ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયાં છે અને હવે કોણ પાછું ખેંચે છે તેના પર સૌની નજર છે. ત્યારે ભાજપે જે યાદી જાહેર કરી છે. આ યાદીમાં એવા ઉમેદવારો છે જે વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે. જેના પરિણામે તેમના વિસ્તારમાં નવા વિકલ્પની શોધ થઈ શકી નથી. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 182માંથી આઠ સભ્યો પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સરકાર સમયથી આજે પણ કાર્યરત છે. ભાજપે કોઈપણ સંજોગોમાં તેમને 27 વર્ષ બાદ પણ રીપિટ કરવા પડ્યાં છે. એટલે એવુ કહી શકાય કે આજે પણ ભાજપ કેશુભાઈ પટેલની સરકારના મંત્રીઓના સહારે ચૂંટણી લડે છે.
કેશુભાઈ સરકારના મંત્રીઓ ભાજપને આજે પણ ફળ આપે છે
ભાજપની વર્તમાન સરકારે 2022ની ચૂંટણીમાં કેશુભાઈ પટેલ સરકારમાં વિજેતા બનેલા અને ધારાસભ્ય કે મંત્રી બનેલા ત્રણ પાટીદાર સમાજના ઉમેદવારને 27 વર્ષ બાદ પણ રીપીટ કર્યા છે. જેમાં કાંતિ અમૃતિયા, ચીમન સાપરિયા અને કેશુભાઈ નાકરાણીનો સમાવેશ થાય છે. આ એવા ઉમેદવાર છે કે જેઓ કેશુભાઈ પટેલની સરકારમાં વિજેતા બન્યા હતા અને હવે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફરીથી એક વખત ભાજપના ઉમેદવાર બન્યા છે. ભાજપને અપેક્ષા એ છે કે આ ઉમેદવારો મારફતે ફરી એક વખત તેમના વર્ચસ્વ અને અનુભવને આધારે આ બેઠક પર ભગવો લહેરાશે.
1995માં અન્ય પક્ષના બે વિજેતા ઉમેદવારોને પણ ભાજપે આયાત કરવા પડ્યા
વર્ષ 1995માં ભાજપની સામે ચૂંટણી લડીને વિજેતા બન્યા હતા તેવા બે ધારાસભ્યો કે જેમાં જસદણ બેઠકના કુંવરજી બાવળીયા કે જેઓ કોંગ્રેસમાંથી વિજેતા બની ધારાસભ્ય બન્યા હતા. જ્યારે દ્વારકા બેઠક પર પબુભા માણેક કે જે અપક્ષમાંથી વિજેતા બની ધારાસભ્ય બન્યા હતા. આ બંને ઉમેદવારોને ભાજપે આયાત કર્યા છે અને હવે તેઓ વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપના મુરતિયા બન્યા છે.
1995માં ભાજપની ગુજરાતમાં પહેલી સરકાર બની તે સમયના ભાજપના વિજેતા ઉમેદવાર
બેઠક | ઉમેદવારનું નામ |
લીંબડી | કિરીટસિંહ રાણા |
મોરબી | કાંતિ અમૃતિયા |
જામજોધપુર | ચીમન સાપરિયા |
ભાણવડ | મુળુ બેરા |
પોરબંદર | બાબુ બોખીરિયા |
સિહોર | કેશુ નાકરાણી |
ઉમરગામ | રમણલાલ પાટકર |
ઈડર | રમણલાલ વોરા |
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર
બેઠક | ઉમેદવાર |
ગારીયાધાર | કેશુ નાકરાણી |
જામજોધપુર | ચીમન સાપરિયા |
મોરબી | કાંતિ અમૃતિયા |
ખંભાળીયા | મુળુ બેરા |
લીંબડી | કિરીટસિંહ રાણા |
ઉમરગામ | રમણલાલ પાટકર |
પોરબંદર | બાબુ બોખિરિયા |
ઈડર | રમણલાલ વોરા |
જસદણ | કુંવરજી બાવળીયા |
દ્વારકા | પબુભા માણેક |
(નોંધ-વિધાનસભાની નવમી અને દસમી પરિચય પુસ્તિકા આધારે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.