આમ આદમી સુધી નહીં પહોચે 'આમ' !:તાલાલા, વલસાડ અને કચ્છની કેસર કેરીના આંબા ખાલીખમ; એક વાડીમાંથી 2000 બોક્સ ભરાતા, આ વખતે માંડ 200 બોક્સ ભરાશે

2 મહિનો પહેલાલેખક: યશપાલ બક્ષી
  • તાલાલા અને કચ્છની કેસર કેરી, વલસાડની હાફુસ કેરીના આંબામાં મોર બેસે એ પહેલાં જ ખરી પડ્યા

ગુજરાતમાં ત્રણ પ્રકારની કેરી પ્રખ્યાત છે. એક ગીરની કેસર, બીજી કચ્છની કેસર અને વલસાડની હાફુસ. હવે તો વલસાડમાં પણ કેસર વધુ પાકે છે. કચ્છ અને વલસાડમાં 20 વર્ષ પહેલાં કેસરના આંબા વાવવાની શરૂઆત થઈ. ધીમે ધમે સફળતા મળતી ગઈ તેમ-તેમ વલસાડ અને કચ્છના ખેડૂતો કેસરના વાવેતર તરફ વળ્યા. એક સમય એવો હતો કે કેસર કેરી તો ગીરની જ, એવું કહેવાતું. હવે વલસાડની અને કચ્છની કેસર કેરીની ડિમાન્ડ છે. એટલે હવે કેસર માત્ર તાલાલા કે ગીરની નથી રહી, કેસર આખા ગુજરાતની ઓળખ બની ગઈ છે, પણ આ વખતે વાતાવરણ વિલન બન્યું છે.

કેસર કેરીનો 20 ટકા ફાલ ઊતરશે
આ વર્ષે કેસર કેરીનો જે ફાલ ઊતરવો જોઈએ એ નહીં ઊતરે. તાલાલાની હોય, વલસાડની હોય કે કચ્છની હોય, કેસર કેરીનો પાક કેટલો ઊતરશે એ ખબર છે ? માંડ 20 ટકા. જી હા, આ વખતે 80 ટકા કેરીનો પાક નહીં થાય. બની શકે કે આ વર્ષે મધ્યમ વર્ગ માટે કેસર કેરી ખરીદવી મુશ્કેલ બને. કેરીમાં કુદરતી નિયમ એ છે કે એક વર્ષ 'ઓફ યર' હોય અને બીજું વર્ષ 'ઓન યર' હોય. ઓફ યર હોય એ વર્ષમાં કેરી ઓછી આવે. ઓન યરમાં કેરીનો ફાલ વધારે આવે, પણ કેમિકલ્સ અને જંતુનાશક દવાઓને કારણે ઓફ યર કે ઓન યર જેવું કાંઈ રહ્યું નથી. કેરીનો પાક વહેલો ઉતારી લેવાની લાયમાં ખેડૂતો દવા વાપરે છે, પણ આ વખતે તો વાતાવરણે પણ સાથ નથી આપ્યો. દવાની પણ અસર થઈ નથી. એમ કહી શકાય કે દવાને પણ ગણકારી નથી !

તાલાલાની કેસર કેરી ક્યારે થઈ ?
તાલાલાના બાગાયત નિષ્ણાત ગફારભાઈ કુરેશી કહે છે, માંગરોળના નવાબ જહાંગીર મિયાં ફળફળાદીના શોખીન હતા. તેમના માળી હતા સાલેમિયાં મહંમદ. તેઓ લખનઉથી 'લખનવી આંબડી' કેરીના ગોટલા લાવ્યા અને માંગરોળમાં વાવ્યા. આ આંબામાં જે કેરી આવી એને સાલેબાઈની આંબડી નામ આપવામાં આવ્યું. પછી તો આ આંબાની કલમ થવા લાગી અને માંગરોળ તથા જૂનાગઢ સ્ટેટમાં વવાઈ. જૂનાગઢ નવાબના મહેલમાં બાગાયત નિષ્ણાત હતા. નામ એનું બાલકૃષ્ણ આયંગર. તેમણે આ કેરી જોઈ તો અંદરથી કેસરી કલરની હતી. બાલકૃષ્ણ આયંગરે 25 મે 1934ના દિવસે આ કેરીનું નામ કેસર આપ્યું. ગફારભાઈ કુરેશીનો તાલાલામાં કુરેશી બાગ છે. ત્યાં આજે પણ સાલેબાપાએ વાવેલા સો-સવાસો વર્ષ જૂના ઓરિજિનલ કેસરના આંબા છે.

વલસાડ અને કચ્છમાં કેસર પહોંચી
કૃષિ વિભાગના નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર શાંતિભાઈ રાણપરિયાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વલસાડમાં હાફુસ કેરી સારા પ્રમાણમાં થતી હતી. હાફુસના આંબા વર્ષોથી ઊભા હતા અને પછી ફળ પણ ઓછા આવવા લાગ્યાં. ખાસ કરીને વલસાડની હાફુસમાં સ્પોન્જી ટિશ્યૂ નામનો રોગ લાગુ પડ્યો. એને કપાસીનો રોગ પણ કહે છે. હાફુસ કાપો એટલે એમાંથી કોડી જેવો સફેદ ભાગ નીકળે. આ રોગ વધી જતાં ત્યાંના ખેડૂતો કેસર તરફ વળ્યા. બીજું, મધિયો નામની જીવાતે આંબાનાં વૃક્ષોને મોટું નુકસાન કર્યું છે. મધિયો એવી જીવાત છે, જે આંબાનાં રસ, પાન, મોર અને કેરી બધેથી રસ ચૂસી લે છે. એક કારણ કલ્ટાર નામની દવા પણ છે. કલ્ટાર દવા પાણી સાથે મિક્સ કરીને આંબાના મૂળમાં આપવાથી કેરીનો પાક વહેલો થાય છે, પણ વર્ષોથી આંબાને કલ્ટાર આપવાથી આંબાનું આયુષ્ય ઘટી જાય છે. એક સમયે આંબાનું આયુષ્ય 70-80 વર્ષ હતું, હવે આંબો નબળો પડી જાય છે અને 40-50 વર્ષનું આયુષ્ય થઈ ગયું છે.

વલસાડ જિલ્લાના ખેડૂત સમાજના ચેરમેન ભગુભાઈ પટેલ કહે છે, વીસેક વર્ષથી વલસાડના પટ્ટામાં કેસર વવાય છે. હાફુસનો આંબો બદલાતાં વાતાવરણનો સામનો નથી કરી શકતો, પણ કેસરનો આંબો વાતાવરણ સામે ફાઈટ આપી શકે છે અને કેરી પણ સારી થાય છે. જોકે આ વખતે આંબા ખાલી છે. કેરીનો માંડ 20 ટકા પાક છે. કચ્છના ખેડૂત આગેવાન નખત્રાણા તાલુકાના મોટી મઉ ગામના વતની બટુકસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે 1993માં મેં કચ્છમાં કેસર કેરીના આંબા વાવવાનો પહેલો પ્રયોગ કર્યો. પછી સમય જતાં સફળતા મળી એટલે 2006થી કચ્છમાં કેસર કેરીની ખેતી મોટે પાયે થવા લાગી. હવે તો કચ્છની કેસર કેરીની વિદેશમાં સારી ડિમાન્ડ છે. વલસાડ અને કચ્છ પંથકમાં જે કેસરના આંબા છે, એની કલમ તો ગીરમાંથી જ લાવવામાં આવી હતી.

એક વાડીમાંથી બે હજાર બોક્સ ભરાતાં, આ વર્ષે 200 બોક્સ ભરાશે
તાલાલા, વલસાડ અને કચ્છ આ ત્રણેય પંથકના ખેડૂતો અને બાગાયત નિષ્ણાતો સાથે વાતચીત કરતાં ચોંકાવનારી વાત એ જાણવા મળી કે આ વખતે મધ્યમવર્ગ સુધી કેરી પહોંચશે કે કેમ એ નક્કી નથી, કારણ કે એક વાડીમાં આંબામાં એટલી કેરી થતી કે દર વર્ષે બે હજાર બોક્સ ભરાતાં, આ વખતે માંડ 200 બોક્સ કેરી ભરાશે. દરેક પંથકમાં દરેક વાડીની આવી ખરાબ સ્થિતિ છે. વલસાડના ખેડૂત આગેવાન દોલતભાઈ દેસાઈ કહે છે, આ વખતે દવા, પાણી, ખાતર, મજૂરી બધું મળીને 3 લાખનો ખર્ચ કરી નાખ્યો, હવે તેની સામે આવક થશે નહીં. હાલત બહુ ખરાબ છે. તાલાલાના બાગાયત નિષ્ણાત ગફારભાઈ કુરેશીએ તો ત્યાં સુધી કહ્યું કે અત્યારે ખેડૂતોની હાલત જોતાં કેરીનો સમાવેશ પાક વીમામાં કરવો જોઈએ.

- ગ્રાફિક્સ : વિનોદ પરમાર

અન્ય સમાચારો પણ છે...