સાહેબ મિટિંગમાં છે:કૌન બનેગા મુખ્યમંત્રી; ભાજપ ચૂપ, કોંગ્રેસમાં બબાલ, CMO છે કે મેયર ઓફિસ, AMCના એક-બે નહીં, ચાર-ચાર અધિકારી જોઈ કાર્યકરો કન્ફ્યુઝ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરના વાચકો માટે અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવીએ છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ વિભાગમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં નેતાજીઓ અને અધિકારીઓની કામગીરી ઉપરાંત ભીતરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.

અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ CMOમાં અમદાવાદનો જોરદાર દબદબો રહે છે. ખાસ કરી મુખ્યમંત્રીના મતવિસ્તાર ઘાટલોડિયાના ભાજપના નેતાઓનો અડ્ડો પણ બની જાય એ પણ સમજી શકાય છે. પરંતુ મુખ્યમંત્રી કાર્યાલયમાં એક બે નહીં ચાર ચાર અધિકારીઓ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે ઔડામાંથી જ આવેલા છે. જેમાં ડી.પી. દેસાઈ, એમ.ડી. મોડિયા, આર કે.મહેતા તો હતા, પછી હમણાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરાગ શાહને પણ CMOમાં લીધા, તે જોતા ભાજપના કાર્યકરોમાં ચર્ચા ચાલી રહી છે કે, મુખ્યમંત્રીના કાર્યાલયમાં જાવ તો કન્ફ્યુઝન થાય છે કે, આ મુખ્યમંત્રીની ઓફિસ છે કે અમદાવાદના મેયરની.

કેજરીવાલ તો કહે છે,સરકાર બનાવીશું, પણ CM નક્કી નહીં
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો દોડવા લાગ્યા છે, એટલું જ નહીં છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં રાજ કરતા ભાજપે ઘર ઘર ભાજપ અભિયાન જોરશોરથી શરૂ કરી દીધું છે. તો બીજી તરફ મુખ્ય વિપક્ષ કૉંગ્રેસના નેતાઓ હજુ બેઠકો કરી રહ્યા છે, એટલું જ નહીં મુખ્યમંત્રીના ચહેરા અંગે કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જ ના પાડી દીધી છે. જ્યારે શક્તિસિંહ ગોહિલ કહે છે, મુખ્યમંત્રી તો ધારાસભ્યો નક્કી કરશે, આમ કોંગ્રેસમાં આંતરિક મતભેદ શરૂ થઈ ગયા છે. ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે આવેલી આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલે તો અમદાવાદ આવીને સરકાર બનાવવાની જાહેરાત પણ કરી દીધી છે.

કૌન બનેગા અગલા મુખ્યમંત્રી વો હમ કહેંગે...
વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાય તેવો માહોલ બની રહ્યો છે. મતદારો રાજકીય નેતાઓના ખેલ જોઈ રહ્યા છે. જનતા પણ જાણે બાંયો ચડાવીને કહી રહી છે કે, કૌન બનેગા અગલા મુખ્યમંત્રી વો હમ કહેંગે...

ભાજપના વડીલ ધારાસભ્યો ઢીલા પડી ગયા, યુવા મોરચો ઉત્સાહમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડીલોને કાપી યુવાનોને ચૂંટણી લડવાની તક આપવાની ભાજપમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે, જેથી ભાજપનો યુવા મોરચો ફોર્મમાં આવી ગયો છે અને ટિકિટ મેળવવા માટે મોટા નેતાઓની આગળ પાછળ આંટા તો મારવા લાગ્યા છે. તેની સાથે સાથે એકદમ ઉત્સાહી બનીને પક્ષ જે કામ સોંપે તે હોંશે હોંશે કરી રહ્યા છે.બીજી બાજુ વડીલ ધારાસભ્યો ઢીલા ઢફ્ફ થઈ ગયા છે, તેઓ વિચારી રહ્યા છે કે, હવે જો આપણી ટિકિટ કપાવવાની જ છે તો હવે ધીરે ધીરે નિવૃત્તિ તરફ આગળ વધી જઈએ, એટલે કે પક્ષમાંથી જેટલી સૂચના આપવામાં આવે એટલું પૂરું કરી લેવાનું. એટલે પક્ષમાં નિષ્ક્રિયતા પણ ના લાગે, અને ટિકિટ ના મળે તો પણ એટલો અફસોસ ના થાય.

ક્વિઝના લોન્ચ સમયે જગદીશ પંચાલ એન્કરના રોલમાં
ગુજરાત જ્ઞાન ગુરૂ કવીઝના લોન્ચીંગ કાર્યક્રમમાં રાજયના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણ પ્રધાન જીતુ વાધાણી તો તેમના વિભાગને લગતી કામગીરી જણાવી રહ્યા હતા, પરંતુ રાજયના ઉદ્યોગ પ્રધાન જગદીશ પંચાલ તો પોતે વધુ એકટીવ હોય તેવી સ્થિતી સર્જાઇ હતી. તેઓ સીએમ અને અન્ય પ્રધાનથી પણ એક સ્ટેપ આગળ કોડલેસ માઇક લગાવી કોઇ એન્ટરટેઇનમેન્ટ શો કે કોઇ એવોર્ડ સમારંભના એન્કરના રોલમાં આવી ગયા હતા. જે જોઇને રાજકિય અને અધિકારી લોબી પણ એક સમયે તો ચોંકી જ ગઇ હતી.

ડિજીટલ ઇન્ડિયાના બીગ શોને પગલે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દોડતો થયો
રાજય સરકારમાં હાલમાં અધિકારીઓ એવા કાળમાંથી પસાર થઇ રહ્યા છે કે તમામ પોતે હવે થોડા સમયમાં વધુ એકટીવલી કેવા પ્રોગ્રામ કે તેમની અગાઉની સ્કીમના લોકાર્પણ કરાવી શકે.રાજયમાં યોજાયેલા ડિજીટલ ઇન્ડિયાના બીગ શોમાં છેલ્લા દિવસે આઇટી સેકટર એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ તો દોડતો થયો હતો.રાજયના આઇટી અને સોફટવેરના ઉદ્યોગકારોને હાજર રાખવામાં તેમને સફળતા મળી હતી. પરંતુ આઇટીને વેગ આપવા અંગે કોઇ નક્કર કદમ લેવાય તેમાટે સરકાર કરતાં અધિકારીઓએ એકટીવ થવું જોઇશે તેવો મત બહાર આવ્યો હતા.

અન્ય સમાચારો પણ છે...