મોર્નિંગ ન્યૂઝ બ્રીફઆજે જ્ઞાનવાપી મસ્જિદના વિવાદમાં ચુકાદો:કેજરીવાલનો અમદાવાદમાં વેપારી, વકીલ સહિતના લોકો સાથે સંવાદ; OPS મુદ્દે ગુજરાતભરમાં કર્મચારીમંડળોની રેલી

17 દિવસ પહેલા

નમસ્કાર,
આજે સોમવાર, તારીખ 12 સપ્ટેમ્બર, ભાદરવા વદ બીજ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) અમદાવાદમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ વેપારીઓ, વકીલો, રીક્ષાચાલકો અને સફાઈકર્મીઓ સાથે સંવાદ કરશે
2) ભારત-ચીનની સરહદ પરના ગોગરા-હોટ સ્પ્રિંગ્સથી ભારત અને ચીનનું સૈન્ય સંપૂર્ણપણે હટી જશે
3) જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં દર્શન પૂજનના અધિકાર મામલે મોટો ચુકાદો આવશે, જ્ઞાનવાપી મસ્જિદનું ભવિષ્ય નક્કી થશે
4) ગુજરાતમાં પડતર પ્રશ્નોને લઈને સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકો આજથી આંદોલનના માર્ગે
5) શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ અપાશે
6) ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય વહાણવટા મંત્રાલય દ્વારા ગ્રીન શિપ રિસાયક્લિંગ અને વ્હીકલ સ્ક્રેપિંગ પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) રવિવારે ગુજરાતભરમાં જૂની પેન્શન યોજના સહિતની માગ સાથે ઠેરઠેર કર્મચારી મંડળની રેલીઓ, 17 સપ્ટેમ્બરે માસ CL પર ઉતરવાની ચીમકી
રવિવારે ગુજરાતભરમાં જૂની પેન્શન યોજના સહિતની માગ સાથે કર્મચારી મંડળ રસ્તા પર ઉતર્યા હતા. વિવિધ માગ સાથે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં રેલીઓ કાઢીને આંદોલન કર્યા હતા. ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચા તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓની વિવિધ 15 જેટલી માંગણીઓ સાથે રેલી કરી હતી. તો બીજી તરફ આવતી 17મી સપ્ટેમ્બરે માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી.
વાંચો સમાચાર વિગતવાર
2) ડ્રગ્સ મુદ્દે કેજરીવાલના પ્રહાર, કહ્યું- ગુજરાતમાં તંત્રની મિલીભગત અને મિત્રોને ફાયદો પહોંચાડવા દેશના યુવાઘનને દાવ પર મૂક્યો છે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત પ્રવાસે રવિવારે રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટ પર કેજરીવાલે ડ્રગ્સ મામલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રશાસનની મિલીભગત અને મિત્રોને ફાયદો પહોંચાડવા યુવાઘનને દાવ પર છે. ગુજરાતમાં એક પોર્ટ ઉપર હજારો કરોડનું ડ્રગ્સ આવે છે અને ગુજરાતમાંથી પંજાબ અને દેશની વિવિધ જગ્યાઓ પર જાય છે. પ્રશાસનની મિલીભગતના કારણે આવું થાય છે.
વાંચો સમાચાર વિગતવાર

3) અમદાવાદમાં કડાકાભડાકા સાથે બોપલ, મણિનગરમાં 3 કલાકમાં 2 ઈંચ વરસાદ; ગોતા, ચાંદલોડિયામાં પાણી ભરાયા, અખબાર નગર અંડરબ્રિજ બંધ કરાયો
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સતત બીજા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે વરસાદ વરસ્યો હતો. ત્યારે 3 કલાકમાં વાસણા, પાલડી, મણિનગરમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાણીપ, નવા વાડજ વિસ્તારમાં ભારે વરસાદના કારણે અખબાર નગર અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

4) JEE એડવાન્સમાં સુરતના મહિતે ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 9મો રેન્ક મેળવ્યો; કેનેડા, અમેરિકાના વિઝા મળવા છતાં મુંબઈ IITમાં કમ્પ્યુટર સાયન્સ કરશે
નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાતી જેઈઈ(જોઈન્ટ એન્ટરન્સ એક્ઝામિનેશન) એડવાન્સની 28મી ઓગસ્ટે લેવાયેલી પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં સુરતના મહિત ગઢીવાલાએ રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવવાની સાથે સાથે દેશમાં (ઓલ ઈન્ડિયા)માં 9મો રેન્ક મેળવીને ઝળહળતી સફળતા મેળવી છે. કેનેડા, અમેરિકાના વિઝા મળવા છતાં આગામી સમયમાં મહિતને મુંબઈ આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

5) રાજકોટના મેટોડામાં ફેક્ટરીમાં ધડાકાભેર બોઇલર ફાટ્યું, શેડનાં પતરાં તૂટીને જમીન પર પડ્યાં, 1 શ્રમિકનું મોત, 4ને ઇજા
રાજકોટની મેટોડા GIDCમાં પર્વ મેટલ નામની ફેક્ટરીમાં રવિવારે સવારે ધડાકાભેર બોઇલર ફાટતા ભૂંકપ જેવો અનુભવ આસપાસના લોકોને થયો હતો. પ્રચંડ બ્લાસ્ટના પગલે ભયનો માહોલ છવાયો હતો. આ ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા પાંચ શ્રમિકને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. આથી તમામને 108 મારફત રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં અરવિંદ જયરામભાઈ ચૌહાણ (ઉં.વ.30) નામનો શ્રમિક ગંભીર રીતે દાઝી જતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

6) શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીનું નિધન: જ્યોર્તિમઠ અને શારદા પીઠના શંકરાચાર્ય હતા
જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીનું 99 વર્ષની ઉંમરે રવિવારે નિધન થયું. તેમને મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં માઈનર હાર્ટઅટેક આવ્યા પછી બપોરે 3 કલાક અને 50 મિનિટે અંતિમ શ્વાસ લીધા. સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને હિન્દુઓના સૌથી મોટા ધર્મગુરુ માનવામાં આવે છે.
વાંચો સમાચાર વિગતવાર

7) 'અમિત શાહનું ભાષણ જુઠ્ઠાણાથી ભરેલું', ગેહલોતે કહ્યું કે, કન્હૈયાલાલની હત્યાના બીજા દિવસે ભાજપ નેતા ફાઈવ સ્ટાર હોટલમાં હતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વળતો પ્રહાર કર્યો છે. ગેહલોતે અમિત શાહના નિવેદનોને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, દેશના લોકો ગૃહમંત્રી તરીકે તેમના ભાષણમાં તથ્યપૂર્ણ બાબતોની અપેક્ષા રાખે છે, પરંતુ એવું લાગે છે કે હકીકત તેમને કહેવામાં આવી નથી, તેથી જ તેમણે જુઠ્ઠાણાથી ભરેલું ભાષણ આપ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

8) દિલ્હીમાં 1000 બસની ખરીદીમાં ગોટાળાની CBI તપાસને મંજુરી, AAPએ કહ્યું - દિલ્હીને ભણેલા-ગણેલા ઉપરાજ્યપાલની જરૂર છે
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) વીકે સક્સેનાએ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC)ની 1,000 બસોની ખરીદીમાં કૌભાંડની CBI તપાસને મંજૂરી આપી છે. આ ફરિયાદ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના મુખ્ય સચિવ નરેશ કુમારે 9 જૂને નોંધાવી હતી. ફરિયાદમાં, દિલ્હીના પરિવહન મંત્રી પર ટેન્ડર, ખરીદી અને દિલ્હી ઇન્ટિગ્રેટેડ મલ્ટિ-મોડલ ટ્રાન્ઝિટ સિસ્ટમ (DIMTS) સમિતિના અધ્યક્ષની નિમણૂકમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવાયા હતા. જો કે ગયા વર્ષે ફરિયાદના પગલે બસ ખરીદીનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપ:રિક્ટર સ્કેલ પર 7.6ની તીવ્રતા, ભારે નુકસાનીની આશંકા
2) કોંગ્રેસે અધ્યક્ષની ચૂંટણીના નિયમોમાં ફેરફાર કર્યા, ઉમેદવારી નોંધાવનારને 9 હજાર ડેલિગેટ્સની યાદી મળશે
3) સીરમ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર સાથે 1 કરોડની છેતરપિંડી, ઠગે બીજા ડાયરેક્ટરને પૂનાવાલાના નામથી વોટ્સએપ મેસેજ કરી રકમ માંગી
4) રિલાયન્સ ઈન્દોરના આકાશ નમકીનને ખરીદશે, સોદા પર વાટાઘાટો, ભૂતકાળમાં કેમ્પા કોલા અને ઈનસાઈટ કોસ્મેટિક્સમાં કંટ્રોલ હિસ્સો ખરીદ્યો
5) હળવદમાં રાજ્યપાલનો કાર્યક્રમ પૂરો થયો ને ભોજન માટે લોકો ડિશ લઈને દોડ્યા, ભીડ વધી જતાં વ્યવસ્થા ખોરવાઈ
6) અમદાવાદ નજીક સત્યેશ રેસિડેન્સીના ગટરના ગંદા પાણીથી ત્રસ્ત 3 હજાર લોકો રોડ પર ઉતરી ચક્કાજામ કર્યું, ડેન્ગ્યૂ-મેલેરિયાના ભોગ બન્યાં
7) 'ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર હતી ત્યારે સૌરાષ્ટ્રની ડેરીઓ પર મોટું ખંભાતી તાળું મારતા, નરેન્દ્ર મોદીએ મૂડી ભંડોળ આપી ફરી ચાલુ કરાવી'

આજનો ઈતિહાસ
12 સપ્ટેમ્બર, 1897નાં રોજ બ્રિટિશ ઈન્ડિયા આર્મીના 21 શીખ સૈનિકોએ 10,000 અફઘાનીઓ વચ્ચે યુદ્ધ લડાયું હતું. જેમાં શીખ જવાનોએ છેલ્લે સુધી લડી 600 અફઘાનીઓને ઠાર કર્યા હતા.

આજનો સુવિચાર
ભવિષ્ય માત્ર એ લોકોનું છે જે પોતાનાં સપનાંની સુંદરતામાં વિશ્વાસ કરે છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...