તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાલો ફરવા...:આબુમાં બોલાશે "જય કૈનાયા લાલ કી", જન્માષ્ટમીની રજા પર દીવથી સાપુતારા સુધી ગુજરાતીઓ મહેરામણ...

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય દિવસોમાં ભાડું 1000 રૂપિયાની આસપાસ હોય તે આજે 2000 રૂપિયા કરી દેવાયું
  • અગાઉથી બુકિંગ માટે ટુર ઓફિસ પર લોકોનો ધસારો જોવા મળ્યો

ગુજરાતના સાતમ-આઠમના તહેવારનું ઘણું મહત્ત્વ છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે કોઈપણ તહેવારની ઉજવણી થઈ શકી નથી. હાલમાં ગુજરાતમાં કોરોના કાબુમાં હોવાથી રાજ્ય સરકારે ઘણી બધી છૂટછાટો જાહેર કરી છે. શાળા-કોલેજ પણ શરૂ થઈ ગયા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ શરૂ કરી દેવાયું છે. ચાલુ વર્ષે સાતમ-આઠમનો તહેવાર મહિનાના અંતે આવ્યો. જોગાનુજોગ ચોથો શનિવાર ત્યારપછી રવિવાર અને સોમવારે જન્માષ્ટમીની જાહેર રજાને કારણે સર્વત્ર મિની વેકેશનનો માહોલ જોવા મળ્યો છે.

છેલ્લા બે વર્ષથી ઘરમાં બંધ રહેલા લોકો આ રજાનો લાભ લઈ રાજ્યના ફરવાના સ્થળે પહોંચી ગયા છે. સાપુતારાથી લઈ પાવાગઢ, અંબાજી, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, દીવ-દમણ તથા પાડોશના રાજ્યોના આબુ અને ઉદેપુર પણ સહેલાણીઓથી ઊભરાઈ રહ્યાં છે. જો કે શનિવારે જ કેન્દ્ર સરકારે તહેવારોની ઉજવણી કરતા સમયે સાવચેત રહેવાની ચેતવણી ઉચ્ચારી છે. દેશમાંથી કોરોનાની ત્રીજી લહેરનું જોખમ હજુ ટળ્યું નથી. આવી પરિસ્થિતિમાં લોકો ભલે હરેફરે પણ કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરે તે જરૂરી છે. રવિવારે દીવનો દરિયાકાંઠો સહેલાણીઓથી ઊભરાઈ ગયો હતો.

છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીએ અનેક તહેવારો પર ગ્રહણ લગાવી દીધું છે. ખાસ કરીને બીજી લહેર સમયે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. જોકે હવે ધીરે-ધીરે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. ગુજરાતમાં હાલમાં 17થી 20 દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે. જેને જોતા હવે સરકાર દ્વારા તહેવારોમાં કેટલાક નિયમો સાથે છૂટછાટ આપી છે. આવતી કાલે જન્મષ્ટમીનો તહેવાર છે. જેને લઈને આજથી જ ગુજરાતીઓ બે દિવસની રજા મળતા પરિવાર સાથે ગોવા-આબુ-સાપુતારા જેવા પ્રવાસન સ્થળો પર ઉમટી પડ્યા છે. ખાસ કરીને ગુજરાતની નજીક આવેલા આબુમાં લોકોની ભીડ વધારે જામી છે. જેના કારણે બે દિવસથી હોટલોના ભાડા પણ ડબલ થઈ ગયા છે.

લોકોએ એક અઠવાડિયા એડવાન્સમાં જ રૂમ બૂક કરાવી દીધા
લોકોએ એક અઠવાડિયા એડવાન્સમાં જ રૂમ બૂક કરાવી દીધા

હોટલના ભાડા ડબલ, વિક પહેલા થયું એડવાન્સ બૂકિંગ
ગુજરાતીઓ સૌથી વધુ હરવા-ફરવાનાં શોખીન હોય છે. ખાસ કરીને તહેવારોની સિઝનમાં તો ફરવાલાયક સ્થળોએ ગુજરાતીઓનો ડબલ ધસારો જોવા મળતો હોય છે. પરંતુ કોરોના સંક્રમણના કારણે ફરવા જવા માટે લોકોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો પણ હવે સ્થિતિ ફરી અનુકુળ થઈ રહી હોવાથી ગુજરાતીઓ ધીમે-ધીમે પ્રવાસનાં આયોજનો કરી રહ્યાં છે. ત્યારે હાલમાં સરકારી તેમજ કેટલીક કોર્પોરેટ કંપનીઓમાં શનિ-રવિ તેમજ સોમવારે જન્માષ્ટમીની રજા હોવાથી કર્મચારીઓ પરિવાર સહિત ટ્યુરિઝમ સ્થળે ઉપડી ગયા છે. ગુજરાતના મોટાભાગના શહેરીજનો માટે બેસ્ટ ટ્યુરિઝમ પ્લેસ ગણાતા આબુમાં છેલ્લા બે દિવસથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જેને લઈને અહીંની હોટલોના ભાડામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. જે હોટલનું ભાડું સામાન્ય દિવસોમાં 1000 રૂપિયાની આસપાસ હોય તે આજે 2000 રૂપિયા કરી દેવાયું છે. તેમ છતા લોકોએ એક અઠવાડિયા એડવાન્સમાં જ રૂમ બૂક કરાવી દીધા હતા.

માઈન્ટને રિલેક્સ કરવા આબુમાં ગુજરાતીઓની ફોટોગ્રાફી
માઈન્ટને રિલેક્સ કરવા આબુમાં ગુજરાતીઓની ફોટોગ્રાફી

આબુની આબોહવામાં ગુજરાતીઓની મોજ
પહેલી અને બીજી લહેર દરમિયાન સંક્રમણની સ્થિતિ ખુબ જ ગંભીર હતી. જેને લઈને અનેકવાર આબુમાં પ્રવાસીઓની એન્ટ્રી બંધ કરી દેવાઈ હતી. તેમજ આબુમાં એન્ટ્રી લેવા માટે RTPCR ટેસ્ટ અથવા વેક્સિન ફરજિયાત કરી દેવાઈ હતી. બીજીતરફ વેપાર-ધંધા બંધ રહેતા લોકો પ્રવાસ યાત્રા ટાળી રહ્યા હતા. પરંતુ છેલ્લા 3-4 મહિનાથી સ્થિતિ સામાન્ય થતા ગુજરાતીઓએ રાહતના શ્વાસ લીધા છે. અને પરિવાર સાથે મજા કરવા માટે રાજ્ય તેમજ રાજ્ય બહારના પ્રવાસન સ્થળો પર જઈ રહ્યા છે. આબુ સિવાય સ્ટેચ્યુ ઓફ યુનિટી, દીવ, દમણ, સાસણ ગીર, સાપુતારા, પોલો ફોરેસ્ટ, ઉદયપુર, જયપુર, કુંભલગઢ, જોધપુર, જૈસલમેર જેવા સ્થળોની પણ મોટાભાગની હોટલો હાઉસફુલ ગઈ છે.

સાપુતારાના ધોધમાં મજા માણતા ગુજરાતીઓ
સાપુતારાના ધોધમાં મજા માણતા ગુજરાતીઓ

તહેવાર પર રિલેક્સ થવા લોકો હરવા-ફરવાનું પસંદ કરી રહ્યાં છે
એક સમય હતો કે કોરોનાના કેસો સતત વધી રહ્યાં હતા. જેના કારણે લોકો ફરવા જવાનું તો દૂર પરંતુ ઘરની બહાર નીકળવાનું પણ પસંદ નહોતા કરી રહ્યાં. પરંતુ આજે બીજી ઘાતક લહેર બાદ પરિસ્થિતિ કાબૂમાં જોવા મળી રહી છે. જેને કારણે સરકાર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સૌરાષ્ટ્ર વાસીઓનો પ્રિય તહેવાર એટલે જન્માષ્ટમીનો તહેવાર. આવતીકાલથી સાતમ-આઠમનો પર્વ શરૂ થઇ રહ્યો છે. ત્યારે આ તહેવાર પર રિલેક્સ થવા લોકો હરવા-ફરવાનું પસંદ કરી રહ્યાં છે. જેને લઇને અગાઉથી બુકિંગ માટે ટુર ઓફિસ પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

સાપુતારા હિલ સ્ટેશનનો વહેલી સવારનો નજારો
સાપુતારા હિલ સ્ટેશનનો વહેલી સવારનો નજારો

કોવિડને કારણે ઘણા ઇન્ટરનેશનલ સ્થળો પર જવું અશક્ય
રાજકોટમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દીપકભાઈ કારિયાએ જણાવ્યું હતું કે, ફરવા લાયક સ્થળોમાં લોકોની પસંદગીની વાત કરીએ તો લોકો હાલમાં ફરવા માટે ઇન્ટરનેશનલ કરતા ડોમેસ્ટિક ટુર વધારે પસંદ કરી રહ્યાં છે. કારણ કે કોવિડને કારણે ઘણા ઇન્ટરનેશનલ સ્થળો પર જવું શક્ય નથી તો જ્યાં જઇ શકાય છે ત્યાં કડક નિયમો હોવાને કારણે વિદેશ ફરવાનું લોકો ટાળી રહ્યાં છે. આથી ડોમેસ્ટિક ટુર પસંદ કરી રહ્યાં છે. ડોમેસ્ટિક ટુરની વાત કરવામાં આવે તો ખાસ ગોવા, સિમલા-મનાલી, કાશ્મીર, લેહ લદાખ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને હરિદ્વાર જેવા સ્થળો વધુ પસંદ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે રાજકોટથી ગોવાની સીધી ફ્લાઇટ શરુ થતા લોકો ગોવા જવાનું પણ વધુ પસંદ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...