કોંગ્રેસમાં ભંગાણ:કેસરિયો ખેસ પહેરતાં જ કોટવાલે રાગ બદલ્યો, કહ્યું, 2007થી હું મોદીનો ભક્ત છું, પૃથ્વી પરના કોઈ દેશને આવો વિકાસપુરુષ નહીં મળે

અમદાવાદ17 દિવસ પહેલા
  • અશ્વિન કોટવાલના સમર્થકો સાથે ભાજમાં જોડાયા
  • ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે

લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલની લાંબા સમયથી ભાજપમાં જોડાવવાની ચર્ચાઓ ચાલી રહી હતી. આજે તેમણે વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યને રાજીનામું આપ્યું હતું.અશ્વિન કોટવાલ તેમના હજારથી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયાં છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે કેસરીયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. તેમજ કોટવાલે પણ પાટીલને પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું. અશ્વિન કોટવાલે કહ્યું 2007થી હું મોદીનો ભક્ત છું, પૃથ્વી પરના કોઈ દેશને આવો વિકાસ પુરૂષ નહીં મળે.

ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસની ચિંતા વધી
ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ 3-4 ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલની આગેવાનીમાં કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારું પ્રભુત્વ મેળવી રહી છે. જોકે એવામાં કોંગ્રેસના જ ધારાસભ્યના ભાજપમાં જવાથી આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે. જ્યારે ભાજપ આ વિસ્તારમાં પણ પોતાનું સારુંએવું પ્રભુત્વ જમાવી શકે છે.

અશ્વિન કોટવાલના સમર્થકો પણ ભાજપમાં જોડાશે.
અશ્વિન કોટવાલના સમર્થકો પણ ભાજપમાં જોડાશે.

ભિલોડા બેઠક પણ કોંગ્રેસના હાથમાંથી સરકી શકે
બીજી તરફ, ભિલોડાના સ્વર્ગસ્થ ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશિયારા પણ ભાજપમાં જોડાવા માટે જઈ રહ્યા છે. ડો. અનિલ જોશિયારા કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સંક્રમિત થયા હતા અને લાંબી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. તેમની સારવાર દરમિયાન રાજ્ય સરકારે તેમનો ખર્ચ ઉપાડ્યો હતો. તેમને પહેલા અમદાવાદ અને બાદમાં ચેન્નઈ ખસેડવામાં આવ્યા હતા. હવે તેમના અવસાન બાદ તેમની સીટ ખાલી પડેલી છે.

ગોપાલસિંહ રાઠોડ ભાજપમાં જોડાયા હતા
હિંમતનગર શહેરના મોદી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા પ્રાથમિક સભ્ય મહાકુંભ કાર્યક્રમના પ્રારંભે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ 100 જેટલા કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. પૂર્વ તાલુકા કોંગ્રેસ-પ્રમુખ રણજિતસિંહ સોલંકીએ પણ કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તમામને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી સ્વાગત કરાયું હતું. આ ક્રાર્યક્રમ પતાવી સ્વામિનારાયણ મંદિર કાંકણોલ ખાતે દિવ્યાંગ સન્માન સમારોહમાં 1500થી વધુ દિવ્યાંગોને સંબોધન કર્યા બાદ ટાઉન હોલ ખાતે ભૃગુવેન્દ્રસિંહ કુંપાવતનો તેમના વોલન્ટિયર સાથે ખેસ અને ટોપી પહેરાવી ભાજપ પ્રવેશ કરાવ્યો હતો.

ઢોલ-નગારાં સાથે સમર્થકો કમલમ પહોંચ્યા.
ઢોલ-નગારાં સાથે સમર્થકો કમલમ પહોંચ્યા.

રાજ્યસભા ચૂંટણી સમયે કોંગ્રેસ છોડનારા મારુ હવે ભાજપમાં
રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપની જીતનો માર્ગ મોકળો કરનારા અડધા ડઝન જેટલા ધારાસભ્યો પૈકી ગઢડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ આંબેડકર જયંતીના દિવસે ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી બે વર્ષ સુધી અલિપ્ત રહ્યા હતા. ગઢડાની પેટાચૂંટણીમાં પૂર્વ મંત્રી આત્મારામ પરમારને ભાજપે ફરીથી ટિકિટ આપી હતી અને તેઓ જીતી ગયા હતા.

જયરાજસિંહ-કમાભાઈ રાઠોડ સહિતના નેતાઓ ભાજપમાં જોડાયા
ફેબ્રુઆરી 2022માં જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ કોંગ્રેસ છોડી હતી. ત્યાર બાદ તેઓ 22 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત લુણાવાડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ પટેલે કોંગ્રેસ ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. છેલ્લાં 35 વર્ષથી કોંગ્રેસની સાથે રહેલા હીરાભાઇ પટેલે કયાં કારણોસર અને કોની નારાજગીથી ભાજપમાં પ્રવેશ કર્યો તેની કોઇ સ્પષ્ટતા કરી ન હતી. થોડા દિવસ પહેલાં જ માંડલના પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે 13 એપ્રિલે સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ ભાજપમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...