દેશવિરોધી પ્રવૃતિઓ મામલે એનઆઈએ અને એટીએસની ટીમોએ ગુજરાતના ચાર શહેરોમાં કરેલા સર્ચ ઓપરેશન બાદ રાજયમાં ઈન્ટેલીજન્સ અને સાયબર ક્રાઈમ વિભાગ એલર્ટ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર દેશવિરોધી પ્રવૃતિને પ્રોત્સાહન આપતા વીડિયો કે કોમેન્ટ પર લાઈક કરનારા લોકોની ગતિવિધી પર નજર રાખવાની કવાયત ચાલે છે. બીજીબાજુ આગામી દિવસોમાં ભાંગફોડની શક્યતાના અહેવાલો વચ્ચે સધન વાહનચેકીંગ અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોની અટકાયત કરી પૂછપરછ કરાઈ રહી છે.
છ રાજ્યોના 12 જિલ્લામાં એનઆઈએએ ગત રવિવારે 13 સ્થળે પાડેલા સામૂહિક દરોડામાં અમદાવાદ, સુરત નવસારી અને ભરૂચમાં પણ એટીએસની સાથેની કાર્યવાહી દરમિયાન અનેક શકમંદોની પૂછપરછ થઈ હતી. રાજ્યમાં કેટલાક લોકોની શંકાસ્પદ પ્રવૃતિ ધ્યાને આવી હતી જેને લઈને રાજ્ય પોલીસે ઈન્ટેલીજન્સ અને સાયબર ક્રાઈમને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હોવાનુ ઉચ્ચ અધિકારીનું કહેવું છે.
જેલમાં બંધ બ્લાસ્ટ કેસના આરોપીઓની પૂછપરછ થશે
અગાઉ ગુજરાતમાં બોંબ બ્લાસ્ટ કેસ સહિતના કેસોમાં પકડાયેલા આરોપીઓ કે જેઓ રાજયની અલગ અલગ જેલમાં બંધ છે તેમની પણ તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવે તેવી સંભાવના છે. તેમાંય ખાસ કરીને અન્ય રાજયોના આરોપીઓ જે ગુજરાતના કેસમાં સંડોવાયેલા છે તેમની વિશેષ પુછપરછ કરવા માટે કોર્ટમાંથી વિશેષ પરવાનગી લેવામાં આવે તેવી સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.