15 વર્ષથી શાળા બંધ:જમાલપુરની 55 વર્ષ જૂની વસંત રજબ સ્કૂલ વિદ્યાર્થીઓ ના મળવાને લીધે બંધ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલની બિલ્ડિંગની આગળ રહીશોએ દબાણ કરી દીધા છે અને પાછળ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી છે

શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી વસંત રજબ માધ્યમિક શાળા છેલ્લા 15 વર્ષથી બંધ હાલતને લઈને બિસમાર બની છે. જમાલપુર રાયખડ સેવાસંઘ દ્વારા સંચાલિત આ સ્કૂલ 55 વર્ષ જૂની છે પણ ઓછી સંખ્યાને લીધે છેલ્લા 15 વર્ષથી સ્કૂલ બંધ છે. બીજી તરફ સ્કૂલના બિલ્ડિંગની આગળ આસપાસના રહીશોએ દબાણ કરી દીધા છે. કોઈ કપડાં સૂકવે છે તો કોઈ બિલ્ડિંગની પાછળની તરફ ગેરકાયદેસર કામ કરે છે. સ્કૂલ બંધ હોવાને લીધે તે વિસ્તારના કેટલાક સામાજિક કાર્યકર અને સ્કૂલના સ્થાપકના પરિવારજનોએ પણ આ સ્કૂલ ફરી શરૂ થાય તેવી માગણી કરી છે.

સતત રજૂઆતોનું પણ કોઈ પરિણામ નથી
સ્કૂલ 15 વર્ષથી બંધ છે તે અંગે અત્યાર સુધીમાં શિક્ષણ અધિકારીથી લઈને ગાંધીનગર સુધી અનેક વખત રજૂઆતો કરી છે પણ તેનું કંઈ પરિણામ મળ્યું નથી. સંખ્યા ઓછી હોવાથી સ્કૂલ બંધ કરી છે તેવું કારણ ધરીને આ સ્કૂલ બંધ કરાઈ છે. જો તેને સત્વરે કાર્યરત કરવામાં આવે તો બાળકોના શોરબકોરથી આ બિલ્ડિંગ ફરીથી જીવંત બનશે. - શારીક કાદરી, ફાઉન્ડર સૈયદ કાદરીના પુત્ર

સ્કૂલ પાછળ દારૂનું વેચાણ થઈ રહ્યું છે
55 વર્ષ જૂનું આ સ્કૂલનું બિલ્ડિંગ કાર્યરત ન હોવાથી ખંડેર જેવું બન્યું છે. અહીં લોકો ફૂટપાથની જેમ તેનો ઉપયોગ કરે છે. કોઈ કપડાં સૂકવે છે તો કોઈએ અહીં પોતાનું રહેવાનું મુકામ બનાવ્યું છે. જોકે, હદ તો ત્યારે થાય છે જ્યારે સ્કૂલની પાછળ દારૂનું વેચાણ થાય છે. આમ આ સ્કૂલનું બંધ બિલ્ડિંગ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની છે. - બુરહાનુદ્દીન કાદરી, સામાજિક કાર્યકર

અન્ય સમાચારો પણ છે...