છેતરપિંડીની ફરિયાદ:અમદાવાદના ભંગારના વેપારીઓને જામનગરના ગઠિયાએ 30 લાખનો ચૂનો લગાવ્યો

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ગઠીયાએ જામનગરના જે ફર્મ પર માલ મંગાવ્યો હતો, તે ફર્મ તો આઠ વર્ષથી બંધ હતી અને માલિક પણ બીજો વ્યક્તિ હોવાનું સામે આવ્યું હતું.

ઓઢવ વિસ્તારમાં રહેતા ફુલાજી ગોવાજી પ્રજાપતિએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં શબ્બીર સામે ઠગાઇ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેઓ રખિયાલ ચકુડીયા મહાદેવ રોડ પર અરવિંદ સ્ટીલ નામથી ભંગાર લે વેચનો હોલસેલનો ધંધો કરે છે. ફુલાજીના કૌટુંબિક વેવાઇ ભરતભાઇ પ્રજાપતિ ચાંદલોડિયા ખાતે રહે છે અને દોઢ વર્ષથી ભાગીદારીમાં બન્ને ધંધો કરે છે.

ભરતભાઇ 15 એપ્રિલ 2022ના રોજ રખિયાલ ક્રોસ રોડથી 4872 કિલો બ્રાસનો ભંગાર દુકાને લાવ્યા હતા. ત્યારે ભરતભાઇએ ફુલાજીને જણાવ્યું હતું કે, મારા એક જુના ઓળખીતા જામનગરના સબ્બીરભાઇ ખીરા છે અને તેમની સાથે મારે છેલ્લા પાંચ વર્ષથી સારો સબંધ છે. તેમણે ભંગાર ખરીદવાનું કહ્યું છે. ઉપરાંત મે તેમને અગાઉ પણ માલ વેચ્યો છે. જેથી બ્રાસનો માલ વેચવો હોય તો હું તેમની સાથે વાત કરું. જેથી ફુલાજીએ હા પાડી હતી.

આ મામલે શબ્બીરભાઇ સાથે વાત થતા તેમણે ભાવ પુછતા 529.50 જીએસટી સાથે ભાવ કહ્યો હતો. ત્યારે તેમણે માલ ખરીદવા હા પાડી હતી. ઉપરાંત શબ્બીરે જેટલો બ્રાસનો માલ પડ્યો હોય તેટલો આપી દો. હું આરટીજીએસથી પેમેન્ટ મોકલી આપીશ તેવો વિશ્વાસ આપ્યો હતો. જેથી 4872 કિલો બ્રાસનો માલ 529.50ના ભાવે એટલે 30.44 લાખ રૂપિયાનો માલ ટ્રાન્સપોર્ટ સર્વિસ મારફતે મોકલી આપ્યો હતો. તે માલ મળ્યા પછી પણ શબ્બીરભાઇએ ત્રણ ચાર દિવસ સુધી પેમેન્ટ મોકલ્યું ન હતું. જેથી તેને ફોન કરતા બીજા ત્રણ દિવસમાં પેમેન્ટ મોકલી આપીશ તેવું શબ્બીરભાઇએ જણાવ્યું હતું.

પછી થોડા દિવસ સુધી રાહ જોયા બાદ પણ પેમેન્ટ ન આવતા ભરતભાઇએ શબ્બીરને ફોન કર્યો હતો. પરંતુ તે ફોન બંધ આવ્યો હતો. ઉપરાંત જ્યારે ફોન ચાલુ હોય ત્યારે તે ફોન ઉપાડતો ન હતો. જેથી ફુલાજી અને ભરતભાઇ જામનગર જઇ તપાસ કરી હતી. ત્યારે જે જગ્યાએ માલ મોકલ્યો હતો, તે ફર્મ તો 8 વર્ષથી બંધ હોવાનું બહાર આવ્યું હતું. જેનો માલિક પણ શબ્બીર નહીં પરંતુ કોઇ વિપુલ પટેલ હોવાનું સામે આવ્યું હતું. જેથી બન્નેને ઠગાયાનો અહેસાસ થયો હતો. ઉપરાંત શબ્બીરે ફોન બંધ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...