તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદિરમાં જમણ:જગન્નાથ મંદિરમાં 1000થી વધુ સાધુ-સંતોનો ભંડારો, 500 લિટરના દૂધપાક સાથે માલપૂઆનો પ્રસાદ પીરસાયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • ગૃહમંત્રી પ્રદીપસિંહ અને વિધાનસભા-અધ્યક્ષે પણ ભંડારામાં પ્રસાદ લીધો
  • મંદિરમાં ચણાનું શાક, પૂરી અને માલપૂઆ બનાવવામાં આવી રહ્યાં છે

ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 144મી રથયાત્રા કાઢવા સરકારની મંજૂરી મળ્યા બાદ સંતો-ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે ભગવાનના રથ માત્ર મંદિર પરિસરમાં જ ફર્યા હતા, પરંતુ આ વર્ષે કોરોના કેસની સંખ્યા ઓછી હોવાને કારણે પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવાની મંજૂરી મળી છે. આજે 1000થી વધુ સાધુ-સંતોને આજે માલપૂઆ અને દૂધપાકનો પ્રસાદ આપવામાં આવ્યો છે. બીજી તરફ, રસોડામાં પણ પ્રસાદની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ગૃહમંત્રી પ્રદીપ સિંહ અને વિધાનસભા અધ્યક્ષે પણ ભંડારામાં પ્રસાદ લીધો છે.

સાધુ-સંતોને માલપૂઆ અને દૂધપાકનો પ્રસાદ
વહેલી સવારથી ભંડારાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ભંડારામાં કાળી રોટી(માલપૂઆ) અને ધોળી દાળ (દૂધપાક)નો પ્રસાદ આપવામાં આવે છે. સવારથી મંદિરના રસોડામાં 500 લિટર દૂધનો દૂધપાક બનાવવામાં આવ્યો છે. ચણાનું શાક, પૂરી અને માલપૂઆ બનાવવામાં આવી રહ્યાં છે. 1000થી વધુ સાધુ-સંતોએ ભગવાનના ભંડારામાં પ્રસાદનો લાભ લીધો. ઉપરાંત કેટલાક મર્યાદિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે

સવારથી મંદિરના રસોડામાં 500 લિટર દૂધનો દૂધપાક બનાવવામાં આવ્યો છે.
સવારથી મંદિરના રસોડામાં 500 લિટર દૂધનો દૂધપાક બનાવવામાં આવ્યો છે.

ગુરુપૂર્ણિમા સુધી રથયાત્રાનો પ્રસાદ વહેંચાશે
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ શુક્રવારે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અલગ રીતે યોજાશે. મંદિર તરફથી અપીલ છે કે લોકો ઘરમાં બેસી રથયાત્રાનો લાભ લે. રથ નિયત કરેલા સમયમાં પરત આવશે. રસ્તામાં કોઈપણ પ્રસાદની વહેંચણી કરવામાં આવશે નહીં. રથ નિજમંદિર પરત ફરશે. ત્યાર બાદ મંદિરમાં મગ, જાંબુ, ખીચડાનો પ્રસાદ આપવામાં આવશે. બપોરે ભગવાન રથમાં પરત આવે ત્યારે લોકો મંદિરમાં આવીને દર્શન કરી પ્રસાદનો લાભ લઇ શકશે. ગુરુપૂર્ણિમા સુધી રથયાત્રાનો મગનો પ્રસાદ વહેંચવામાં આવશે.

10થી વધુ પોળમાં સરસપુરવાસીઓ ભક્તોને ભાવથી જમાડે છે
કોરોના પહેલાંના સમયમાં રથયાત્રાના દિવસે ભગવાનના મોસાળ સરસપુર જ્યારે રથ પહોંચે છે ત્યારે રથયાત્રામાં જોડાયેલા અને અન્ય લોકો માટે ત્યાંની અલગ અલગ પોળમાં સરસપુરવાસીઓ દ્વારા જમણવાર રાખવામાં આવે છે. રથયાત્રાના એક અઠવાડિયા અગાઉથી જ જમણવારની 10થી વધુ પોળમાં તૈયારી કરવામાં આવે છે. પોળમાં 3000થી 20,000 લોકો જમે છે, જેનો સંપૂર્ણ ખર્ચ પણ સરસપુરવાસીઓ દ્વારા જ કરવામાં આવે છે.

ભંડારામાં કાળી રોટી(માલપૂઆ) અને ધોળી દાળ (દૂધપાક)નો પ્રસાદ આપવામાં આવે છે.
ભંડારામાં કાળી રોટી(માલપૂઆ) અને ધોળી દાળ (દૂધપાક)નો પ્રસાદ આપવામાં આવે છે.

રૂડી માનું રસોડું નહિ થાયઃ ધીરુભાઈ બારોટ
સરસપુરમાં સ્થાનિક આગેવાન ધીરુભાઈ બારોટે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દર વર્ષે અમે રથયાત્રા આવે એ અગાઉ જ અલગ અલગ પોળમાં રૂડી માના રસોડાનું આયોજન કરીએ છે. રસોડામાં 1 લાખ કરતાં વધુ ભક્તો માટે રસોઈ બનાવવામાં આવે છે. તમામ ભક્તો માટે પ્રેમ ભાવે અને સ્વખર્ચે રસોઈ બનાવીએ છે, પરંતુ આ વર્ષે સરકારે શરતી મંજૂરી આપી છે, જેથી કર્ફ્યૂ વચ્ચે રથયાત્રા નીકળશે, જેને કારણે આ વર્ષે પણ રસોડું નહિ થાય. જ્યારે મંજુલાબેન ઠાકોરે જણાવ્યું હતું કે દર વર્ષે પોળે પોળે ભગવાનની રથયાત્રામાં આવતા ભક્તો માટે રસોડું કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે રસોડું બંધ રાખવામાં આવ્યું છે અને અમે હવે લોકોને ઘરે ઘરે જઈને રથયાત્રાને દિવસે બહાર ના આવવા માટે સમજાવીએ છે. લોકો ઘરમાં રહીને જ દર્શન કરે.

1000થી વધુ સાધુ-સંતોને આજે માલપૂઆ અને દૂધપાકનો પ્રસાદ આપ્યો.
1000થી વધુ સાધુ-સંતોને આજે માલપૂઆ અને દૂધપાકનો પ્રસાદ આપ્યો.

15 ડ્રોનથી રથયાત્રા પર નજર રખાશે
રથના સમગ્ર રુટ ઉપર અલગ અલગ સ્થળો પર તમામ ગતિવવિધિઓ પર નજર રાખવા 15 ડ્રોન કેમેરા દ્વારા બાજનજર રાખવામાં આવશે. ગૃહમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે રથયાત્રાના નિર્ધારિત રૂટ પર કોઈપણ જગ્યાએ પ્રસાદ વિતરણ કે સ્વાગતવિધિ માટે હોલ્ટ કરવામાં આવશે નહીં.

9 સ્થળે 18 કેમેરા દ્વારા મોનિટરિંગ
રથયાત્રાના રૂટમાં આવતા દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 ડી.સી.પી, 14 એ.સી.પી., 44 પી.આઈ., 98 પી.એસ.આઈ. સહિત હેડ કોન્સ્ટેબલ-પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી/સી.આર.પીના જવાનો બંદોબસ્તમાં રહેશે. આ વિસ્તારમાં 9 સ્થળે લગાડવામાં આવેલા 18 કેમેરા દ્વારા AMC કંટ્રોલરૂમ, પાલડી ખાતે મોનિટરિંગ કરવામાં પણ આવશે, સાથે જ સમગ્ર વિસ્તારમાં સંવેદનશીલ પોઈન્ટ, ધાબા પોઈન્ટ, જર્જરિત મકાનો, ધાર્મિક સ્થળોએ પણ બંદોબસ્ત સાથે વોચ ટાવર, ઘોડેસવાર પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.