વિરોધ પ્રદર્શન:AMCએ છૂટા કરેલા કોન્ટ્રાક્ટ પરના 1100 કર્મીઓ સાથે જીગ્નેશ મેવાણીનો કોર્પોરેશનમાં હલ્લાબોલ

અમદાવાદએક મહિનો પહેલા
જીગ્નેશ મેવાણી સાથે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓની તસવીર
  • મ્યુનિ. કમિશનરે વિરોદના ડરથી જાળી બંધ કરાવીને તાળા મરાવી દીધા

કોરોના કાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1100 જેટલા કર્મચારીઓની કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવામાં આવી હતી. ગત મહિને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ કર્મચારીઓ તાત્કાલિક ધોરણે છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 1100 જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવતા, આજે બપોરે 3.30 વાગ્યે વડગામના અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસ સાથે જોડાયેલા જીગ્નેશ મેવાણી મોટી સંખ્યામાં કર્મચારીઓ સાથે દાણાપીઠ ખાતે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં કર્મચારીઓને ફરજ લેવાની માંગણીની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને વિરોધ પ્રદર્શનની એટલી બધી બીક લાગતી હતી કે, તેઓએ જેવા નીચે કર્મચારીઓ રજૂઆત કરવા આવ્યા કે તેમણે પોતાના બીજા માળની જાળી બંધ કરાવી તાળાં મરાવી દીધા હતા. જેના કારણે તેમના ફ્લોર પર બેસતા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પોતે અંદર ફસાઈ ગયા હતા ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ન પૂરું થાય અને કર્મચારીઓ પરત ન જાય ત્યાં સુધી જાળવી ખોલવામાં આવી ન હતી.

જીગ્નેશ મેવાણી અને છુટા કરાયેલા કર્મચારીઓએ મેયરને મળી આવેદનપત્ર આપ્યું. છુટા કરાયેલા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી તેઓને પરત લેવાની માંગણી કરી હતી. કચેરીના કમ્પાઉન્ડમાં કર્મચારીઓ અને જીગ્નેશ મેવાણી ગયા હતા. તેમજ ભાજપ સરકાર હોંશ મેં આઓ, કર્મચારીઓને પાછા લો, લડેગે જીતેંગે એવા નારા લગાવ્યા હતા.