એસજી હાઇવે પરની કે.ડી. હોસ્પિટલમાં ડોક્ટર સહિત મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની ટીમે 24 કલાકમાં અમદાવાદના 12 અને મુંબઇના 1 દર્દી સહિત રાજ્યના 11 શહેરના 30 દર્દીની સફળ સર્જરી કરાઇ છે. સતત 24 કલાક ડોક્ટર અને સ્ટાફ ખડેપગે રહ્યાં હતા, પણ ન ડોક્ટરને ઝોંકુ આવ્યું કે ન હાથ ધ્રુજયો અને ડોક્ટર દર 48 મિનિટે એક પછી એક સર્જરી કરતા ગયા. આ સર્જરી કરતાં ડોક્ટર અને સ્ટાફની માનસિક અને શારીરિક ફિટનેસ અને ચોક્કસ પ્લાનિંગથી તમામ 30 સર્જરી સફળ રહી હતી.
કે.ડી. હોસ્પિટલના બેરિયાટ્રિક અને મેટોબોલિક સિનિયર સર્જન ડો. મનીષ ખેતાન જણાવે છે કે, કોવિડની સારવાર માટે આઇસીયુમાં દાખલ થતાં 60 ટકા લોકો વધુ વધુ વજન ધરાવતા કે મેદસ્વી હતા. બેરિયાટ્રિક સર્જરી મોંઘી હોવાથી દરેક વ્યકિત કરાવી શકતા ન હોવાથી સમાજના સામાન્ય વર્ગના લોકોને મદદ કરવા 24 કલાકમાં 30 સર્જરી પ્લાન્ડ કરી હતી. અમે નક્કી કર્યુું હતું કે, 30 સર્જરી ન થાય તો વાંધો નહિ પણ દર્દીને તકલીફ ન થાય તે લક્ષ્ય રાખ્યું હતું.
આ 30 દર્દીમાંથી કેટલાંક દર્દી કોમ્પલીકેટેડ હોવાથી મારા સહિત 50 મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફની ટીમ ખડેપગે રહી હતી. ચોક્કસ પ્લાનિંગથી દર 48 મિનિટે એક સર્જરી કરી હોવા છતાં નથી મને ઊંઘ કે ઝોંકુ આવ્યું, ન હાથ ધ્રુજ્યો અને 30 સફળ સર્જરી કરી શકાઈ છે. દરેક વ્યકિતએ માનસિક અને શારીરિક ફિટનેસ માટે વોકિંગ, જોગિંગની સાથે કસરત કરવી જોઇએ. હું પણ ફિટ રહેવા દરરોજ 10 કિલોમીટર જોગિંગ કરું છું.
તમામ દર્દીને બે દિવસ પહેલાં દાખલ કરી ટેસ્ટ કરાયા
કો-ઓર્ડિનેટર, ડાયેટિશિયન, પેરા મેડિકલ સ્ટાફ, નર્સિંગ, ડોક્ટર્સ મળીને 50 લોકોની ટીમે 30 દર્દીને બે દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ કરીને દરેક દર્દીનું પ્રોફાઇલિંગ, ટેસ્ટ અને ફિટનેસ ચેક કરીને જે દર્દીને તકલીફ હતી, તે દવાથી દુર કરી હતી. 30 દર્દીમાંથી કેટલાંક દર્દીમાં સર્જરી દરમિયાન રક્તસ્ત્રાવ થવાની શક્યતા હોવાથી લોહી, એનેસ્થેસિયાથી લઇને કાર્ડિયોલોજીસ્ટ, રેડિયોલોજી વિભાગને પણ સ્ટેન્ડ બાય રખાયા હતા.
દર અડધા કલાકે દર્દીનું મોનિટરિંગ
ઓપરેશન થિયેટરના સ્ટાફથી લઇને, વોર્ડમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ વગેરેનું પ્રોપર ટ્યુનિંગ કર્યું, સર્જરી બાદ વોર્ડમાં ટ્રાન્સફર કરાતા 24 કલાક ટ્રેઇન્ડ મેડિકલ સ્ટાફ દ્વારા ઓબ્ઝર્વેશન, દર અડધો કલાકે વોટ્સ એપ પર દર્દીનું ટેમ્પરેચર, પલ્સ અને બ્લડપ્રેશરની માહિતી લેવાઇ જેને કારણે દર્દીને તકલીફ પડી નથી.
કયા શહેરના કેટલા દર્દી
અમદાવાદ | 12 |
વડોદરા | 4 |
ભાવનગર | 3 |
ગાંધીનગર | 2 |
જૂનાગઢ | 2 |
ગોધરા | 2 |
આણંદ | 1 |
કલોલ | 1 |
મહુવા | 1 |
માંગરોળ | 1 |
મુંબઇ | 1 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.