રજની રિપોર્ટર:જીતુ વાઘાણી..ઊંચા લોકોના ઊંચા શોખ, પણ?

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું આમ પણ કદ ઘણું ઊંચુ છે અને તેમના શોખ પણ ઊંચા છે. પ્રવક્તા મંત્રી હોવાને નાતે તેઓ દર બુધવારે કેબિનેટની મિટીંગમાં થયેલી ચર્ચાની માહિતી આપવા પત્રકાર પરિષદને સંબોધે છે. પૂર્વે પ્રદેશ પ્રમુખ હોવાથી સભાઓ કરી તે વખતના શોખ હજુ ય છે એટલે તેમને સામે શ્રોતાઓ ન હોય તો ન ચાલે. એટલે જ પત્રકાર પરિષદમાં તેઓ દર વખતે કોઇને કોઇ ટોળું લેતા જ આવે છે. કેટલાંક લોકોને ગયા બુધવારે કંઇક જુદું જ જોવા મળ્યું. પત્રકારોના સવાલોથી ઘેરાયેલા વાઘાણી જવાબ આપવામાં મુંઝાયાને પછી કોરોનાના મોતની સંખ્યામાં રહેલાં ફરકનો મામલો દેશનો પ્રશ્ન છે તેમ કહી કેન્દ્ર સરકારના માથે ઢોળી તાબડતોબ બહાર નિકળી ગયેલા વાઘાણીને જોઇ લોકો પણ આંખના ઇશારે કાંઇક વાત કરી રહ્યા હતા.

મંત્રીને મહિલા સાથેના કાંડમાં ફસાવવા MP-MLAનો કારસો?!
ગુજરાત સરકારના એક યુવાન મંત્રીનું નામ મહિલા સાથેના સેક્સ કાંડમાં ઉછાળવા માટે તેમના જ વિસ્તારના એક સાંસદ અને ધારાસભ્ય તેમની પાછળ પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ યુવાન મંત્રીને ફસાવવા માટે એક મહિલાને ધારાસભ્ય અને સાંસદે જ વિષકન્યાની માફક મોકલી હતી અને પછી મંત્રીને બ્લેકમેઇલ કરવાનું શરૂ થઇ ગયું હતું. જો કે આ ઘટના ખૂબ જૂની છે જે વખતે આ મંત્રી માત્ર યુવાન ધારાસભ્ય જ હતા, પરંતુ અચાનક જ મંત્રી બન્યા બાદ આ આખી ટોળકી ફરી સક્રીય થઇને મંત્રીને પરેશાન કરવા લાગી છે. હવે આ આખીય ઘટનાથી કંટાળીને મંત્રીએ પ્રદેશ કક્ષાએ અને ત્યાંથી હાઇ કમાન્ડ સુધી વાત પહોંચાડી છે. હવે તાજા સમાચારો મુજબ હાઇ કમાન્ડ આ ધારાસભ્ય અને સાંસદને સાઇડલાઇન કરવાના મૂડમાં છે. જો કે ભાજપના સૂત્રો જણાવે છે કે આ કિસ્સામાં મંત્રીની સામે પણ અંદરખાને તપાસ ચાલી રહી છે, કારણ કે ભાજપ શિસ્ત અને ચારિત્રના મામલે કોઇપણ ગેરરીતિ ચલાવી લેશે નહીં.

કૈલાશનાથન આશ્રમ મામલે સહેજ પણ કૂણાં પડ્યા નથી
ગાંધીજીના પ્રપોત્ર તુષાર ગાંધીએ કરેલી અરજીના પગલે ગુજરાત હાઇકોર્ટમાં ચાલેલા કેસમાં ગુજરાત સરકારે સ્પષ્ટતા કરવી પડી કે ગાંધીજીના સાબરમતી આશ્રમ કેમ્પસમાં કોઇ ફેરફાર કરવામાં નહીં આવે. વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સાબરમતી આશ્રમના નવીનીકરણમાં સરકારને અનેક મુશ્કેલીઓ નડી રહી છે, પરંતુ સરકારની આ બાંયધરી બાદ કોર્ટે કેસનો નિકાલ કર્યો છે. પણ ગુજરાત સરકાર કોઇ સંજોગોમાં આશ્રમની આસપાસ રહેતાં લોકોની માંગ સામે ઝુકવા તૈયાર નથી. આ માટે મોદીએ કૈલાસનાથનને આ પ્રોજેક્ટની તમામ જવાબદારી સોંપી છે. સચિવાલયના અધિકારીઓ જણાવે છે કે કૈલાસનાથન ઝુકવા તૈયાર નથી. આ રહેવાસીઓ આંદોલન કરે તો શું થાય તેવા પ્રશ્નના જવાબમાં સિનિયર અધિકારીએ મુંછમાં હસીને જવાબ આપતો સવાલ કર્યો, પાટીદારોના અનામત આંદોલનનું શું થયું.....

સોનલ મિશ્રા યુરોપ ગયાં, અંજુ શર્મા વર્ચ્યુઅલ રોડ-શો કરશે
ગ્રામ વિકાસ કમિશ્નર સોનલ મિશ્રા વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્રચાર માટે રોડ-શો કરવા માટે યુરોપ પહોંચી ગયાં છે અને અહીં તેમણે ફ્રાન્સ અને નેધરલેન્ડ માટે રોડ-શો યોજી પણ નાંખ્યા અને હાલ યુકેના બર્મિંગહામમાં રોડ-શો યોજી રહ્યાં છે. નાણાં સચિવ જે પી ગુપ્તા પણ અમેરિકા પહોંચી ગયા છે અને તેમણે ત્યાં રોડ-શોની શરૂઆત કરી દીધી છે. સંજોગવશાત કોરોના સંક્રમણની દહેશતને લઇને શ્રમ અને રોજગાર વિભાગના સચિવ અંજુ શર્મા જાપાન અને કોરિયાના રોડશોમાં પ્રત્યક્ષ હાજરી આપવા પહોંચી શક્યાં નથી. પણ હવે તેઓ વર્ચ્યુઅલ રોડ-શો બીજી અને ત્રીજી ડિસેમ્બરે કરવાનાં છે. પરંતુ સચિવાલયના સૂત્રો જણાવે છે કે જો રોડ-શો વર્ચ્યુઅલ જ કરવાનો હોય તો તેમાં રાજ્ય સરકારના અન્ય સિનિયર અધિકારીઓ પણ જોડાઇ શકે છે, એટલે અંજુ શર્માને માથે આ રોડ-શોની જવાબદારી ઓછી થઇ જાય તેવું પણ બને.

રાજકુમારના કિસ્સામાં ઉતાવળ કોણે કરી, રાજ્ય સરકારે કે કેન્દ્રએ
1987 બેચના આઇએએસ રાજ કુમારને કેન્દ્ર સરકારે પેરેન્ટ કેડરમાં પરત મોકલી ગુજરાતની અમલદારશાહીમાં નિયુક્ત કરવા અંગેની મંજૂરી આપી હતી. તે પછી તરત જ રાજકુમાર ગુજરાત આવીને પંકજ કુમારને ખસેડીને મુખ્ય સચિવ બની જશે તે મુજબની વિગતો બહાર આવી હતી. પરંતુ અચાનક જ આ મામલે હવે સાવ શાંતિ પથરાઇ ગઇ છે. એક તર્ક એવો મૂકાઇ રહ્યો છે કે રાજ કુમારને મુખ્ય સચિવ બનાવવાના જ ન હતા અને તેમને અધિક મુખ્ય સચિવ તરીકે જ ગુજરાતમાં સેવા આપવાની હતી. પરંતુ પ્રશ્ન એ થાય છે કે જો આમ જ કરવાનું હતું તો રાજ કુમારને હજુ સુધી ગુજરાત સરકારે નિયુક્તિ કેમ આપી નથી. હવે સવાલો એ ઉઠી રહ્યા છે કે આ મામલે ઉતાવળ કોણે કરી અને હવે ઢીલ કોણ કરી રહ્યું છે. એક તરફ કેન્દ્ર જ ગુજરાતમાં તમામ નિર્ણય લે છે એ વાત જાહેર છે, એટલે રાજકુમારને ગુજરાત પરત મોકલવા માટે ગુજરાત સરકારે કેન્દ્રને દરખાસ્ત કરી હોય તે વાત ગળે ઉતરતી નથી. માટે કેન્દ્ર સરકારે જ રાજકુમારને ગુજરાત મોકલવાનો નિર્ણય લીધો હતો, તો શું આ નિર્ણય લેવામાં કેન્દ્રથી કોઇ ઉતાવળ થઇ ગઇ, કે પછી અડધી રાત્રે બાર વાગ્યે ઓર્ડર કર્યાં બાદ મામલો ગૂંચવાયો હોવાથી હવે નિર્ણય લેવામાં ઠાગાઠૈયા કરૂં છું, ચાંચુડી ઘડાવું છું જેવો ઘાટ સર્જાયો છે. સચિવાલયમાં હાલ ચર્ચા એવી પણ ચાલી રહી છે કે હવે રાજકુમાર જ્યાં સુધી પંકજ કુમાર નિવૃત્ત ન થાય ત્યાં સુધી પાછા જ નહીં આવે. લો કર લો બાત...

હર્ષ સંઘવી રાજ્યમાં હવે નવો ખેલ ખેલશે!!!
હર્ષ સંઘવી આમ તો તેમના ગૃહ વિભાગને લઇને જ ખાસ ચર્ચામાં રહે છે, પરંતુ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે તેમની પાસે રમતગમત, સાંસ્કૃતિક બાબતો અને યુવક સેવા વિભાગનો સ્વતંત્ર હવાલો પણ છે. જેટલું ધ્યાન તેઓ ગૃહ વિભાગના મુદ્દાનું રાખે છે તેટલું જ તેઓ આ વિભાગનું પણ રાખે છે. હવે સંઘવીએ ખેલ મહાકુંભનો મુદ્દો હાથમાં લીધો છે. જેમાં આ વખતે મોબાઇલ એપ્લિકેશન લાવવાનું તેમનું પ્લાનિંગ છે, જેથી ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય રમતોની જેમ તેનું મોનિટરિંગ થાય. આ ઉપરાંત તેઓ હવે ખેલાડીઓને અપાતી રાજ્ય સહાય મામલે પણ ફેરવિચારણા કરવાના મૂડમાં છે. ગુજરાતના વધુ ખેલાડીઓ અને વધુ રમતોને શક્તિદૂત યોજનામાં સમાવીને તેમાં બદલાવ લાવવા ઇચ્છે છે. ટૂંકમાં હવે સંઘવી રાજ ઉપરાંત રમત પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

વાઇબ્રન્ટ આવતા વર્મા અને હુસેન પર જવાબદારી વધશે
ગુજરાત સરકાર આવતાં જાન્યુઆરી મહિને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા જઇ રહી છે. દર વખતે સમિટમાં સરકાર એક વાક્ય પોપટની જેમ બોલી જાય છે કે ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ છે, પણ હવે ચિત્ર એટલું ગુલાબી નથી. આવતાં સમયમાં ઉદ્યોગોને આકર્ષવા માટે અને નવા ઉદ્યોગો આવે તો તેમને આપવા માટે ગુજરાત પાસે વીજળીનું ઉત્પાદન વધુ માત્રામાં હોવું જરૂરી બનશે. આ કિસ્સામાં વર્તમાન ઉર્જા સચિવ મમતા વર્મા અને ઉર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર શાહમીના હુસેન પર મોટી જવાબદારી આવશે. આ બે અધિકારીઓએ વીજળીની માંગને પહોંચી વળવા માટે ખૂબ મગજ કસવું પડશે અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સુધીમાં તેમણે પોતાની તાકાત સાબિત કરવી પડશે. આ કરવામાં સફળ જશે તો આગામી સમયમાં આવનારી બદલીઓ વખતે તેમનું ધ્યાન સરકાર રાખશે, અન્યથા...

કોંગ્રેસમાં નવા નેતા કેટલે, દિવો બળે એટલે...
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અને પેટાચૂંટણીમાં કારમી હારનું ઠીકરું પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પર ફોડીને રાજીનામાં આપી દેવા જોઇએ તેવી વાત કોંગ્રેસના નેતાઓએ જ ખાનગીરાહે ચલાવ હતી. પરિણામે હાલના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ બે વખત તો રાજીનામા આપ્યા, પણ મોવડી મંડળ નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા બાબતે કોઇ ઠોસ નિર્ણય લઇ શકતુ નથી. હવે છેલ્લા એકાદ સપ્તાહથી પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓ એવું કહેવા લાગ્યા છે કે, બે-ચાર દિવસમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતાની જાહેરાત થઇ જશે. નેતાઓની આવી વાતો બાદ પ્રજા પણ કહેવા લાગી છે કે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતાની કેટલે,દિવો બળે એટલે !

હવે આઇએએસ અધિકારીઓને પણ આઇપીએસ જેવી કોમ્બેટ ટ્રેનિંગ અપાશે
કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે ભારતમાં આઇએએસ અધિકારીઓને તૈયાર કરતી મસૂરીની લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં ટ્રેઇનિંગ માટે આવનારા તમામ આઇએએસ અધિકારીઓને આઇપીએસ અધિકારીઓને અપાય છે તેવી કોમ્બેટ ટ્રેઇનિંગ પણ અપાશે. અત્યાર સુધી આઇએએસ અધિકારીઓને માત્ર મગજ કસવા અંગેની જ તાલીમ અપાતી હતી પરંતુ હવે તેમણે શરીર પણ કસવું પડશે. આ ટ્રેઇનિંગમાં દોડવું, કૂદવું, રોપ અને માઉન્ટેઇન ક્લાઇમ્બિંગ, સ્વિમિંગ, ઘોડેસવારી જેવા કૌશલ્યો પણ આઇએએસ અધિકારીઓને શીખવાના રહેશે. ગુજરાત કેડરના સનદી અધિકારી અને વડાપ્રધાન મોદીના ખૂબ નજીકના અધિકારી કે શ્રીનિવાસ અને ગુજરાતના જીએએસ અધિકારી સંજય જોષી હાલ ત્યાં નિયુક્ત થયેલા છે. આ બન્ને અધિકારીઓ નવા આઇએએસ અધિકારીઓને તાલિમ આપી રહ્યા છે. સચિવાલયના સિનિયર બાબુના જણાવ્યા મુજબ આઇએએસ અધિકારીઓ માટે કોમ્બેટ ટ્રેઇનિંગ શરૂ કરાવવાનો આઇડીયા ખૂબ નવો છે પણ જરૂરી છે. અમુક સમયાંતરે તાલીમ માટે જતાં તમામ આઇએએસ અધિકારીઓ માટે પણ આવી કોમ્બેટ ટ્રેનિંગ ફરજિયાત કરાય તો ઘણાં અધિકારીઓ અને તેમાંય મહિલા અધિકારીઓને માફક નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...