પતિ-પત્નીની ઠગાઈ:અમદાવાદમાં ગીરવે મુકેલા દાગીના પરત લેવા ગયેલા યુવકને જ્વેલર્સે ખોટા કેસમાં ફસાવી મારી નાંખવાની ધમકી આપી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવા નરોડામાં રહેતા વિનોદભાઈને ધંધામાં પૈસાની જરૂર પડતાં પત્નીના દાગીના ગીરવે મુક્યાં હતાં
  • વિનોદભાઈએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં જ્વેલર્સ પતિ અને પત્ની સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદ શહેરમાં છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યાં છે. કેટલીક એવી પણ ગેંગ સક્રિય થઈ છે જે સોનીની દુકાનમાં દાગીના ખરીદવા જાય છે અને બાદમાં દાગીનાની ચોરી કરીને ફરાર થઈ જાય છે. પરંતુ આ વખતે અવળી ગંગા જોવા મળી છે. શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતા યુવકને પૈસાની જરૂર પડતાં તેણે પત્નીના દાગીના સોનીને ત્યાં ગીરવે મુકીને પૈસા મેળવ્યા હતાં. પૈસાની સગવડ થઈ જતાં યુવક પત્નીના દાગીના છોડાવવા સોનીના ત્યાં પહોંચ્યો હતો. પરંતુ દાગીના આપવાની ના પાડીને સોની દંપતીએ યુવકને મારી નાંખવાની ધમકી આપી હતી. યુવકે આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

યુવકે પત્નીના દાગીના ગીરવે મુકી 2.37 લાખ રૂપિયા લીધા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરના નવા નરોડામાં રહેતો યુવક ક્રેન ભાડે આપવાનો વ્યવસાય કરે છે. થોડા દિવસો પહેલાં જ તેમને પૈસાની જરૂર પડી હતી. તેમણે સૈજપુર બોગા પાસે નિખિલ સોનીની દુકાને ગયાં હતાં. જ્યાં યુવકે તેમની પત્નીના સોના-ચાંદીના દાગીના ગીરવે મુકીને 2.37 લાખ રૂપિયા લીધા હતાં. સમય જતાં યુવક પાસે પૈસાની સગવડ થતાં જ તેઓ નિખિલ સોનીની દુકાને દાગીના છોડાવવા માટે ગયાં હતાં.

કૃષ્ણનગર પોલીસે સોની વેપારી સામે તપાસ શરૂ કરી ( ફાઈલ ફોટો)
કૃષ્ણનગર પોલીસે સોની વેપારી સામે તપાસ શરૂ કરી ( ફાઈલ ફોટો)

સોનીએ યુવકને મારી નાંખવાની ધમકી આપી
યુવકે નિખિલ સોનીને દાગીના પરત આપવા જણાવતાં નિખિલે યુવકને કહ્યું હતું કે, બે ત્રણ દિવસ રહીને દાગીના લઈ જજો. જેથી યુવક પરત ઘરે જતાં રહ્યાં હતાં. થોડા દિવસ રહીને યુવકએ ફરીવાર નિખિલ સોનીને ત્યાં જઈને દાગીના માંગ્યા હતાં. પરંતુ નિખિલ અને તેની પત્ની સીમાએ દાગીના આપવાને બદલે યુવકને દાગીના નહીં મળે એમ કહીને મારી નાંખવાની ધમકી આપી હતી. હવે દાગીના લેવા આવશો તો ખોટા કેસમાં ફસાવી દઈશ તેવું પણ કહ્યું હતું. જેથી યુવક ગભરાઈને ઘરે જતો રહ્યો હતો.

પોલીસે ગુનો નોંધીને સોની સામે તપાસ હાથ ધરી
યુવકેએ ઘરે પોતાની પત્નીને આ બાબતની જાણ કરી હતી. બાદમાં તેમણે સોની નિખિલ અને તેની પત્ની સીમા સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવકની ફરિયાદ નોંધીને સોની સામે વધુ તપાસ હાથ ધરી છે.