• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Khushbu And Maya From Ahmedabad, Who Collect Garbage At People's Homes For 4 Hours A Day, Get A Place In The Football Team For The National Games.

મહેનત રંગ લાવી:રોજના 4 કલાક લોકોના ઘરે કચરા-પોતાં કરતી અમદાવાદની ખુશ્બૂ અને માયાને નેશનલ ગેમ્સ માટેની ફૂટબોલ ટીમમાં સ્થાન મળ્યું

અમદાવાદએક મહિનો પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
ગુજરાત વુમન ફૂટબોલ ટીમમાં બંનેની પસંદગી થઈ છે. - Divya Bhaskar
ગુજરાત વુમન ફૂટબોલ ટીમમાં બંનેની પસંદગી થઈ છે.
  • માયાના પિતાનું કેન્સરથી અવસાન થયું અને માતાને ચોથા સ્ટેજનું કેન્સર, જ્યારે ખુશ્બૂના પિતા માળી કામ કરે છે
  • 29મીથી શરૂ થતાં રાષ્ટ્રીય ખેલ મહોત્સવમાં રમશે

29 સપ્ટેમ્બરથી ગુજરાતમાં 36મા રાષ્ટ્રીય ખેલ મહોત્સવનો પ્રારંભ થવાનો છે, જેમાં અમદાવાદ માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે, 15 વર્ષની ખુશ્બૂ સરોજ અને 16 વર્ષની માયા રબારી ગુજરાત વૂમન ફૂટબોલ ટીમમાં પસંદગી પામી છે. ખુશ્બૂ અને માયા બંને અભ્યાસની સાથેસાથે ફૂટબોલની ટ્રેનિંગ થલતેજ મ્યુનિ. પ્રાથમિક શાળા 1/2માંથી મેળવી હતી.

બંને ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે
હાલ બંને થલતેજની વિશ્વભારતી ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણે છે. ખુશ્બૂ અને માયા બંને ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. ફૂટબોલની પ્રેક્ટિસ કરવા જતા પહેલા બંને દિવસના ચાર કલાક લોકોના ઘરે કચરા-પોતા કરે છે. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે ભલભલાનું મનોબળ તૂટી જાય પણ આ બંનેનો આત્મવિશ્વાસ ડગતો નથી.

માતા અને ખુશ્બૂ લોકોના ઘરે કચરા-પોતા કરે છે
બંનેને આશા છે કે ફૂટબોલની આ રમત તેમના પરિવારને ચોક્કસથી તારી શકશે. ધોરણ 11માં ભણતી ખૂશ્બુના પરિવારમાં સાત સભ્યો છે. પિતા માળી કામ કરે છે જ્યારે માતા અને ખુશ્બૂ લોકોના ઘરે કચરા-પોતા કરે છે. ખુશ્બૂની મોટી બહેન બ્યૂટિપાર્લરનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. છેલ્લાં 6 વર્ષથી ખુશ્બૂ ફૂટબોલની પ્રેક્ટિસ કરે છે અને અત્યાર સુધી કુલ ત્રણ વખત સ્વીડન ખાતે ઈન્ટરનેશનલ ગેમ રમી ચૂકી છે.

હાલ માતાને પણ ચોથા સ્ટેજનું કેન્સર છે
ફૂટબોલ ગેમમાં આંતરાષ્ટ્રીય ફલક ઉપર દેશનું નામ રોશન કરવાનું ખુશ્બૂનું સપનું છે. માયા રબારી 12મા ધોરણમાં ભણે છે. બે વર્ષ અગાઉ તેના પિતાનું કેન્સરની બીમારીના કારણે મૃત્યુ થયું હતું અને હાલ માતાને પણ ચોથા સ્ટેજનું કેન્સર છે. ઘરમાં ત્રણ ભાઈ-બહેન છે. મોટી બહેને માયાના કરિયર ખાતર અભ્યાસ છોડી નોકરી શરૂ કરવી પડી હતી. માયા અંડર-12, અંડર-13 અને અંડર-14 સ્વીડન ખાતે રમાયેલ ઈન્ટરનેશનલ ફૂટબોલ ગેમમાં કેપ્ટન રહી ચૂકી છે. માયા પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવા ઈચ્છે છે.

સ્પોર્ટ્સમાં પ્રેક્ટિસ જ પ્લેયરને સક્સેસ અપાવી શકે છે
લલિતા સૈની 15 વર્ષથી ફૂટબોલ પ્લેયર છે અને તે આ ખેલાડીઓ માટે કોચ કમ માતાની ભૂમિકામાં છે. તે કહે છે કે, સ્પોર્ટ્સમાં પ્રેક્ટિસ જ પ્લેયરને સક્સેસ અપાવી શકે છે. આ બાળકોની આર્થિક જરૂરિયાત પુરી કરવા અને વાહનવ્યવહારની વ્યવસ્થા કહાની ફૂટબોલ કલબનાં ડૉ. મનીષા શાહ અને આનંદનિકેતન સ્કૂલના સંચાલક કુમાર મંગલ પૂરી પાડે છે.

ત્રીજા ધોરણથી બંનેએ ટ્રેનિંગ શરૂ કરી હતી
હું છેલ્લા 7 વર્ષથી થલતેજ પ્રાથમિક શાળાના બાળકોને ફૂટબોલની ટ્રેનિંગ આપી રહ્યો છું. અત્યાર સુધી મ્યુનિ. શાળાના 22 પ્લેયર્સને ઈન્ટરનેશનલ ગેમ રમવા મોકલ્યા છે. આ એવાં બાળકો હતાં, જેમની પાસે કપડાં કે પગમાં પહેરવા જૂતા પણ નહોતા. ત્યાં સુધી કે ફૂટબોલ રમવા મેદાન પણ નહોતું.ખુશ્બૂ અને માયા ત્રીજા ધોરણમાં હતી ત્યારથી ફૂટબોલની ટ્રેનિંગ શરૂ કરી હતી. અમારી શાળા છોડીને ગયા પછી પણ તેમનો સતત સંપર્ક અને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું છે. શાળામાં હાલ દીકરીઓની ફૂટબોલ ટીમ તૈયાર થઈ રહી છે. > મહેશ ઠક્કર, ખુશ્બૂ-માયાના શિક્ષક

અન્ય સમાચારો પણ છે...