તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેસ્ટ એડિટરની કલમે:લોકપ્રિયતાથી માતૃત્વ સુધીનો પ્રવાસઃ સફળતા, સુખ-સંતોષઃ મોના થીબા

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગેસ્ટ એડિટરઃ મોના થીબા, અભિનેત્રી - Divya Bhaskar
ગેસ્ટ એડિટરઃ મોના થીબા, અભિનેત્રી

સાત વર્ષથી મેં ‘એક્શન’ અને ‘કટ’ શબ્દો સાંભળ્યા નથી... એને બદલે હું સાંભળું છું, ‘મમ્મી મને ભૂખ લાગી છે...’ કે ‘બી... હું આવી ગયો છું, બી... હું નીકળું છું...’ (બીવીનું શોર્ટ ફોર્મ એણે બી કર્યું છે) કોઈપણ સામાન્ય ગુજરાતી ગૃહિણી જેવી જિંદગી મેં જાતે જ પસંદ કરી છે. મને સમય સાથે એવું સમજાયું છે કે, ઘણા વર્ષો વ્યસ્ત રહ્યા પછી પણ જે સ્ત્રી પોતાના પરિવારને કે સંતાનને સમય આપવા માગે એ આસાનીથી એક નવા જ પરિવેશમાં, એક નવા જ રુટિનમાં ઢળી શકે છે. બસ ! એ સ્ત્રીને ભીતરથી પોતાના પરિવારનું મહત્વ અને સંતાનના ઉછેરની અગત્યતા સમજાવી જોઈએ.

હું બાળપણથી જ થોડી શરમાળ અને રિઝર્વ પ્રકારની છું. મને જ્યારે પહેલીવાર ફિલ્મની ઓફર આવી ત્યારે મારા પિતાએ મને જ નિર્ણય લેવાનું કહ્યું. મેં એ ફિલ્મમાં અભિનય કર્યો અને એ ફિલ્મ સુપરડુપર નીવડી. 2014માં હિતુ કનોડિયા સાથે લગ્ન કર્યાં, અને ફિલ્મોને અલવિદા કહેવાનું નક્કી કર્યું. મારે ઘણી સ્ત્રીઓને કહેવું છે કે, કારકિર્દી, આર્થિક સલામતી, કમાણી કે ગ્લેમર અને લોકપ્રિયતા સારી બાબતો છે, પરંતુ એ જીવવાનું કારણ ન હોઈ શકે. આ બધાથી કદાચ જીવવાની મજા આવે, જિંદગી બહેતર બની શકે, પરંતુ જીવવા માટે એક એવી વ્યક્તિની જરૂર હોય છે જે આપણા સુખ-દુઃખમાં સાથ આપે, આપણને સમજે. આપણા સારા કે ખરાબ સમયમાં એ આપણી પાસે હોય. મને ઘરમાં રહેવું ગમે છે, માટે હું ઘરમાં રહું છું. કોઈના કહેવાથી કે કોઈના આગ્રહથી નહીં, કદાચ એટલે જ મને ઘરમાં મજા આવે છે.

હું પણ એક જમાનામાં બબ્બે શિફ્ટમાં કામ કરતી. સવારે સાત વાગ્યે સેટ પર આવું. બે કે ત્રણ વાગ્યે હાલોલથી વડોદરા કે વડોદરાથી રાજપીપળાના ધક્કા મેં પણ ખાધા છે. આખો દિવસ તડકામાં ગીત માટે જરીવાળા કે વજનદાર કપડા પહેરીને નૃત્ય કર્યું છે... એ દિવસોમાં મને પણ મારા પરિવાર માટે સમય નહોતો રહેતો. એટલે કદાચ, હું આજે હિતુની જવાબદારી અને એની વ્યસ્તતાને સમજી શકું છું. જે સ્ત્રીઓએ વ્યવસાય કે નોકરી કરી હોય એને કદાચ બીજી સ્ત્રીની વ્યસ્તતા કે એના પતિની વ્યસ્તતા સમજાય. એક ગૃહિણી માટે કદાચ આ સમજવું અઘરું હોઈ શકે, પરંતુ હું બધી જ ગૃહિણીઓને એ કહેવા માગું છું કે તમારું કામ જરાય ઓછું કે નાનું નથી. જે ગૃહિણી ઘરમાં આર્થિક પ્રદાન નથી કરતી એમણે કોઈ અફસોસ કરવાની જરૂર નથી.

સમયસર પતિનું ટિફિન બનાવું, સંતાનોનું હોમવર્ક જોવું, સાસુ-સસરાના સમય સાચવવા કે ઘરનું મેઈન્ટેનન્સ કરવું, કંઈ ઓછું કામ નથી. નોકરી કે વ્યવસાયનો નિશ્ચિત સમય હોઈ શકે, પરંતુ ગૃહિણીનું કામ તો ટ્વેન્ટી ફોર સેવન ચાલુ રહે છે. પતિની પ્રગતિમાં, એના વિકાસમાં જે ગૃહિણી ફાળો આપી શકે છે, એ પતિની પ્રગતિ કે વિકાસમાં ભાગીદાર છે. સંતાનો પાસે જે ડિગ્રી છે અથવા જો એમનું ભવિષ્ય ઉજ્જવળ છે તો એમાં પણ માએ કરેલા પોતાના સમય અને શક્તિના પ્રદાનની ગણતરી કરવી જ રહી.

એક અભિનેત્રી તરીકે આજે પણ મને ઓફર્સ આવે છે. બાળકને જન્મ આપવાથી મારું ફીગર બગડી ગયું છે કે વજન વધી ગયું છે, એવી કોઈ સમસ્યા મને નથી થઈ. રાજવીરના જન્મ પછી લગભગ બે વરસ સુધી એને સ્તનપાન કરાવ્યું છે, બાળકની હેલ્થ માટે માના દૂધ જેવી બીજી કોઈ બાબત નથી. મા હોવું, પત્ની હોવું કે નરેશ કનોડિયાની પુત્રવધૂ હોવું એ મારે માટે મોના થીબા હોવા કરતાં ઘણું વધારે મહત્વનું છે. મને મારા અસ્તિત્વનો અર્થ મળ્યો છે, એક મા તરીકે, એક પત્ની તરીકે અને એક ગૃહલક્ષ્મી તરીકે.

અન્ય સમાચારો પણ છે...