મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, સુરતમાં ગેમ રમવા બાબતે ઠપકો આપતાં સગીર પુત્રએ પિતાની હત્યા કરી, 'બિગ બોસ' વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ-અટેકથી મૃત્યુ

અમદાવાદ3 મહિનો પહેલા

નમસ્કાર,
આજે શુક્રવાર છે, તારીખ 3 સપ્ટેમ્બર, શ્રાવણ વદ અગિયારસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટવા લાગશે.
2) UK, યુરોપ, મધ્ય પૂર્વ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, ચીન, ન્યૂઝીલેન્ડથી આવેલા મુસાફરોએ મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ ફરજિયાત
3) બિગબોસ વિનર સિદ્ધાર્થ શુકલાના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
4) રાજ્યમાં આજથી 10 સપ્ટેમ્બર દરમ્યાન પર્યુષણ પર્વની ઉજવણી થશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) સુરતમાં મોબાઇલ ગેમ રમવા બાબતે ઠપકો આપતાં 17 વર્ષના પુત્રએ ગળું દબાવી પિતાની હત્યા કરી, સગીરે હત્યાને અકસ્માતમાં ખપાવી દીધી
સુરતમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. હાલ યુવાનો અને સગીરોમાં મોબાઇલ જાણે લતનું સ્વરૂપ પકડી ચૂક્યો છે, ત્યારે ઇચ્છાપોરના કવાસ ગામમાં મોબાઇલ ફોનમાં ગેમ રમવા બાબતે ઠપકો આપનારા પિતાની સગીર પુત્રએ હત્યા કરી નાખી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. શરૂઆતમાં સગીરે હત્યાને અકસ્માતની ઘટનામાં ખપાવી દેવાના પ્રયાસ બાદ પોલીસ તપાસ દરમિયાન હત્યા થઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) વડોદરામાં ધો-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સ્કૂલેથી ઘરે આવી ગળેફાંસો ખાધો, પરિવારનું હૈયાફાટ રૂદન
વડોદરા શહેરના ગાજરાવાડી ગોમતીપુરામાં રહેતી ધો-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. વિદ્યાર્થિનીએ કયા કારણોસર આપઘાત કરી લીધો તે અંગે પાણીગેટ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પાણીગેટ પોલીસે લાશનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં રાજનાથસિંહનું નિવેદન, વિપક્ષો ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે
ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા ટેન્ટ સિટી-2માં ચાલી રહી છે. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી ય રૂપાણી ગુરૂવારે સવારે કેવડિયા પહોંચ્યા હતા અને તેમણે ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. કારોબારી બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં આતંકવાદ નથી એ પીએમ મોદીને આભારી છે. વિપક્ષો ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે.
વાંચો સમાચાર વિગતવાર

4) 'બિગ બોસ'ના વિનર સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની ઉંમરે હાર્ટ-અટેકથી મૃત્યુ, છેલ્લે ફોન પર કોની સાથે વાત કરી હતી? હવે ખુલાસો થયો
40 વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરે હાર્ટ-અટેકને કારણે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લા 'બિગ બોસ 13'ને કારણે લોકપ્રિય થયો હતો. સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને હોસ્પિટલે તેને મૃત જાહેર કર્યો હતો. કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સિદ્ધાર્થના મોતનું અસલી કારણ ખબર પડશે. ઓશીવાર પોલીસ સિદ્ધાર્થ શુક્લાના ઘરે ગઈ હતી. મુંબઈ પોલીસે નિવેદન આપ્યું હતું કે સિદ્ધાર્થના મોતમાં કંઈ ગડબડી થઈ હોવા તેવા ઇનપુટ મળ્યા નથી.
વાંચો સમાચાર વિગતવાર

5) AIIMSના ડિરેક્ટરે કહ્યું-બાળકોને વેક્સિન આપવામાં નવ મહિના લાગશે; બાળકોના વિકાસ માટે શાળાઓ ખોલવી પણ આવશ્યક છે
દેશમાં કોરોના સંક્રમણના કેસો ફરી તીવ્ર બન્યા છે. આ મહિને ત્રીજી લહેર આવવાની આશંકા છે. અહીં રાષ્ટ્રીય રાજધાનીમાં 1 સપ્ટેમ્બરથી બાળકો માટે શાળાઓ ખોલવામાં આવી છે. આ બધાની વચ્ચે, AIIMSના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં તમામ બાળકોને વેક્સિન આપવામાં નવ મહિનાનો સમય લાગશે.
વાંચો સમાચાર વિગતવાર

6) કોંગ્રેસમાં PK બાબતે મતભેદ, પ્રશાંત કિશોરને પાર્ટીમાં ખાસ પદ આપવા મુદ્દે રાહુલ-પ્રિયંકા રાજી, કેટલાક વરિષ્ઠ નેતાઓને વાંધો
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર એટલે કે PK લગભગ બે મહિના પહેલા દિલ્હીમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળ્યા હતા. તે પછી એ વાત લગભગ નક્કી થઈ ગઈ કે PK કોંગ્રેસમાં જોડાશે અને પાર્ટીમાં ખાસ જવાબદારી પણ મળશે. રાહુલ અને પ્રિયંકા આ મુદ્દે રાજી છે, જોકે કેટલાક સીનિયર્સને આ મુદ્દે વાંધો છે. હવે અંતિમ નિર્ણય સોનિયા ગાંધી કરશે.
વાંચો સમાચાર વિગતવાર

7) ISIS-K ભારત પર હુમલો કરી શકે છે, ખુરાસાન આતંકવાદી સંગઠન દેશના હિન્દુ નેતાઓ અને મંદિરોને નિશાન બનાવી શકે છે
અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન વચ્ચે ભારતમાં પણ આતંકવાદી હુમલાનું જોખમ રહેલું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાબુલ એરપોર્ટ પર હુમલો કરનારા આતંકવાદી સંગઠન ISISનું ખુરાસાન ગ્રુપ(ISIS-K) ભારતમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યુ છે. ISIS-K ભારતમાં હિન્દુ નેતાઓ અને મંદિરોને નિશાનો બનાવી શકે છે.અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ ISISના સંપર્કમાં હોવાના અહેવાલ છે. કાશ્મીર અને કર્ણાટકમાંથી ધરપકડ કરાયેલા કેટલાક શંકાસ્પદ લોકોએ આ ખુલાસો કર્યો હતો. ત્યારબાદ ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી જાહેર કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

8) શેરોમાં તેજીનો કમાલ, અદાણી ફરી એશિયાના બીજા અને વિશ્વના 14માં સૌથી ધનવાન ઉદ્યોગપતિ બન્યા, મુકેશ અંબાણી ટોપ પર
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ફરી એક વખત એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા છે. જ્યારે તે વિશ્વના 14માં સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એશિયામાં પ્રથમ અને વિશ્વના 12માં સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સનો 1 સપ્ટેમ્બરના આવેલ રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) 2022માં 10મી ગુજરાત વાઈબ્રન્ટ સમિટ યોજાશે, સીએમ રૂપાણીએ રશિયાના ઉદ્યોગ અગ્રણીઓના પ્રતિનિધિ મંડળને આમંત્રણ આપ્યું.
2) અલ્પિતા ચૌધરીને ફરી એક વાર કરાઈ સસ્પેન્ડ, બેચરાજી મંદિરમાં ફિલ્મી ગીતો પર વીડિયો બનાવ્યો હતો
3) દોઢ વર્ષ બાદ ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ, વિદ્યાર્થીઓએ કહ્યું, આજે આઝાદી મળી હોય એવું લાગ્યું
4) સરકારની ચેતવણી- ફેસ્ટિવલ સીઝનમાં બેદરકારી ન દાખવશો, ઘરમાં જ તહેવારો ઉજવો; બંને ડોઝ પછી જો જરૂરી હોય તો જ ક્યાંય જાવ
5) વેબ પોર્ટલ અને યુટ્યૂબ ચેનલોનાં કન્ટેન્ટને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી, કહ્યું- કંઈપણ ચાલી રહ્યું છે
6) અલાહાબાદ હાઇકોર્ટે કહ્યું- ગૌરક્ષાને કોઈપણ ધર્મ સાથે જોડવાની જરૂર નથી, ગાય આ દેશની સંસ્કૃતિ છે
7) તાલિબાન કબજા પછી અફઘાનિસ્તાને ભારતમાંથી 21 હજાર કરોડ ગુમાવ્યા, 13 યોજનાઓ પર બ્રેક

આજનો ઈતિહાસ
3 સપ્ટેમ્બર 1998નાં રોજ નેલ્સન મંડેલા દ્વારા બિન જોડાણવાદી ચળવળના શિખર સંમેલનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા વડાપ્રધાન અટલ બિહાર વાજપેયીએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.

અને આજનો સુવિચાર
આપણે જ્યારે સાંભળવા જેટલા સ્થિર- શાંત હોઈએ છીએ ત્યારે જ ભગવાન બોલે છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...