જામીન અરજી:રાજદ્રોહના કેસમાં 3 મહિનાથી જેલમાં બંધ અલ્પેશ કથીરિયાના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા

અમદાવાદ3 મહિનો પહેલા
અલ્પેશ કથીરિયાની ફાઈલ તસવીર.
  • તેની સાથે 12 આરોપીને અગાઉ સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા

ગુજરાત હાઈકોર્ટેમાં અલ્પેશ કથીરિયા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા રાજદ્રોહ કેસમાં હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા. અલ્પેશ કથીરિયા 3 મહિનાથી રાજદ્રોહના કેસમાં જેલમાં હતો. તેની સાથે 12 આરોપીને અગાઉ સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા. એડવોકેટ જનરલે રાજદ્રોહ જેવા ગુનામાં જામીન ના આપવા માટે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી, જેમાં અલ્પેશ કથીરિયાના એડવોકેટ બાબુ માંગુકિયા અને બેલા પ્રજાપતિએ કોર્ટ સમક્ષ અનેક દલીલો કરી હતી અને જામીનની માગણી કરી હતી.

આવતીકાલે અથવા 15 જુલાઈએ જેલ બહાર આવશે
અલ્પેશ કથીરિયાને જો આજે 4 વાગ્યા સુધીમાં જામીન ઓર્ડર મળશે તો તે આવતીકાલે જેલ બહાર આવશે. જો જામીન ઓર્ડર 4 વાગ્યા પહેલાં નહીં મળે તો અલ્પેશ કથીરિયા 15 જુલાઈએ જેલ બહાર આવશે.

'આપ'માં જશે કે નહીં, ચર્ચાઓ શરૂ
અલ્પેશ જેલ બહાર આવ્યા બાદ સુરતમાં રાજકીય માહોલ ગરમાશે. હાલ મોટા ભાગના પાસના કાર્યકરો આમઆદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. હવે અલ્પેશ કથીરિયા આપમાં જશે કે તેને બહારથી જ સમર્થન આપશે એ અંગે જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ કરીને પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા વરછાના પાટીદારોમાં પણ અલ્પેશની જેલ મુક્તિને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ફાઈલ તસવીર.
ફાઈલ તસવીર.

અલ્પેશ કથીરિયા પર એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો
નોંધનીય છે કે 21મીના ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વેલંજામાં પાસના આગેવાન અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં 50થી 60 બાઇક અને કારમાં આવેલા 150થી 200 માણસોનું બીટીપીના કાર્યકરે વીડિયો ઉતારતા પાસના કાર્યકરોએ મારુતિ વાનમાં બેઠેલા બીટીપીના કાર્યકરોને જાતિવિષયક ગાળો આપી લાકડાના ફટકા અને પથ્થરથી માર માર્યો હતો. એ સાથે જ 3000 રૂપિયાની લૂંટ કરી મારૂતિ વાનના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મામલો કામરેજ પોલીસ મથકે પહોંચતાં અલ્પેશ કથીરિયા અને અન્યો સામે એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે કરી હતી ધરપકડ
આ ઘટના અંગે જે-તે સમયે બી.ટી.એસ. કાર્યકરો પૈકી જેકીન સુમન વસાવાએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસે પાસના અલ્પેશ કથીરિયા સહિત 150થી 200ના ટોળા વિરુદ્ધ ધાડ, રાયોટિંગ અને એટ્રોસિટીનો ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણની તપાસ એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. ભાર્ગવ પંડ્યા કરી રહ્યા હતા, જેમાં પોલીસે પાસ આગેવાન અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી હતી.

કોણ છે અલ્પેશ કથીરિયા?
ગુજરાત સરકારે અનેક પાટીદાર નેતાઓ પર 2015માં થયેલાં તોફાનો માટે રાજદ્રોહના કેસ કરી તેમને જેલમાં નાખી દીધા હતા. 2015ના આવા જ એક કેસમાં અલ્પેશ કથીરિયાની 2018માં ધરપકડ કરવામાં આવી હતી. વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથીરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા. હાર્દિક કોંગ્રેસમાં જોડાયા બાદ અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનનનો નવો ચહેરો બન્યો છે.