ઉજવણી:​​​​​​​જલઝીલણી એકાદશીની શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર, ભુજ તથા કડીમાં ઉજવણી કરાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠાકોરજીને મનોરમ્ય નૌકામાં બેસાડી વિશાળ જળપાત્રમાં પધરાવાયા

આજે જળઝીલણી એકાદશીનો મંગલ ઉત્સવ સ્વામિનારાયણબાપા અને વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાન્નિધ્યમાં તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં ભવ્યતા અને દિવ્યતાસભર ભક્તિભાવથી ઊજવવામાં આવ્યો હતો.

જેમાં વિશાળ જળપાત્રમાં મનોરમ્ય નૌકામાં શ્રી ઠાકોરજીને પધરાવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે જળવિહાર કરતા શ્રી ઠાકોરજીનાં દર્શન અને પ્રાર્થના કરી હતી. ભક્તિભાવપૂર્વક શ્રી હરિકૃષ્ણ મહારાજ – શ્રી ઠાકોરજીને જળવિહાર કરાવી રહેલા આચાર્ય સ્વામીજી મહારાજના દર્શને સંતો-ભક્તોનાહૈયે સદાયને માટે દિવ્યતાનાં આંદોલનો પ્રસરાવી દીધાં હતાં.

આમ, જળઝીલણી એકાદશીના પર્વે સૌએ પુષ્પાંજલિ અને આરતી અર્પણનો લાભ લીધો. સમગ્ર વાતાવરણ મંગલમય બની ગયું હતું. ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરની જેમ ભુજ-કચ્છ તેમજ કડીમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરે પણ મહંત સદ્ગુરુ શ્રી સ્વસિદ્ધચરણદાસજી સ્વામી તેમજ મહંત શ્રી યોગેશ્વરદાસજી સ્વામી આદિ પૂજનીય સંતો સહ જળઝીલણી એકાદશી અનેરા મહાત્મ્યસભર ઉજવણી કરવામાં આવી હતી.

દેવશયની (અષાઢ સુદ) એકાદશીથી દેવઊઠી (કારતક સુદ) એકાદશી સુધી સતત ચાર માસને ચાતુર્માસ કહેવાય છે. દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે તેથી આ એકાદશીને દેવશયની એકાદશી કહી છે. ભાદરવા સુદ- એકાદશીએ ભગવાન પડખું ફેરવે છે. તેથી આ એકાદશીને પાર્શ્વવર્તીની એકાદશી કહેવાય છે. આ એકાદશીને જળઝીલણી એકાદશી પણ કહેવાય છે. આ એકાદશીનું શાસ્ત્રોક્ત દ્રષ્ટીએ મહત્વ જણાવતાં પંચરાત્રની અનંતસહિતાના દસમાં અધ્યાયમાં લખ્યું છે કે,' ભાદરવા સુદ એકાદશીના દિવસે ભગવાનને 1001 કળશથી નવા જળનો અભિષેક કરવો જોઈએ.'