સાહેબ મિટિંગમાં છે:ખોડલધામ નરેશ ‘ન.મો.’ કરી આવ્યા, જામકંડોરણામાં PMની સભા હાઉસફુલ થઈ ને રાજકોટના રેસ કોર્સમાં ઘોડા હાંફી ગયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી...

રાજકીય યાત્રાળુઓએ ખોડલધામમાં માથું નમાવવા જવું પડે છે. આ ખોડલધામના "નરેશ' પટેલ હવે નવી દિલ્હીમાં સત્તાના ધામમાં ન.મો. કરી આવ્યાના સમાચાર છે. રાજકારણ રમવાની વારંવાર જાહેરાત કર્યા પછી મેદાનમાં ઊતર્યા જ નહીં - લોકોએ કહ્યું કે વર્ચ્યુઅલ ગેમ રમતા હશે! પ્રશાંત કિશોરની વ્યૂહરચના પ્રમાણે નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાઇ રહ્યા છે તે સમાચાર બહુ ગાજ્યા, પણ એટલા વરસ્યા નહીં. વચ્ચે આમ આદમી પાર્ટીનાં વખાણ કર્યાં, પણ વખાણેલી ખીચડી દાઢે વળગી એવું કૈંક થયું. કઈ તરફ નમવું એની આવી અવઢવ તો ત્રાજવાને પણ નહીં હોય એવું કાર્ટૂન સોશિયલ મીડિયામાં ફર્યું હતું એવું કહો છો? તમે કહેતા હો તો હશે, સોશિયલ મીડિયાનો કંઈ ભરોસો નહીં, ભલભલાને તોળી નાખે. ટૂંકમાં દહીં-દૂધવાળો એક ખેલાડી હોય છે એવા ખેલાડી રહેવાનું. ખોડલધામમાં બિરાજતા માતાજીમાં એકથી વધુ જ્ઞાતિઓ આસ્થા ધરાવે છે એટલે સામાજિક રીતે અને ધાર્મિક રીતે પણ તેનું મહત્ત્વ છે. અહીં ધજા ચડાવવાના કાર્યક્રમમાં 31 ઑક્ટોબર વડાપ્રધાન મોદી હાજર રહેશે કે કેમ તેની ચર્ચા હવે ચાલશે. હાજર રહેશે તોય ચર્ચા થશે અને નહીં હાજર થાય તોય ચર્ચાના ધજાગરા તો થવાના જ ભઈ, સોશિયલ મીડિયામાં તો ખાસ.

જામકંડોરણાની સભા જામોકામી, રાજકોટના રેસ કોર્સમાં ઘોડા હાંફી ગયા
વિધાનસભાની ચૂંટણી નજીક હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતો વધી જાય. રાજકોટ જિલ્લામાં 9 દિવસમાં બે સભાઓ થઈ. 11 ઑક્ટોબરે જયેશ રાદડિયાએ પોતાના વિસ્તાર જામકંડોરણામાં જંગી સભા જામોકામી થઈ ગઈ. સવા લાખ લોકોના રસોડા સાથે યાદગાર સભામાં પાંચ મોટા ડોમ બનાવ્યા હતા એ હકડેઠઠ ભરાઈ ગયા હતા. રાદડિયાએ પોતાના ગઢમાં પાવર દેખાડ્યો અને ટિકિટનું પાકું કરી લીધું. 19 ઑક્ટોબરે રાજકોટના રેસકોર્સમાં નરેન્દ્ર મોદીની સભા યોજાઈ, પણ દશેરાના દિવસે જ ઘોડા દોડ્યા નહીં એવું થયું. મોટું શહેર, એસટી બસુંના ખડકલાં, શાળાઉંને સૂચનાઉં છતાંય સંખ્યા એકઠી થઈ નહીં. સાઉન્ડ સિસ્ટમના ઠેકાણા નહોતા કે વારેવારે સેટિંગ કરવું પડતું હતું. પાછળ બેઠેલાને કંઈ સંભળાતું નહોતું એટલે કંટાળ્યા અને ચાલુ ભાષણે ઊભા થઈને ચાલતા થયા એટલે સભા ખાલીખમ દેખાવા લાગી હતી. રાજકોટ ભાજપની ટીમના આયોજનનો અભાવ દેખાઈ આવ્યો. જોરદાર સભા કરવાની રેસમાં આ ટીમ પાછળ પડી ગઈ. પીએમ મોદીએ સ્પીચ ટૂંકાવવી પડી હતી. એક દિવસ અગાઉથી રાજકોટના કેટલાક રસ્તા બંધ કરી દેવાયા હતા એટલે નાગરિકો પણ બળાપો કાઢી રહ્યા હતા એ પણ રાજકોટના નેતાઓએ સાંભળવા ના રહ્યા.

રાજ્યસભા ચૂકી ગયેલા બાબુ જેબલિયાને ગૌરવયાત્રા ફળશે?
2020ના વર્ષમાં રાજ્યસભાની ચૂંટણી આવી ત્યારે સંભવિત નામોમાં કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુ જેબલિયાનું નામ વચ્ચે વચ્ચે બોલાયું હતું. ભાજપ બેના બદલે ત્રણ બેઠકો પર લડે તો નંબર લાગે એવું હતું, પણ રાજકીય યાત્રાના ચાસ પડ્યા નહીં. પણ આ વખતે કમલમમાં ચર્ચા છે કે બાબુભાઈએ વિધાનસભા લડવાની તૈયારીઓ કરી લીધી છે. ઝાંઝરકાથી સોમનાથ સુધીની ગૌરવ યાત્રાની જવાબદારી બાબુ જેબલિયાના હસ્તક છે. ભાજપનું પ્રાદેશિક નેતૃત્વ હોય કે કેન્દ્રીય નેતૃત્વ, ગૌરવયાત્રાના માર્ગમાં મુકામે મુકામે બાબુ જેબલિયાને આગળ કરવામાં આવી રહ્યા હતા તે જોઈને ટેકેદારોને લાગ્યું છે કે આ વખતે મુકામ મળી જશે. કેન્દ્ર સરકારના મંત્રી અશ્વિની ચોબે અમરેલી અને ગીર સોમનાથમાં હાજર રહ્યા હતા અને જ્યારે ભાવનગર ગ્રામ્ય અને બોટાદ વિસ્તારમાં ગજેન્દ્ર શેખાવતની હાજરી હતી. કેન્દ્રના આ બંને નેતાઓ બાબુ જેબલિયાને આગળ કરતા હતા. તે જોઈને કાર્યકરો કહેવા લાગ્યા છે કે ગૌરવયાત્રા સાથે જ બાબુભાઈએ પણ રાજકીય યાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સંગીતા પાટીલ સાથે કાર્યકરોના સૂર કેમ નથી મળતા?
સુરતમાં જંગી લીડથી જીતેલા સી. આર. પાટીલના લોકસભા વિસ્તારમાં પડતી લિંબાયત વિધાનસભા બેઠક ચર્ચાસ્પદ બેઠક છે. છેલ્લી બે મુદતથી સંગીતા પાટીલ અહીંથી ચૂંટાતાં આવ્યાં છે. પાટીલ સાથે તેઓ તાલ મિલાવી શકે છે એટલે ટિકિટની હેટ્રિક થશે એવું લાગે, પણ આ વિસ્તારના કાર્યકરો સાથે સંગીતા પાટીલના બેસૂરા સંબંધો હોય તેમ લાગે છે. લિંબાયતમાં કેટલીક જગ્યાએ ઉમેદવાર બદલો એવાં પોસ્ટર લાગ્યાં હતાં. પોસ્ટર કંઈ નાગરિકો ના લગાડે, આવું કામ કાર્યકરો જ કરે. એટલે સવાલ એ થાય કે સૂર કેમ બદલાયા. પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો સુરતમાં યોજાયો ત્યારે મોટી સંખ્યામાં લોકોને એકઠા કરી બતાવ્યા હતા એટલે પોતાની ટિકિટ પાકી છે એવો આત્મવિશ્વાસ સંગીતા પાટીલમાં દેખાયો છે. પહેલી કહેવત છેને ઘર ફૂટે ઘર જાય... પ્રદેશ પ્રમુખ પાટીલ, પીએમ મોદી, સુરતના પક્ષના અગ્રણીઓ બધા સામે સારા દેખાવથી ટિકિટ મળી જાય, પણ ઘરના કહેવાય તેવા કાર્યકરો નારાજ હોય ત્યારે ચૂંટણી જીતવી પડકાર પણ ગણાય.

વિજય રૂપાણીની વિદાય પછી ગુજકોમાસોલે 130 કરોડનો નફો કર્યો
વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે મગફળી કાંડ બહુ ગાજ્યું. ગૂણીમાંથી મુઠ્ઠી કાઢીને સીંગદાણા કાઢવાની કોશિશ કરો તો નીકળે ધૂળ ને કાંકરા. આબરૂ ધૂળધાણી થઈ અને કાંકરાએ કિરકિરી કરી નાખી! કોકને થયું હશે કે મેલ પૂળો, પતે વાત; પણ મગફળીનાં ગોદામોમાં આગ લાગી તેણે ભ્રષ્ટાચારના આક્ષેપોના ભડકા જ કર્યા. મગફળીની ખરીદીની પ્રક્રિયામાં પણ કેવા ફેરફારો થયા, અગાઉની રીતે કેમ બદલી નખાઈ તેનો પણ ભારે વિવાદ થયો. ભાજપના દિલીપ સંઘાણી જેવા નેતાઓનાં નિવેદનોએ પણ ધ્યાન ખેંચ્યું. ખેડૂતોની નારાજગીનો સામનો કરી રહેલા ગુજકોમાસોલ અને કૃષિ વિભાગ માટે મગફળી કાંડ ભારે કકળાટ કરાવાનો રહ્યો. જો કે સરકાર બદલાઈ અને મગફળીની ખરીદીનું કામ ફરીથી ગુજકોમાસોલને સોંપવામાં આવ્યું. આ વખતે વરસ સારું ગયું છે અને ગુજકોમાસોલના સંચાલકો તડાકો જોઈ રહ્યા છે. એવી ચર્ચા છે કે અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી વધારે 130 કરોડ રૂપિયાનો નફો થવાનો છે.

વડોદરાના ડાયરામાં કેમ થયો હતો ડખો
કોર્પોરેટર બન્યા પછીનું પગથિયું વિધાનસભાની ટિકિટ મેળવવાનું હોય છે. વડોદરાના માંજલપુરના કોર્પોરેટર કલ્પેશ પટેલે 'જય રણછોડ' કરીને માંજલપુરની બેઠક માટે દાવેદારી કરી હોવાની ચર્ચા વચ્ચે તેમના ડાયરામાં ડખો થયો તેની ગુસપુસ અઠવાડિયા પછીય શહેર ભાજપમાં ચાલી રહી છે. સિંઘમ ફિલ્મમાં જોવા મળે તેવું દૃશ્ય ડાયરામાં જોવા મળ્યું. પીઆઈ વી. કે. દેસાઈ મંચ પર ચડી ગયા અને ભાષણ અટકાવીને કહ્યું કે આ કાર્યક્રમને મંજૂરી નથી માટે બંધ કરાવવામાં આવે છે. મેયર વગેરે અગ્રણીઓ વચ્ચે પડ્યા છતાંય પીઆઈએ ધરાર ડાયરાને વીખેરી નાખ્યો. પીઆઈની ઊભાઊભ બદલી થઈ ગઈ, પણ ચર્ચા એ થઈ કે શહેર સંગઠન પોલીસ પાસેથી કાર્યક્રમની મંજૂરી પણ ના મેળવી શકે એ વળી કેવું. બે દિવસ પહેલાં અરજી આપેલી પણ મંજૂરી મળી નહોતી. અરજી નકારી તે પછી જાહેર રસ્તા પર મંડપ બંધાતો હતો ત્યારે પોલીસે તે કામ અટકાવ્યું નહીં અને ચાલુ કાર્યક્રમમાં સિંઘમવાળી કરી. કાર્યકરોએ યાદ કર્યું કે શહેર પ્રમુખે કોરોના વખતે શહેર પોલીસની સોશિયલ મીડિયામાં મજાક કરેલી તો પોલીસે ડાયરામાં ડખો કરીને જાહેરમાં ફજેતી કરી.

પોરબંદરમાં ખારવા સમાજનું વહાણ તરતું થશે?
પોરબંદરમાં દર વખતે ખારવા સમાજ દ્વારા ટિકિટની માગણી થતી હોય છે, પણ મોટા પક્ષો તેને ધ્યાને લેતા નથી. બાબુભાઈ બોખિરિયા ચાર વાર ધારાસભ્ય બન્યા અને તેમની સામેના કેસમાં સ્ટે મળેલો છે એટલે ટિકિટ મળશે કે કેમ તે સવાલ છે. અર્જુન મોઢવાડિયા ફરી કૉંગ્રેસમાંથી લડવા માગશે, કેમ કે બે વાર તેઓ પણ જીત્યા છે. તેની સામે ખારવા સમાજના જીવન જુંગીને નવા પક્ષ આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી દીધી. પોરબંદરમાં મેર, લોહાણા અને ખારવા સમજાના મતો અગત્યના ગણાય, પણ વિધાનસભામાં મેર અને લોહાણા ધારાસભ્યો જીતતા રહ્યા છે. બધા સમાજો સંમેલનો કરીને ટિકિટો માગી રહ્યા છે એટલે આ વખતે ખારવા સમાજે પણ ચારેક ટિકિટો માગી છે અને પોરબંદરમાં તો ટિકિટ જોઈએ જ એવું કહ્યું છે. ખારવા સમાજે સઢ સંકેલવાની તૈયારી કરી એટલે સૌરાષ્ટ્રના ભાજપના એક નેતાએ સુકાન સંભાળ્યું છે અને હવા પારખવા માટે આગેવાનોને બોલાવ્યા હતા તેવું જાણવા મળ્યું છે. સઢને હવાના રુખ પ્રમાણે ગોઠવી શકાશે કે કેમ તે યાદી બહાર પડે ત્યારે ખબર પડે.

શાલિની અગ્રવાલે તો હજુ ચાર્જ સંભાળ્યો છે ને ધડાધડ ફાઇલો સાઇન કરવાં લાગ્યાં
વિધાનસભાની ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના જે દિવસો બાકી છે. જેને પરિણામે આચાર સંહિતા લાગુ થઈ જાય તે પહેલાં જ ભાજપના નેતાઓ પોતાનું ધાર્યું કામ ઝડપથી મંજૂર કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં સ્ટેન્ડિગ કમિટી દ્વારા હજારો કરોડની ફાઈલોનાં કામ મૂકવામાં આવી રહ્યાં છે અને કમિશનર મેડમ એના ઉપર માત્ર ને માત્ર સિગ્નેચર કરતાં જઈ રહ્યાં છે. માત્ર આચાર સહિતા લાગુ થઈ જશે તેવા બહાના હેઠળ કામો મંજૂર કરવામાં આવી રહ્યાં છે. તેમાં પોતાના નજીકના કોન્ટ્રાક્ટરોને દિવાળીની ભેટ આપી રહ્યા હોય તેવો માહોલ છે. કોઈપણ અધિકારી માટે અશક્ય લાગતી ફાઇલોના ઢગ ગણતરીની મિનિટોમાં કમિશનર દ્વારા એક બાદ એક માત્ર સાઇન કરવામાં આવી રહ્યા છે. શાલિની અગ્રવાલ હજી તો મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ લીધો છે અને હજારો કરોડોની ફાઈલ ઉપર સિગ્નેચર કરી નાખી છે. એક તરફ મેડમ પોતાના સન્માન સમારોહમાં વ્યસ્ત છે. બીજી તરફ ફાઈલો ઉપર સાઇન કરી રહ્યાં છે ત્યારે કેટલી ફાઇલોનો ગંભીરતાપૂર્વક અભ્યાસ થતો હશે તેને લઈને શહેરભરમાં ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...