હર હર મહાદેવના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. સવારથી જ મોટી સંખ્યમાં શ્રદ્ધાળુઓ શિવ આરાધના માટે મંદિરોમાં ઉમટી પડ્યા હતા. શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો દ્વારા આ મંદિરોમાં અભિષેક કરવાની સાથે બીલીપત્ર ચઢાવવામાં આવ્યા હતા. અંકુર ખાતેના કામેશ્વર મહાદેવને નિત્ય 1.25 લાખ બીલીપત્ર અર્પણ કરાશે, ટ્રસ્ટી નટુભાઈ પટેલના જણાવ્યા મુજબ, શિવજીની આરાધના માટે આ વર્ષે 5 ટન જેટલા બીલીપત્ર પંચમહાલથી મંગાવવામાં આવ્યા છે.
સવારથી રખિયાલના ચકુડિયા મહાદેવ, સારંગપુરના કર્ણમુક્તેશ્વર મંદિર, ઇન્દિરાબ્રિજ નદીના પટના રણમુક્તેશ્વર મંદિર, વસ્ત્રાલના પ્રાચીન શિવ મંદિર, સિંગરવાના સિદ્ધેશ્વર મહાદેવ, કુબેરેશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. હાથીજણના પ્રાચીન નીલકંઠ મહાદેવ, ઓઢવના જડેશ્વર મહાદેવ, વટવાના નીલકંઠ મહાદેવ, ગ્યાસપુરના સોમનાથ મહાદેવ, વિંઝોલના સ્વયંભૂ મહાદેવ મંદિરો જેવાં મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા હતા. આગામી દિવસોમાં કેટલાક શિવ મંદિરોમાં બરફના, ઘીના તેમ જ ચોકલેટના શિવલિંગ પણ તૈયાર કરવામાં આવશે.
અનેક શિવ મંદિરોમાં રુદ્રાભિષેકનું આયોજન કરાયું
દૂધેશ્વરના કાશી વિશ્વનાથ મંદિરે વહેલી સવાર ભક્તોની ભીડ જામી હતી, સવારે રુદ્રાભિષેક તેમ જ સંધ્યાકાળે મહાઆરતી યોજાઈ હતી. ચાંદખેડાના ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં બાહ્મણો દ્વારા રુદ્રાભિષેકનું આયોજન કરાયું હતું, તેની સાથે જ અનેક મંદિરોમાં ફરાળી પ્રસાદ વિતરણ કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.