ચોરી:રિક્ષામાં પિયર જતી મહિલાના 2.31 લાખના દાગીના ચોરાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • નરોડા લઈ જવાને બદલે અધવચ્ચે ઉતારી હતી
  • ડ્રાઇવર, તેના​​​​​​​ બે સાગરીત સામે ફરિયાદ

સાસરિયેથી પિયરમાં પોતાના બાળકો સાથે અમદાવાદ આવી રહેલી મહિલાને શટલ ઓટોરિક્ષામાં બેસાડીને ડ્રાઇવર તથા સાગરીતોએ નજર ચૂકવી રૂ.2.31 લાખના દાગીનાની ચોરી કરી હતી. આ અંગે મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

કલોલ તાલુકાના વાંસજડા ગામમાં રહેતા ઈશાબેન કમલેશભાઈ દેસાઈ તેમના બે સંતાનો સાથે પિયર સૈજપુર નરોડા ખાતે આવવા માટે કલોલ અંબિકાનગર સ્ટેન્ડથી એક ઇકો કારમાં બેઠા હતા. દરમિયાન ઈકોચાલકે તેમને અધવચ્ચે ઝૂંડાલ સર્કલ પાસે ‘મારે કામ છે જવું પડશે’ તેમ કહીને ઉતારી દીધા હતા અને એક રિક્ષાચાલકને બોલાવીને તેમાં બેસાડી દીધા હતા. આ ઓટોરિક્ષામાં પહેલાથી બે અજાણ્યા માણસો બેઠા હતા. દરમિયાન ઈશાબેનને રિક્ષાચાલકે પણ ચાંદખેડા સર્વિસરોડ પર ઉતારી દીધા હતા અને કહ્યું હતું કે, ‘મારે આ બે પેસેન્જરોને આગળ ઉતારવાના છે એટલે તમે નીચે ઉતરી જાવ.’

રિક્ષાચાલકના ગયા બાદ થેલામાં વજન ઓછું જણાતા ઈશાબેને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમના થેલામાં મુકેલા વિવિધ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.2.31 લાખના દાગીના ગુમ થયા હતા. આ અંગે ઈશાબેને તપાસ કરતા રિક્ષાચાલક કે તેના સાગરીતોનો કોઈ પત્તો ન લાગતા અંતે ઈશાબેને આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...