ખંભાત હિંસા કેસમાં IBને મળ્યા ઇનપુટ:એક પોલીસ અધિકારીનું તોફાનીઓ સાથે કનેક્શન, કેટલાક લોકો અધિકારીને સવાર-સાંજ નોનવેજનું ટિફિન પહોંચાડતા

અમદાવાદએક મહિનો પહેલા

આણંદ જિલ્લાના સંવેદનશીલ તાલુકા ખંભાતમાં રવિવારે(10 એપ્રિલ) બપોરે રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા પર અજાણ્યા શખસોએ પથ્થરમારો કર્યો હતો. બંને ટોળાંમાંથી સામસામો પથ્થરમારો થતાં સમગ્ર શહેરમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. સમગ્ર બનાવમાં પોલીસ જવાનો સહિત પંદરથી વધુ લોકોને ઈજા પહોંચી હતી, જ્યારે એકનું મોત નીપજ્યું હતું. આ કેસમાં તપાસ દરમિયાન આંતરાષ્ટ્રીય કનેક્શન સામે આવ્યુ હતું. આ મામલે IBને ઇનપુટ મળ્યા છે. જેમાં જિલ્લામાં ફરજ બજાવતા એક પોલીસ અધિકારી નોનવેજ ખાવાના શોખીન હતા. જેથી આ વિસ્તારના કેટલાક લોકો સવાર-સાંજ નોનવેજનું ટિફિન પહોંચાડતા હતાં. માત્ર એટલું જ નહીં આ અધિકારીએ તેઓને ઈંડાની લારી શરૂ કરવામાં પણ મદદ કરી હતી. તેમજ તેમનો તોફાનીઓ સાથે પરિચય હોવાનું પણ બહાર આવ્યું છે.

ઇનપુટ કેટલું સાચું છે તેની IB દ્વારા તપાસ
પરંતુ ઇનપુટ કેટલું સાચું છે એ માટે રાજ્ય ગુપ્તચર તંત્ર તપાસ કરી રહ્યું છે. આ અગાઉ પણ ખંભાતમાં કોમી રમખાણો થઈ ચૂક્યા છે. પરંતુ આ વખતે થયેલી હિંસા પૂર્વ નિયોજીત કાવતરૂ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા હવે આ કેસમાં આંતરરાષ્ટ્રીય કનેકશનની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ બધાની સાથે હવે એક પોલીસ અધિકારીની પણ તપાસ કરવી પોલીસ માટે અનિવાર્ય બની છે.

એક આધિકારીના ખાસ સમુદાયના લોકો સાથે સબંધ હતાઃ IPS અધિકારી
આ અંગે એક IPS અધિકારીએ જણાવ્યું હતું કે, એક આધિકારીના એક ખાસ સમુદાયના લોકો સાથે સબંધ હતા. જેમણે ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ મદદ કરી હોવાની પણ વાત સામે આવી છે. જે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

રાત્રે અધિકારી નોનવેજની લારીઓ પર જતા
ખંભાતના રમખાણોમાં ગુપ્તચર વિભાગને મળેલા ચોંકાવનારા ઇનપુટનો આખો રિપોર્ટ તેયાર કરવામાં આવી રહ્યો છે. આ રિપોર્ટમાં આ પોલીસ અધિકારી સામે થયેલા આક્ષેપ અને તેના રોલ વિશે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ અગે મળતી માહિતી પ્રમાણે એક પોલીસ અધિકારી ધમાલ કરનાર લોકોના પરિચિત સાથે ખૂબ ઘરોબો ધરાવતા હતા. એટલું જ નહી, સવાર અને સાંજ નોનવેજના ટીફિનનું મેનુ તૈયાર જ રહેતું હતુ અને રાતે આ અધિકારી તેમની નોનવેજની લારીઓ પર જતા હતાં. તેમજ તેમને લારી શરૂ કરી આપવામાં પણ મદદ કરી હતી.

અધિકારીની મિત્રતાનો રિપોર્ટ સરકાર સુધી પહોંચ્યો
આ પોલીસ અધિકારીને એટલા તો ગાઢ સંબંધો હતા કે, ખંભાતમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કર્યું હતું. તેનો પડદા પાછળથી ખર્ચ પણ ઉપાડી લીધો હતો. આ સમગ્ર ઇનપુટની સાથે આ કેસમાં જે આરોપીઓના નામ ખુલ્યા છે, તેમના ખૂબ નજીકના પરિચિતોમાં આ અધિકારીના મિત્રો પણ સામેલ હતા. હવે આ શકમંદ અને મિત્રતાનો રિપોર્ટ છેક સરકાર સુધી પહોંચ્યો છે.

શું છે મામલો
ખંભાત શહેરના શક્કરપુર વિસ્તાર સ્થિત રામજી મંદિર ખાતેથી રામનવમી નિમિત્તે રવિવારે બપોરે ચાર વાગ્યે પગપાળા ડીજે સાથે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં ત્રણ હજારથી વધુ ભક્તજનો જોડાયાં હતાં. શોભાયાત્રા એ પછી ત્રણ દરવાજા, ચિતારી બજાર, પીઠ બજાર, મંડાઈ ચોકી વિસ્તારમાંથી પસાર થવાની હતી. જોકે શક્કરપુર વિસ્તારથી નીકળીને યાત્રા થોડે જ દૂર પહોંચી, એ સાથે જ બાવળનાં ખેતરો અને અવાવરૂ જગ્યાએથી અચાનક કેટલાંક તોફાની ટોળાંએ શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. એને પગલે શોભાયાત્રામાં જોડાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોતજોતાંમાં બંને ટોળાંએ સામ-સામે પથ્થરમારો શરૂ કર્યો હતો. એક તરફ કેટલાંક તોફાની ટોળાં શહેરના ચગડોળ ગ્રાઉન્ડ અને સરદાર ટાવર પાસે આવી પહોંચ્યાં હતાં અને તેમણે તોડફોડ અને આગચંપી કરી હતી. વિસ્તારમાં બે ચપ્પલની લારીઓ અને બે દુકાનમાં આગચંપી કરી તોડફોડ કરી હતી. એ જ રીતે રાજપૂત વાડાના નાકે આવેલા એક ઘરને પણ સળગાવ્યું હતું.

સમગ્ર બનાવની જાણ થતાં જ આણંદ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. જોકે સ્થિતિ તંગ રહેતાં અને ટોળાં કાબૂમાં ન આવતાં પોલીસે પાંચ ટિયરગેસના શેલ છોડ્યા હતા. સમગ્ર બનાવમાં સામ-સામે પથ્થરમારો થતાં પાંચથી વધુ પોલીસ જવાનો સહિત પંદરથી વધુ લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. એમાં ખંભાતના કનૈયાલાલ રાણા નામના એક આધેડનું મોત નીપજ્યું હતું. ઉશ્કેરાયેલાં ટોળાંને વિખેરવા માટે પોલીસે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી. એને પગલે આખરે મામલો થાળે પડ્યો હતો.