ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ ભાજપે ભરતી મેળો શરૂ કર્યો છે. જેના ભાગ રૂપે કોંગ્રેસના આગેવાનો સહિત ભાજપ છોડીને ગયેલા પૂર્વ ઘારાસભ્યો અને નેતાઓને ઘરવાપસી માટેના દ્વાર ખોલી દીધાં છે. ત્યારે તાજેતરમાં જ માંડલના પૂર્વ ધારાસભ્ય પ્રાગજી ભાઈ પટેલના ભાજપમાં પુનઃ પ્રવેશ બાદ સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડે ભાજપ પ્રમુખ પાટીલના હસ્તે કેસરીયો ખેસ પહેર્યો હતો.આ અગાઉ કોંગ્રેસના પણ કેટલાક નેતાઓએ ભાજપનો ખેસ પહેર્યો હતો. આગામી દિવસોમાં કોંગ્રેસના 10થી વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી ચર્ચા ચાલી રહી છે.પૂર્વ પ્રમુખ ભીખાભાઈ પટેલ ભાજપમાં જોડાશે.
કમાભાઈ સાથે તેમના 10 સમર્થકો પણ ભાજપમાં જોડાયાં
સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડની સાથે તેમના સમર્થકોમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભીખાભાઈ પટેલ, બોપલ નગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મહેશ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ગોવિંદભાઈ કોળી પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શક્તિસિંહ ચાવડા, બોપલ નગરપાલિકાના પૂર્વ સદસ્ય રામભાઈ પટેલ, દલિત આગેવાન અશ્વિનકુમાર ચાવડા, દલિત આગેવાન મનસુખભાઈ ધોરાણિયા, સામાજિક આગેવાન ચંદુભાઈ પટેલ, કોળી પટેલ સમાજના આગેવાન રણજિતભાઈ સોલંકી તથા સાણંદ APMCના પૂર્વ ડિરેકટર બળદેવભાઈ કોળી પટેલ ભાજપમાં જોડાઈ ગયાં હતાં.
પ્રાગજી પટેલ અને કમાભાઈ રાઠોડની ભાજપમાં ઘરવાપસી
2017 પહેલાં પ્રાગજી પટેલ અને કમાભાઈ રાઠોડ ભાજપના જ ધારાસભ્યો હતાં. પરંતુ 2017ની ચૂંટણીમાં ટિકીટ કપાતાં ભાજપની સામે બળવો કરીને કમાભાઈ રાઠોડ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યાં હતાં. બીજી તરફ પ્રાગજી પટેલે 2017 દરમિયાન વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ માંગી હતી. પરંતુ વિરમગામ બેઠક પર પક્ષ પલટો કરીને આવેલા તેજશ્રીબેન પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જેથી પ્રાગજી પટેલ નારાજ થયા અને પક્ષ વિરુદ્ધ કામ કર્યું કરતા તેમને સસ્પેન્ડ કર્યા હતા. જેથી ભાજપે બંનેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કર્યાં હતાં. હવે આ બંને નેતાઓને ફરીવાર ભાજેપ ઘરવાપસી કરાવી છે.
બે મહિના પહેલાં જ કોંગ્રેસના જયરાજસિંહ ભાજપમાં જોડાયા હતાં
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ ફરી એકવાર ભાજપમાં પ્રવેશોત્સવ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને નેતા જયરાજસિંહ પરમારે શક્તિપ્રદર્શન કર્યું હતું. તેઓ અડધો કિલોમીટર લાંબા કારના કાફલા તથા સમર્થકો સાથે કમલમ પહોંચ્યા છે.કમલમ પર જયરાજસિંહ સાથે એક હજાર કરતાં વધુ સમર્થકો આવતાં મેદાન નાનું પડ્યું અને ખુરશીઓ ખૂટી પડી છે. જયરાજસિંહ હવે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયાં છે. ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે ખેસ પહેરાવીને તેમનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, આજે ભાજપ પર વિશ્વાસ મૂકીને 37 વર્ષની કારકિર્દી છોડીને ભાજપમાં જોડાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.