહિલે સપોર્ટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...