• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Judgment On Hardik's Application To Leave The State Today, The Government Did Not Even Discuss The Issue Of Reducing The Fees Of Private School Students.

ગુડ મોર્નિંગ ગુજરાત:હાર્દિકની રાજ્ય બહાર જવાની અરજી પર આજે ચુકાદો, ખાનગી સ્કૂલના વિદ્યાર્થીની ફી ઘટાડા મુદ્દે સરકારે ચર્ચા જ ન કરી

અમદાવાદએક વર્ષ પહેલા

ચાલો જોઈએ આજની ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આજે ગુજરાતની આ 4 ઘટના પર રહેશે નજર

1. હાર્દિક પટેલની 90 દિવસ ગુજરાત બહાર જવાની અરજી પર આજે ચુકાદો
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજીની શરતોમાં ફેરફાર માટે અને રાજ્ય બહાર જવા માટે અરજી કરી હતી, જેની પર આજે ચુકાદો અપાશે. હાર્દિકે 90 દિવસ માટે રાજ્ય બહાર જવા અરજી કરી છે, જેના વિરોધમાં સરકારે દલીલ કરી છે કે હાર્દિક સામે ગંભીર ગુનો છે. માત્ર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હોવાથી તેમને રાજ્ય બહાર જવા દેવા મંજૂરી આપવી યોગ્ય નથી.

2. અમદાવાદ મ્યુનિ.ની છ મહિને પહેલી ફિઝિકલ સામાન્ય સભા
અમદાવાદ મ્યુનિ.ની છ મહિનાના અંતરાલ બાદ આજે પહેલી ફિઝિકલ સામાન્ય સભા મળી રહી છે. આ પહેલાં બે દિવસ સુધી તમામ કાઉન્સિલરોનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો હતો. આ ફિઝિકલ સામાન્ય સભામાં પ્રવેશ પહેલાં દરેક કોર્પોરેટરના થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવશે. સેનિટાઈઝેશનની પણ પ્રક્રિયા હાથ ધરાશે.

3. કૃષિ બિલના વિરોધમાં ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડ આજે બંધ
કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં ખેડૂત સંગઠનો બાદ હવે માર્કેટયાર્ડ પણ વિરોધમાં ઊતરી આવ્યા છે. આજે ઉત્તર ગુજરાતના મોટા ભાગના માર્કેટ યાર્ડે બંધનું એલાન આપ્યું છે, જેમાં કડી સિવાયના ઊંઝા, મહેસાણા, વીસનગર, વિજાપુર, ગોઝારિયા, રાધનપુર અને કુકરવાડા સહિતનાં માર્કેટ યાર્ડ બંધ રહેશે.

4. વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ
કોરોના મહામારી વચ્ચે 21 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ગુજરાત વિધાનસભાના 5 દિવસના ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ છે. આજે ગૃહમાં શાસક પક્ષ તરફથી વિધેયક રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ખાનગી સ્કૂલની ફી અંગે ચર્ચા થવાની હતી, પરંતુ સરકારે સમયાવધિ પૂરી થવાનું કારણ ધરી ચર્ચા જ કરી નહોતી.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1. ગુજરાતના દોઢ કરોડ વિદ્યાર્થીઓની ફી ઘટાડાની સરકારે ચર્ચા જ ના કરી
ગુજરાતની ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા દોઢ કરોડ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને ફીમાં રાહત આપવા મુદ્દે રાજ્ય સરકારે ગુરુવારે વિધાનસભાગૃહમાં ચર્ચા જ કરી નહીં, પરંતુ સરકાર આ મામલે રીતસર ખાનગી સ્કૂલના સંચાલકોથી ડરતી હોય એ રીતે નિયમની છટકબારી પાછળ સંતાઈને સમયાવધિ પૂરી થયાનું બહાનું કરી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

ગેસ ટર્મિનલમાંથી દૂર દૂરથી આગની જ્વાળાઓ આકાશમાં નજરે પડી રહી છે.
ગેસ ટર્મિનલમાંથી દૂર દૂરથી આગની જ્વાળાઓ આકાશમાં નજરે પડી રહી છે.

2. સુરત ONGC ટર્મિનલમાં મળસ્કે વિસ્ફોટ સાથે આગ, 1નું મોત
હજીરા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ONGCના ગેસ ટર્મિનલમાં મળસ્કે વિસ્ફોટ સાથે આગ લાગી હતી. આને પગલે પ્લાન્ટમાં કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ છે. આગ વખતે થયેલા ધડાકાથી આસપાસના ગામવાસીઓ સાથે શહેરીજનો ધ્રૂજી ગયા હતા. દૂર-દૂરથી આગની જ્વાળાઓ આકાશમાં નજરે પડી હતી. આ દુર્ઘટનામાં એકનું મોત થયું છે.
વાંચો સમાચાર વિગતવાર

3. મહિલાનો ખાનગી લેબનો ટેસ્ટ પોઝિટિવ, પણ સરકારી રેપિડના બે રિપોર્ટ નેગેટિવ
અમદાવાદના ઘોડાસરની એક મહિલાએ શ્વાસની તકલીફ બાદ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો તો તે પોઝિટિવ આવ્યો હતો, પરંતુ ત્યાર બાદ તેમણે પોતાના ઘર પાસેના સરકારી ટેસ્ટ સેન્ટરમાં રેપિડ ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ પછી બીજા સેન્ટરમાં રેપિડ ટેસ્ટ કરાવ્યો તો એ પણ નેગેટિવ આવતાં કોરાના ટેસ્ટના ભોપાળાની પોલ ખૂલી હતી.
વાંચો સમાચાર વિગતવાર

4. નેશનલ હાઇવે પર ભરૂચ-નબીપુર વચ્ચે 10 કિ.મી.નો ટ્રાફિકજામ
ભરૂચમાં બે દિવસથી ભારે વરસાદને પગલે જૂના સરદાર બ્રિજ પર મોટા ખાડા પડતાં વાહનોની ગતિ મંદ પડી ગઈ છે. આ કારણે ગુરુવારે જૂના સરદાર બ્રિજથી નબીપુર સુધી 10 કિ.મી.નો ટ્રાફિકજામ થયો હતો. આને લીધે વડોદરાથી સુરત તરફ જતા વાહનચાલકો ટ્રાફિકજામમાં સાતથી દસ કલાક સુધી અટવાયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

5. અમદાવાદના નબીરા અડાલજના ફાર્મમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા
અમદાવાદને અડીને આવેલા અડાલજના ક્રિષ્ના ફાર્મમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસે રેડ કરીને 13 યુવક અને 10 યુવતીઓને ઝડપી લીધાં હતાં. પત્નીની બર્થડે પાર્ટી કરવા મિત્રોને ભેગા કરી દારૂની મહેફિલ કરવામાં આવી હતી. પોલીસે રેડ કરતાં યુવકો દારુ પીધેલા મળી આવ્યા હતા. યુવતીઓ દારૂ પીધેલી ન હોવાથી તેમને જવા દીધી હતી.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...