ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપને અન્ય પક્ષ સામે લડવા કરતાં પક્ષની અંદર જ લડત આપવી પડે તેવી સ્થિતિ છે. 166 ઉમેદવારો જાહેર થયા બાદ હવે વિરોધનો વંટોળ ચારેકોર ઊભો થયો છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સમગ્ર બાજી હાથમાં લેવા આવ્યા છે તેમ માનવામાં આવી રહ્યું છે. ભાજપની પરંપરાગત વઢવાણ બેઠક પર પણ ભાજપને જાહેર કરેલા ઉમેદવાર બદલવાની ફરજ પડી છે.
વઢવાણ બેઠક પર રાજકીય ડ્રામા
વઢવાણ બેઠક પર બ્રાહ્મણ સમાજના અને વર્ષ 2007થી ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે કાર્યરત જિજ્ઞા પંડ્યાને ભાજપે વઢવાણ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યે હજુ તો ગણતરીના દિવસો જ વીત્યા છે ત્યાં તો એકાએક તેમને બદલી નાખી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણાને ટિકિટ આપી દેવામાં આવી છે. બરોબર ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ જ વઢવાણ બેઠક પર રાજકીય ડ્રામા સર્જાતા લોકો પણ હવે વિચારી રહ્યા છે કે શિસ્તબદ્ધ પાર્ટીમાં આખરે ચાલી શું રહ્યું છે?
જિજ્ઞા પંડ્યાને એકાએક ફોન આવ્યો અને કહ્યું કે કમલમ આવો
જિજ્ઞા પંડ્યાને આજે બપોરના સુમારે એકાએક પાર્ટી કાર્યાલય પરથી ફોન આવ્યો હતો. ફોન પર તેમને તાત્કાલિક ધોરણે કમલમ આવવાનું કહેવાતા તેઓ તરત જ વઢવાણથી ગાંધીનગર આવવા નીકળ્યાં હતાં. સાંજે અંદાજે પાંચેક વાગ્યે તેઓ કમલમ્ પહોંચ્યાં હતાં. પાર્ટીનો આદેશ હતો એટલે તાત્કાલિક ધોરણે તેઓ પૂર્વ ધારાસભ્ય વર્ષા દોષી સાથે ગાંધીનગર આવ્યાં હતાં.
મને કમલમ્ બોલાવીને કહેવાયું એટલે મેં ના કહી: જિજ્ઞા પંડ્યા
વઢવાણ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે અગાઉ જાહેર કરવામાં આવેલાં જિજ્ઞા પંડ્યાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, પાર્ટીના પ્રદેશ આગેવાનોએ મને કહ્યું એટલે મેં ચૂંટણી લડવાની ના કહી દીધી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, પાર્ટીનો આદેશ સર્વોપરી છે અને પ્રધાનમંત્રી તેમજ ભાજપે મને તક આપી તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું.
અમિત શાહે બાજી સંભાળી
રાજ્યમાં ભાજપમાં ઉમેદવારી માટે ઠેરઠેર ભડકો થયો છે ત્યારે આ રોષને ઠારવામાં નિષ્ફળ ગયેલી ગુજરાત પ્રદેશ ભાજપને બદલે હવે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર બાજી સંભાળી છે. કમલમ્ ખાતે તેમની આગેવાની હેઠળ બેઠક ચાલી રહી છે જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી સહિતના નેતાઓ હાજર છે.
રાજેન્દ્ર ત્રિવેદીને પણ ચર્ચા માટે બોલાવાયા
રાવપુરા વિધાનસભા બેઠક પરથી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની પણ ટિકિટ કાપી અને ભાજપે તેમને ઘર ભેગા કર્યા છે. આવા સંજોગોમાં રાવપુરા બેઠક પરથી પણ વિરોધના સૂર જોવા મળી રહ્યો છે અને રાજેન્દ્ર ત્રિવેદીને ટિકિટ આપવા માંગ ઊઠી છે ત્યારે કમલમ્ ખાતે રાજેન્દ્ર ત્રિવેદીને પણ ચર્ચા કરવા માટે બોલાવાયા છે. બેઠક બાદ ખ્યાલ આવશે કે આખરે રાજેન્દ્ર ત્રિવેદીને લોટરી લાગે છે કે પછી ઘરે બેસવાની વારો આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.