તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઈમ:જોઈન્ટ પોલીસ કમિશનર એ.કે. ચૌધરીનું નકલી એકાઉન્ટ બનાવી ઠગાઈનો પ્રયાસ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 મિત્રોએ જેસીપીને ફોન કરીને તમે પૈસા કેમ માગો છો એમ પૂછતા ભાંડો ફૂટ્યો
  • આ અગાઉ શમશેરસિંગ, નિર્લિપ્ત રાય અને હરેશ દૂધાતના નકલી એકાઉન્ટ બનાવાયા હતા

અમદાવાદની વહીવટી શાખાના સંયુક્ત પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરીના નામનું ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવીને ગઠિયાએ તેમના મિત્રો પાસેથી રૂ. 20-20 હજાર માગ્યા હતા. જો કે 3 મિત્રોએ અજયકુમાર ચૌધરીને ફોન કરીને પૂછતાં ભાંડો ફૂટ્યો હતો. આ અંગે અજયકુમાર ચૌધરીએ સાયબર ક્રાઈમને જાણ કરતા તેમણે તપાસ આદરી છે. આ પહેલાં વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંગ, અમરેલી ડીએસપી નિર્લિપ્ત રાય અને કરાઈ પોલીસ એકેડેમીના એસપી હરેશ દૂધાતના પણ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યા હતા.

સંયુક્ત પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરીના 3 મિત્રોએ તેમને ફોન કરીને કહ્યું હતું કે, તમે અમારી પાસે રૂ. 20-20 હજાર માગ્યા છે. જો કે મિત્રોની આ વાત સાંભળીને અજયકુમાર ચૌધરી ચોંકી ઉઠ્યા હતા. જેથી તેમના મિત્રોએ તેમને ફેસબુકમાંથી આવેલા મેસેજના સ્ક્રીન શોર્ટ મોકલ્યા હતા, જેમાં અજયકુમારના ફોટાવાળા એકાઉન્ટમાંથી તેમના નામે મેસેજ કરીને પૈસા માગવામાં આવ્યા હતા.

જેથી કોઇ ગઠિયાએ ફેસબુક પર અજયકુમાર ચૌધરીનો ફોટો મુકીને તેમના નામનું નકલી એકાઉન્ટ બનાવ્યું હોવાની જાણ થતાં, તેમણે સાયબર ક્રાઈમને જાણ કરતાં સાયબર ક્રાઈમની ટીમે તપાસ આદરી છે. આ પહેલાં પણ શમશેરસિંગ, નિર્લિપ્ત રાય અને હરેશ દૂધાતના નામના ફેસબુક એકાઉન્ટ બનાવીને ગઠિયાએ તેમના મિત્રો પાસે પૈસા માગ્યા હતા. ફેસબુકને પણ આ પેજ ડિલિટ કરવા જાણ કરી છે. જેથી ટૂંક સમયમાં નકલી પેજ ડિલિટ થઇ જશે.

નકલી એકાઉન્ટનો સ્ક્રીન શોટ મુકી લોકોને જાણ કરી
અજયકુમાર ચૌધરીએ તેમના નકલી ફેસબુક એકાઉન્ટના સ્ક્રીન શોટ ફેસબુક પર શેર કરી જણાવ્યું હતું કે, મારા નામનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવાયું છે તેનાથી કોઈ વ્યકિત નાણાકીય વ્યવહાર કરે નહીં. મેં સાયબર ક્રાઈમમાં જાણ કરી છે. આપ સૌએ પણ મારા સોશિયલ મીડિયા એકાઉન્ટથી કોઇ મેસેજ આવે તો કોઇપણ વ્યવહાર કરવો નહીં અને તરત સાયબર ક્રાઈમ કે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી.

રાયનું એકાઉન્ટ બનાવનાર ઝડપાયો હતો
અમરેલી જિલ્લા ડીએસપી નિર્લિપ્ત રાયના નામનું ગઠિયાએ ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવી તેમના મિત્રો પાસે પૈસા માગ્યા હતા. આ વાત ધ્યાને આવતાં નિર્લિપ્ત રાયે ટીમને તપાસ સોંપી હતી. જેના આધારે નકલી એકાઉન્ટ બનાવનાર ગઠિયાને ઝડપી લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...