તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવસાન:જૈનાચાર્ય શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા કાળધર્મ પામ્યા, પાલડીમાં પાલખી–અંતિમયાત્રા નીકાળી તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરાયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જૈનાચાર્ય વૈરાગ્યદેશનાદક્ષ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પાલખી –અંતિમયાત્રા - Divya Bhaskar
જૈનાચાર્ય વૈરાગ્યદેશનાદક્ષ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પાલખી –અંતિમયાત્રા

જીવનના નવમા દાયકાના આરે પહોંચેલ મહાન જૈનાચાર્ય વૈરાગ્યદેશનાદક્ષ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ગઈકાલે રાતે 2.42 વાગે સકળ શ્રીસંઘની અરિહંતની ધૂન સાથે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આજે શાહી સન્માન સાથે એમની પાલખી –અંતિમયાત્રા અમદાવાદ – વાસણા-ગોદાવરી જૈન સંઘ ખાતેથી નીકળી. પાલડીના મુખ્યમાર્ગોથી ફરીને પરિમલ પ્રેમકુંજ મુકામે તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરાયો.

70 વર્ષની વયે ગામે ગામ પગપાળા લોકોપકાર કર્યો
જૈનાચાર્યશ્રીએ લગભગ 1000 જેટલા પ્રાચીન શાસ્ત્રોનો ઉદ્ધાર કરવા માટે તેમનું શ્રેષ્ઠ કક્ષાનું પ્રકાશન કરાવ્યું હતું. સ્વહસ્તે શતાધિક પુસ્તકોનું લેખન કર્યું હતું. પોતાના 70 વર્ષના વિરાટ સંયમ જીવનમાં ગામે ગામ પગપાળા જઈને લોકોપકાર કર્યો હતો. અને કિશોર વયે ભારતની આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધો હતો. ભારતની આઝાદીનો સાચો ઈતિહાસ ગણતરીની મિનિટોમાં તેઓશ્રી સમજાવી શકતા, જે આજે ડિગ્રી લેનારાને ય ખબર હોતી નથી.

જૈનાચાર્ય વૈરાગ્યદેશનાદક્ષ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની ફાઈલ તસવીર
જૈનાચાર્ય વૈરાગ્યદેશનાદક્ષ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની ફાઈલ તસવીર

જીવનભર સંદેશ આપ્યો, સુખી જીવનનો ઉપાય અહિંસા જ છે
પૂરા 55 શ્રમણોના ગુરુપદે રહેલા આ જૈનાચાર્યશ્રીએ પોતાની સંયમસાધનાની સાથે સાથે જીવનમાં જે ઊંડાણભર્યા કાર્યો કર્યા છે, તેની બાબતમાં મોટા ભાગની દુનિયા અજ્ઞાત છે. મહાપુરુષોને પ્રસિદ્ધિની કશી જ પડી હોતી નથી, પ્રસિદ્ધિ –ભૂખ્યા હોય, તેઓ કદી મહાન કાર્યો કરી શકતા નથી. પ.પૂ. હેમચન્દ્રસૂરીજી નું એક વિરાટ સ્વપ્ન હતું, હિંસામુક્ત વિશ્વ. આખા વિશ્વમાંથી બધી પ્રકારની હિંસાઓ નાબૂદ થઇ જાય તે માટે રોજ 1 મિનિટ પ્રાર્થના કરવી, પોતે જોડાવું, બીજાને જોડવા. આચાર્યશ્રી હિંસાના તાંડવથી ખૂબ વ્યથિત હતા. સુખી જીવનનો ઉપાય અહિંસા જ છે, આવો સંદેશ તેઓ જીવનભર આપતા રહ્યા હતા. આપણે આપણા જીવનમાં એ સંદેશને જીવંત બનાવીએ, એ જ એ મહાપુરુષ પ્રત્યે સાચી શ્રધાંજલિ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...