નવા કાયદાનો ડ્રાફ્ટ તૈયાર:રખડતા ઢોરના ત્રાસમાંથી લોકોને મુક્તિ માટે અમદાવાદમાં કેટલ ફ્રી ઝોનની યોજના

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નવા કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હોવાની સરકારે હાઇકોર્ટને માહિતી આપી
  • મહારાષ્ટ્ર જેવા કાયદાની જોગવાઈઓ સામેલ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો

રાજયમાં રખડતા ઢોરના વધતા જતા ત્રાસ અંગે હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન રખડતા ઢોરની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે તે માટે નવા કાયદાનો ડ્રાફટ તૈયાર કરી લીધો હોવાની માહિતી ગુરુવારે સરકારે હાઈકોર્ટને આપી હતી. હાલમાં આ ડ્રાફટ વિધાનસભા કમિટી સમક્ષ છે. આગામી સમયમાં સરકાર આ કાયદાને આખરી ઓપ આપશે. જેમાં રાજ્યના મહાનગરોમાં અલગ અલગ ઝોનને કેટલ ઝોન જાહેર કરવા ઉપરાંત ધ પ્રિવેન્શન ઓફ ફ્રુઅલ્ટી ટુ ધ એનિમલ એકટ અંતર્ગત પશુ માલિકો સામે કાર્યવાહી કરવાનો સમાવેશ કરવામાં આવશે.

રખડતા ઢોર સંદર્ભે હાઈકોર્ટમાં એડવોકેટ નિલય પટેલ દ્રારા પાર્ટી ઈન પર્સન તરીકે કરવામાં આવેલી અરજીના અનુસંધાને હાલમાં હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મામલે સરકાર વતી કોર્ટને જાણકારી આપવામાં આવી હતી કે, મહારાષ્ટ્રમાં રખડતા પશુઓ મામલે જેવો કાયદો છે, તેના જેવો કાયદો ગુજરાતમાં આવવા જઈ રહ્યો છે, જેમાં શહેરી વિસ્તારોની હદથી દૂર અલગ વસાહતો અને ઢોરવાડા બનાવવા અંગે પણ રાજ્ય સરકારની વિચારણા છે.

એક વર્ષમાં પશુ માલિકોને 95 લાખ દંડ કરાયો​​​​​​​
શહેરમાં છેલ્લા એક વર્ષમાં મ્યુનિ.એ 985 પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ કરી છે. મ્યુનિ.એ ચાલું નાણાકીય વર્ષમાં 13194 પશુ પકડ્યા છે. જે પૈકી 1695 પશુ માલિકો પોતાના પશુ છોડાવી ગયા છે. મ્યુનિ.એ આવા પશુ માલિકો પાસેથી રૂ. 95.54 લાખનો દંડ વસૂલ કર્યો છે.

ઢોર ત્રાસ અંકુશ વિભાગ વધુ સબળ બનાવાશે
અગાઉ હાઈકોર્ટની સૂચનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને ઢોર ત્રાસ અંકુશ વિભાગની રચના કરી કામગીરી કરવાનો આદેશ અપાયો હતો. જે અંતર્ગત રાજયના મુખ્ય શહેરોમાં આ વિભાગ કામગીરી કરી રહ્યો છે. નવા કાયદામાં ઢોર ત્રાસ અંકુશ વિભાગને વધુ કાર્યક્ષમ બનાવવાના મુદ્દાનો પણ સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના છે. રખડતા ઢોર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં નાગરિકો માટે સમસ્યાનું કારણ બન્યા છે. હાલમાં ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલી ચૂંટણી દરમિયાન પણ રખડતા ઢોર સામે રક્ષણ માટે કાયદો બનાવવાનો ઉલ્લેખ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...