અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં કુખ્યાત આરોપી મહંમદ શરીફ ઉર્ફ કાળું ગરદન ઘણા સમયથી ફરાર હતો. તેની સામે અત્યાર સુધી 29 જેટલા ગુના નોંધાયા છે. કાલુ ગરદન અગાઉ અનેક કેસમાં જેલની હવા પણ ખાઈ આવ્યો છે. બીજી તરફ અમદાવાદમાં દારૂની સપ્લાય કરનાર બંસી સાથે દારૂના વેપારમાં પણ તે સાથે હતો. અનેક ગુનામાં સામેલ કાલુ ગરદન અને કેટલાક લોકોએ સરકારી જમીન પર દબાણ કર્યું હોવાની ફરિયાદ નોધાઈ હતી. આ કેસમાં તે વોન્ટેડ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કાલુ ગરદન આજે સેટેલાઇટ પોલીસ સમક્ષ હાજર થયો છે. હવે અન્ય તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
લેન્ડ ગ્રેબિંગના કેસમાં વોન્ટેડ હતો
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એક-બે નહીં પણ 29 જેટલા ગુનામાં સામેલ કુખ્યાત ગુનેગાર કાલુ ગરદન આજે પોલીસ સમક્ષ હાજર થયો હોવાની વિગત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. કાલુ ગરદન પર 4 વખત પાસા અને એક વખત તડીપાર અંગેની કાર્યવાહી કરવામાં આવી છે. કાલુ ગરદન હાલ લેન્ડ ગ્રેબિંગના કેસમાં વોન્ટેડ હતો. હવે કાલુ ગરદનના પકડાયા બાદ અનેક વિગતો સામે આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
6 ઓગસ્ટે ઝોન 7 ડીસીપીએ કાર્યવાહી કરી
અમદાવાદના જુહાપુરા અને સરખેજ વિસ્તારમાં લોકોને ડરાવી ધમકાવી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ગુનેગારો સામે ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ પોલીસ તરીકેનો પાવર બતાવી તેની સામે કડક કાર્યવાહી કરી હતી. જુહાપુરાનો ગુનેગાર કાલુ ગરદને જુહાપુરા અને વેજલપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. જેને ડીસીપીએ તોડાવી નાખ્યું હતું. ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડતાં કાલુ ગરદન સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
કાલુ ગરદને કોર્પોરેશનની જમીન પચાવી પાડી
અમદાવાદના વેજલપુર અને જુહાપુરા વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર મહંમદ શરીફ ઉર્ફે કાલુ ગરદને પોતાની ધાક જમાવી છે. પોલીસના પણ તેના પર ચાર હાથ હતા. જો કે ઝોન 7 ડીસીપી તરીકે પ્રેમસુખ ડેલુ મૂકવામાં આવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. કાલુ ગરદને સંકલિત નગર પાસે આવેલા ગ્રાઉન્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ઉપરાંત અન્ય બે જગ્યા વેજલપુર અને સંકલિતનગરમાં પણ આવેલી કોર્પોરેશનની જમીન પર ગેરકાયદેસર રીતે બે માળની બિલ્ડીંગ ઉભી કરી દીધી હતી.
પોલીસ બંદોબસ્તમાં બે માળનું બાંધકામ તોડી પડાયું હતું
ડીસીપીના ધ્યાને આવતા કાલુ ગરદનને મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી નોટિસ આપવા છતાં બાંધકામ ન તોડતાં બંદોબસ્ત સાથે તેણે કરેલા ગેરકાયદેસર બાંધકામને 6 ઓગસ્ટે તોડી નાખ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી અને બાંધકામ કરી દેતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ વેજલપુર પોલીસ સ્ટેશનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ મહંમદ શરીફ ઉર્ફે કાલુ ગરદન સામે ફરિયાદ નોંધાવી હતી.
અગાઉ 4 વખત પાસા અને એક વખત તડીપાર પણ કરાયો હતો
કાલુ ગરદન વિરુદ્ધ ખૂન, ખૂનની કોશિશ, મારામારી, ખંડણી, દારૂ, જુગાર, ગેરકાયદે હથિયાર રાખવા સહિતના 29 ગુના છે. તેમાં કાલુની 4 વખત પાસા હેઠળ ધરપકડ કરાઈ હતી. જ્યારે 1 વખત તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો.
કાલુ-સુલતાન વચ્ચે ગેંગવોરના પણ અવારનવાર ગુના નોંધાયા
કાલુ અને સુલતાનની ગેંગના માણસોમાં અવારનવાર ઝઘડા થાય છે. લોકડાઉન અને ત્યારબાદ પણ આ બંનેની ગેંગના માણસોએ એકબીજા પર હુમલા કરવાનું ચાલુ જ રાખ્યું હતું, જે બાબતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.