પાટીદાર અનામત આંદોલન કેસ સંદર્ભે થયેલ કેસ પરત ખેંચવાની અરજી અંગે 9મે રોજ સેશન્સ કોર્ટ ચુકાદો આપી શકે છે. આજે હાથ ધરાયેલી સુનાવણીમાં સરકાર વતી કેટલીક મહત્વપૂર્ણ રજૂઆતો કરવામાં આવી. સેશન્સ કોર્ટ સમક્ષ રાજ્ય સરકાર વતી સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ તરફથી રજૂઆત કરાઈ કે, જે તે સમયે પાટીદાર સમાજની માંગોને લઈને આંદોલન ઉગ્ર બન્યું હતું. જેની સામે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કેસ કર્યા હતા. જોકે તે બાદ કોઇ મોટી દુર્ઘટના બની હતી. જેથી જાહેર હિતમાં તેઓ આ કેસો પરત લેવા માંગે છે. વર્ષ 2017માં રામોલમાં તોડફોડ કેસ મૂદ્દે હાર્દિક સહિત 21 લોકો સામે ગુનો નોંધાયો હતો. જે મામલે રાજ્ય સરકારે અમદાવાદ મેટ્રો કોર્ટમાંથી આ કેસો પરત લેવા માટે અરજી કરી હતી. જોકે મેટ્રો કોર્ટે આ માંગને ફગાવી દીધી હતી, જેની સામે સરકારે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.
રાજ્ય સરકારે પાટીદારો સામેના 10 કેસ પાછા લેવાનો નિર્ણય કર્યો હતો
નોંધનીય છે કે, મહિના પહેલા જ પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઈ રાજ્ય સરકારે વધુ 10 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી હતી. હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ હતી. સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ, જ્યારે મેટ્રોપોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા છે. નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1, જ્યારે કૃષ્ણનગરના 2 કેસ છે, જે પરત ખેંચવામાં આવ્યા છે.
485 પોલીસ ફરિયાદો નોંધાઈ હતી
ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. 228 પોલીસ ફરિયાદો રદ કરાઇ છે. હજુ 140થી વધુ કેસો પેન્ડિંગ છે.
2015માં આંદોલન હિંસક બન્યું, 14 પાટીદારોના જીવ ગયા
વર્ષ 2015માં હાર્દિક પટેલ અને અન્ય કેટલાક યુવાનોના નેતૃત્વમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પાટીદાર સમુદાય ઊમટી પડ્યો હતો. તેમની પાટીદારોને અનામત આપવાની માગ કરી હતી. આ સમયે હાર્દિક પટેલની સભા બાદ ગુજરાતભરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 14 પાટીદાર યુવકોનાં મોત થયાં હતાં. પાટીદારોને ઓબીસી હેઠળ અનામત અપાવવાની માગણીને લીધે ગુજરાતનાં પૂર્વ CM આનંદીબહેન સરકાર પર દબાણ આવ્યું હતું.
પાટીદાર આંદોલનના યુવા ચહેરાઓ હાલ રાજકારણમાં સક્રિય
અનામત આંદોલન અને એ સંબંધિત ચહેરાઓની વાત કરીએ તો એકબીજા સાથે આંદોલનમાં સાથે કામ કરનારા નેતાઓ આજે વિવિધ રાજકીય પક્ષોમાં જોડાઈને મહત્ત્વનાં પદો પર છે. આ ચહેરાઓમાં હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા, રેશમા પટેલ, નિખિલ સવાણી, અતુલ પટેલ, દિલીપ સાબવા, ધાર્મિક માલવિયાનો સમાવેશ થાય છે, જેમાંથી હાલ હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છે તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.