ગુજરાત એટીએસએ પકડેલા ડ્રગ્સ રેકેટમાં હવે રોજેરોજ નવા કનેક્શન જોડાતા જાય છે. જેમાં પકડાયેલા આરોપીઓ મુખ્ય સૂત્રધાર કરણ વાઘ વિશે તમામ બાબતો કહેતા જાય છે. કરણ પોતે ઈ-કોમર્સ બિઝનેસ કરવા માંગતો હતો. જે માટે તેણે પ્રોડક્ટ નક્કી કર્યા હતા. પ્રોડક્ટ ન વેચાતા તેણે ડ્રગ્સનો ધંધો કરવાનું શરૂ કરી દીધું હતું. સૌરાષ્ટ્રની અનેક જગ્યાએ તેણે ડ્રગ્સ ડિલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના માણસો કહેતા હતા કે, તે વારે ઘડી શેખી મારે છે, સિંહોની ધરતી પર વાઘ રાજ કરવા આવે છે. જોકે તે ડ્રગ્સનું સામ્રાજ્ય બનાવે તે પહેલા જ તે નાસતો ભાગતો થઈ ગયો છે.
કરણ ચરસથી માંડી તમામ પ્રકારના ડ્રગ્સનું રેકેટ ચલાવતો
ગુજરાત એટીએસે પકડેલા ડ્રગ્સ રેકેટમાં ત્રણ આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, કરણ વાતનો મુખ્ય સૂત્રધાર છે. ચરસના વટાણાથી શરૂ કરીને તેણે હસીશ એમડી, મિંયાઉ મિંયાઉ બ્રાઉન સુગર અને તમામ પ્રકારના ડ્રગ્સની ડિલ કરવાનું શરૂ કરી દીધું છે. પોતે ઈ કોમર્સ બિઝનેસ કરવા માટે પ્રયાસ કરતો હતો, પરંતુ બિઝનેસ ન ચાલતા તેણે તે જ બિઝનેસને ડ્રગ્સ બિઝનેસમાં કન્વર્ટ કરી દીધો છે. ધીમેધીમે કોન્ટેક્ટ અને રૂપિયા વધતા તેના સંપર્કમાં રેવ પાર્ટીમાં ધનાઢ્ય પરિવાર સાથે થતાં ગયા હતા.
આરોપીએ સૌરાષ્ટમાં રેવ પાર્ટીઓ કરી
એક અંદાજ પ્રમાણે તેને સૌરાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાની આસપાસ સૌથી વધુ રેવ પાર્ટી કરી છે. આ પાર્ટીમાં ડ્રગ્સ દારૂ અને છોકરીઓ સામેલ રહેતી હતી. આ પાર્ટીમાં આયોજક અને તેના સમયની વિગત મેળવવા માટે એટીએસ દ્વારા કરણ વાઘને પકડવા અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. કરણ વાઘના ટ્રાન્જેક્શન અને ડિલિવરી જાણવા માટે ઈ-કોમર્સ કંપનીની વિગત મેળવવામાં આવી રહી છે. જ્યારે ડ્રગ્સને કઈ રીતે શિફ્તપૂર્વક લઈ જવામાં સફળતા મળી તે જાણવા એટીએસ દ્વારા માઈક્રો ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત ATSએ ઓનલાઈન ડ્રગ્સ રેકેટ ઝડપ્યું છે
ગુજરાત ATSએ ઓનલાઇન ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ ગુજરાતનાં ખૂણે ખૂણે ફેલાયેલું હોવાનો ખુલાસો થયો છે. ઓનલાઇન ડ્રગ્સ મગાવનારાઓમાં ગુજરાતની એક મહિલા મામલતદાર પણ સામેલ છે. આ મહિલા મામલતદાર એક રેવ પાર્ટીમાં પણ જોડાઈ હતી. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં થયેલી પાર્ટીમાં ડ્રગ્સ માટે અનેક યુવતીઓએ કોઈની સાથે પણ સેક્સ કરવા પણ તૈયાર થતી હતી. જ્યારે એક પાર્ટીમાં અનેક અજાણ્યા લોકો આ યુવતીઓનો ઉપયોગ કરતા હતા.
ઘણા સમયથી ડ્રગ્સ અને રેવ પાર્ટી થતી
હાલ આ સમગ્ર મામલે ATS દ્વારા માલેતુજાર પરિવારના 300થી વધુ દીકરા-દીકરીનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહીં, ધનાઢ્ય પરિવારના 300 યુવક-યુવતીના આર્થિક લેવડ દેવડના ટ્રાન્જેક્શન પણ મળી આવ્યા છે. ગુજરાતમાં ઘણા સમયથી ડ્રગ્સ અને રેવ પાર્ટી થતી હતી. થોડા સમય અગાઉ નરોડાના નયન નામના બિલ્ડર દ્વારા રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તપાસ કરી રહેલી SOGની ટીમે તેનું નામ ખોલ્યું નહોતું અને સમગ્ર તપાસનો ગોટો વાળી દીધો હતો. આ રેવ પાર્ટીની સમયસર તપાસ થઈ હોત તો અનેક યુવતી આ રેકેટમાં ફસાતા બચી ગયા હોત.
સૌરાષ્ટ્રની મામલતદાર ડીલર પાસેથી ડ્રગ્સ મગાવતી
ATSના એક આધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યા અનુસાર ડ્રગ્સ સાથે આ લોકો પાર્ટી કરતા હતા. એક ડોઝ માટે યુવતીને કોઈની પણ સાથે સુવા મજબૂર કરતા હતા. આવી પાર્ટીની ડિટેઇલ અમને મળી છે. આ ગ્રુપમાં કેટલાક લોકો યુવતીઓ સાથે સેક્સ માણતા તે ચોંકાવનારી બાબત છે. આ ડ્રગ્સ ડીલર પાસેથી સૌરાષ્ટ્રની એક મહિલા મામલતદાર પણ ડ્રગ્સ મેળવતી હતી, એવી વિગત સામે આવી છે જે દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ.
વોન્ટેડ આરોપી પકડાયા બાદ મોટા ખુલાસા થઈ શકે
આ કેસ સાથે સંકળાયેલા ઘણા પુરાવા મળી રહ્યા છે. હાલ 300 લોકોનું લિસ્ટ છે. જેમાં અનેક મેડીકલ પ્રોફેશનલ છે. આ ડ્રગ્સ મેળવવા માટે કોડ હતા. જેમાં ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર થયા બાદ આખી રેવ પાર્ટી સહિતનું આયોજન અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં થયું હતું. હાલ આ સમગ્ર મામલે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છીએ. રાજ્યવ્યાપી ડ્રગ્સ રેકેટમાં હવે અનેક મોટા ખુલાસા વોન્ટેડ આરોપી પકડાયા બાદ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.