• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Jainacharya Ratna Sundarji Said Government Has Settled Only 3 Issues And Has Not Yet Accepted 16 Issues, Take Strict Action Against The Miscreants

રત્નસુંદરસૂરિજીનો આક્રોશ:'સરકાર 3 મુદ્દાનું જ સમાધાન લાવ્યા, પણ હજુ 16 મુદ્દા સ્વીકાર્યા નથી, અડપલાં કરનારા દુષ્ટો સામે કડક કાર્યવાહી કરો'

અમદાવાદએક મહિનો પહેલાલેખક: આનંદ મોદી

હજુ અલ્પવિરામ છે; અમે પૂર્ણવિરામ ઇચ્છીએ છીએ. અમે આક્રમક નથી, પરંતુ એનો મતલબ એવો પણ નહીં કે એટલો વિલંબ ના થઈ જાય કે જે વસ્તુ માટે વિલંબ કરી રહ્યા છે એ જ ખતમ થઈ જાય. અમારા ઘરમાં ઘૂસીને કોઈ ચોરી કરે તો અમને રક્ષણ આપવાની જવાબદારી સરકારની છે. દુષ્ટ સામે જે કાર્યવાહી કરવાની થતી હોય એ સરકાર કરે. અમારે કોઈનું કંઈ લેવું નથી, પરંતુ અમારું જે છે એ અમને પરત આપો, આ શબ્દો છે જૈન સમાજના જૈનાચાર્ય રત્નસુંદરસૂરિજીના. શત્રુંજય પર્વત પર જે મુદ્દે જૈન સમાજમાં રોષ છે એ મુદ્દાને લઈને સમાજના મોટા જૈનાચાર્યએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી.

રત્નસુંદરસૂરિજી જૈન સમાજના જૈનાચાર્ય છે. તેમણે ખૂબ જ નાની ઉંમરમાં દીક્ષા લઈ લીધી હતી. યુવાઓમાં મોટિવેશનલ સ્પીકર તરીકે પણ તેઓ ઓળખ્યા છે. તેમણે અત્યારસુધીમાં 400 જેટલી બુક લખી છે. દેશભરમાં તેઓ અનેક જગ્યાએ વ્યાખ્યાન આપી ચૂક્યા છે. રત્નસુંદરસૂરિજીને કેન્દ્ર સરકારનું પદ્મશ્રી સન્માન પણ મળી ચૂક્યું છે. રાજકીય નેતાઓ પણ તેમના આશીર્વાદ મેળવવા માટે આવતા હોય છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જૈનાચાર્ય રત્નસુંદરસૂરિજીએ કેટલાક સવાલના જવાબ આપ્યા હતા.

સવાલ- કયા મુદ્દાઓને લઈને સમાજમાં રોષ છે?
જવાબ-
નાના-મોટા 19 મુદ્દા છે, જેને લઈને સરકારને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ શત્રુંજય પર્વતના દેરાસરના એક ભાગમાં ભગવાનનાં પગલાં સાથે કોઈએ ચેડાં કર્યાં છે, જેની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે એ મુખ્ય મુદ્દો છે. આ મુદ્દાને લઈને જૈન ધર્મ આક્રમક થયો નથી, પરંતુ તમારા ઘરમાં કોઈ ચોરી કરે તો પોલીસે રક્ષણ કરવાની જવાબદારી છે, જેથી જૈન સમજે એ માટે સરકાર પાસે માગણી કરી છે.

સવાલ- શત્રુંજય તીર્થધામ જૈન ધર્મ માટે કેટલું પવિત્ર છે?
જવાબ-
શત્રુંજય પર્વત કરોડો વર્ષ જૂનો છે. કોઈપણ વસ્તુ કે ભાવ સાથે તેનું સંતુલન થાય એમ નથી. જૈન સમાજની શ્રદ્ધા, વિશ્વાસ, પવિત્રતા અને પ્રેમનું કેન્દ્ર છે. અબજો રૂપિયા તથા અબજો દિવસોનું બલિદાન ભગવાનનાં ચરણોમાં લોકોએ આપ્યું છે. શત્રુંજય માટે તપ અને ત્યાગ પણ કરવામાં આવ્યાં છે. શત્રુંજય પર પગ મૂક્તાં પાવન થઈ જવાય છે. વ્યક્તિનાં પાપ દૂર થઈ જાય છે, તો એવા તીર્થમાં કોઈ પાપીએ અડપલું કર્યું છે એનાથી દિલ દુઃખે છે. સરકારને ખબર પડે એ માટે જ રેલી યોજવામાં આવી હતી. સરકારે વચન પણ આપ્યું છે, પરંતુ 19 મુદ્દામાંથી 3 મુદ્દા પર સમાધાન થયું છે, હજુ 16 બાકી છે. હજુ અલ્પવિરામ છે, અમે પૂર્ણવિરામ ઇચ્છીએ છીએ.

સવાલ- અલ્પવિરામ શા માટે અને પૂર્ણવિરામ ક્યારે કહેવાય?
જવાબ-
અલ્પવિરામ એટલે 3 મુદ્દા પર સરકારે માગ પૂરી કરી છે, જેનો અમને આનંદ છે. હજુ 16 મુદ્દા સ્વીકાર્ય નથી. અમને સરકારથી આશા છે કે સરકાર અમારા મુદ્દા સ્વીકારશે.

સવાલ- જે લોકોએ કૃત્ય કર્યું છે, તેમની સામે પગલાં લેવા જોઈએ કે નહીં?
જવાબ-
કોઈપણ વ્યક્તિને સજા આપવાનું કામ અમારું નથી. સરકાર અને કાયદો સજા આપવાનું કામ કરશે. અમે એમ નથી કહેતા કે કોઈને ફાંસીએ ચઢાવી દો. અમને અમારું ઘર સુરક્ષિત આપો. જે દુષ્ટ દ્વારા અડપલાં કરવામાં આવ્યાં છે તેની સામે કાયદેસરની જે કાર્યવાહી કરવાની થતી હોય એ કરો. સરકારનું કામ દંડ આપવાનું છે, તે દંડ કરે. ભવિષ્યમાં ફરીથી કોઈ અડપલાં ના થાય એની અમને સરકાર ખાતરી આપે.

સવાલ- ખનન થાય છે તો એ રોકવું જોઈએ કે નહીં?
જવાબ-
ખનન અંગે અમારા ધ્યાનમાં આવ્યું છે. કોઈએ ખોદકામ કરીને નીચે રિસોર્ટ બનાવ્યું છે, એ એક મુદ્દો છે. 3 મુદ્દા પર સમાધાન થયું છે. ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ પર અમને વિશ્વાસ છે અને ખનન મુદ્દે પણ સ્વીકારીને સમાધાન કરવામાં આવશે.

સવાલ- જૈન સમાજ શા માટે ઉગ્ર થયો અને એકતા બતાવી?
જવાબ-
જ્યારે કોઈ કટોકટીનો સમય આવે ત્યારે ઘરના ભેગા થાય જ છે. અમારી આક્રમકતા નથી, અમારે માત્ર ન્યાય જોઈએ છે. સરકાર સામે આશા છે કે સાચનું રક્ષણ કરવામાં આવશે. જૈન સંઘ શાંત છે આક્રમકતામાં માનતું નથી, જેથી રેલી યોજીને જૈન સંઘે સરકાર સુધી વાત પહોંચાડી છે.

સવાલ- જૈન સમાજની માગણીઓ નહીં પૂરી કરાય તો શું કરશો?
જવાબ-
અમારી માગણીઓ જરૂરથી પૂરી કરવામાં આવશે. સરકાર કરશે, પરંતુ તાત્કાલિક સરકાર કોઈ નિર્ણય ના કરે. તપાસ કરીને સરકાર દ્વારા પ્રક્રિયા કરવામાં આવશે. આક્રમકતા નથી, પરંતુ વિલંબ એવો ના થવો જોઈએ, જેના કારણે અમે વિલંબ ઇચ્છીએ એ જ ખતમ થઈ જાય. ડીલ ઇઝ ડેન્જર. રોગ કાબૂમાં આવવો જોઈએ, પરંતુ ડોકટર એમ કહે કે 6 વર્ષ થશે, તો દર્દી મરી જાય, પરંતુ અમારે તો દર્દી જીવે. તંદુરસ્ત રહે તથા રોગ કાબૂમાં આવે એવું જોઈએ છે.

અન્ય સમાચારો પણ છે...