સુનાવણી:નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી બે યુવતીઓ મામલે જમૈકાની સરકારે સ્થાનિક પોલીસને લખેલો પત્ર હાઈકોર્ટમાં રજુ કરાયો

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમૈકાની પોલીસે બંને યુવતીઓને માનવ તસ્કરી હેતુથી લાવવામાં આવી હોવાની શંકા વ્યકત કરી

અમદાવાદના નિત્યાનંદ સ્વામીના આશ્રમમાંથી બે યુવતી ગુમ થવાના મામલે જમૈકાની સરકારે સ્થાનિક પોલીસને લખેલા પત્રને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં જમૈકાની પોલીસે આ બંને યુવતીઓ માનવ તસ્કરી હેતુથી ત્યાં લાવવામાં આવી હોવાની શંકા વ્યકત કરી હતી. આ બાબતે હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરતા બાબતને ગંભીર ગણાવી હતી. ઉપરાંત કોર્ટના વારંવાર કહેવા છતાંય યુવતીઓ કોર્ટ સમક્ષ હાજર ન થતાં પણ નારાજગી વ્યક્ત કરી છે.

ગુમ થયેલ યુવતીઓના વલણ સામે કોર્ટે ગંભીરતાથી લીધી
ગુજરાત હાઈકોર્ટે નિત્યાનંદ આશ્રમ માંથી ગુમ થયેલ યુવતીઓના વલણ સામે કોર્ટે ગંભીરતાથી લીધી છે. અવારનવાર બન્ને યુવતીઓને તેઓ ઇચ્છે ત્યાંથી કોર્ટ સમક્ષ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.પરંતુ તેમ છતાં તેઓ હાજર નથી થતી. જેથી કોર્ટે આ બાબતને ગંભીરતાથી લીધી છે. એટલું જ નહિ યુવતી વતી હાજર રહેતા વકીલે પણ નિવેદન કર્યું કે તેઓ યુવતિઓને મેઇલ કરી સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ મેઇલનો કોઈ જવાબ નથી મળી રહ્યો.

બ્લુ કોર્નર નોટિસ સંદર્ભે કાર્યવાહી કરવા માટે પણ ટકોર કરી
હાઈકોર્ટે બંને યુવતીઓ સામે ફરીથી બ્લુ કોર્નર નોટિસ સંદર્ભે કાર્યવાહી કરવા માટે પણ ટકોર કરી છે. અગાઉ બંને યુવતીઓએ ઈન્ટરપોલને ગેરમાર્ગે દોરી હોવાની વિગત પણ સામે આવી છે. આ મામલે વધુ સુનાવણી ગુરુવારે હાથ ધરવામાં આવશે.