ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે વિચિત્ર પ્રકારનો કેસ નોંધાયો છે. ઘરેણાં ચોરીના કેસમાં થયેલી ફરિયાદ રદ કરવા અરજદારે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે કે તેના મિત્રએ બે કલાક માટે ઘરેણાં સાચવવા આપ્યા હતા પરતું તેને ખબર નહોતી કે આ ઘરેણા ચોરીના છે.તેની સામે ખોટી રીતે ચોરીની ફરિયાદ કરવામાં આવી છે. હાઇકોર્ટે આ અંગે પોલીસને નોટિસ પાઠવી છે.
ઘરેણાં ચોરીના કેસમાં આરોપી એ.એમ શેખે ક્વોશિંગ પીટિશન કરી છે. ફરિયાદ રદ કરવા કરેલી અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે, તે કારખાનામાં સ્ટોરકીપર તરીકે નોકરી કરે છે. તેના પાડોશી મિત્રએ અચાનક તેના ઘરે આવીને કહ્યું હતું કે, તેમના પરિવારમાં ઘરેણાંનો ઝઘડો થતો હોવાથી બે કલાક માટે ઘરેણાં તમે સાચવો પછી બેંકમાં મૂકી આવીશું. મિત્રતામાં ઘરેણા ઘરે સાચવ્યાં હતાં. પરતું બે દિવસ સુધી તેનો મિત્ર મળવા નહીં આવતા તે ઘરે ગયો હતો. ઘરે ગયા બાદ જાણ થઈ હતી કે, તેના મિત્રની ચોરીના કેસમાં પોલીસે ધરપકડ કરી છે.
થોડા દિવસ બાદ પોલીસ એ.એમ.શેખના ઘરે આવી હતી અને ઘરેણા અંગે પૂછપરછ કરી હતી. તેણે ઘરેણાં આપી દેતાં પોલીસે તેની પણ ધરપકડ કરીને ચોરીનો આરોપ લગાવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે તેના મિત્ર પાસેથી બાકી રહેલા મુદ્દામાલ (ઘરેણાં) અંગે પૂછતા તેણે તારી સામે સહચોરીનો આરોપ લગાવ્યો છે. અરજદારની દલીલ સાંભળીને કોર્ટે હળવી રમૂજ કરી હતી કે, દોસ્ત દોસ્ત ના રહા...
સાથે ચોરી કરવા ગયા હોવાનું ખોટું નિવેદન આપ્યું હતું
પોલીસે આકરી પૂછપરછ કરતા મુખ્ય ચોરે તેના મિત્રનું નામ આપી દીધું હતું. તેણે પોલીસને નિવેદન આપ્યું હતું કે, તે અને તેનો મિત્ર સાથે ચોરી કરવા ગયા હતા અને સાથે બેસીને ભાગ પાડવાનો હતો તે પહેલા મિત્ર ઘરેણાં લઇને જતો રહ્યો હતો. તેથી બાકીનાં ઘરેણાં તેના મિત્ર પાસે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.