બેદરકારી:અમદાવાદ સહિતની ITIમાં લાઈસન્સની પરીક્ષા ન થઈ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શ્રમ-રોજગાર, RTO કચેરીની બેદરકારી
  • લોકો રોજ ધક્કા ખાય છે પણ જવાબ મળતો નથી

શ્રમ-રોજગાર અને આરટીઓ કચેરીની બેદરકારીને લીધે અમદાવાદ સહિત રાજ્યની કેટલીક આઇટીઆઇમાં કાચાની પરીક્ષા લેવાઇ રહી નથી. કામગીરી ચાલે છે કે, નહીં તેની તપાસ કરવાની તંત્ર તસ્દી પણ લેતું નથી. સુભાષબ્રિજ આરટીઓ બી.વી.લિમ્બાચિયાએ કહ્યું કે, પોલિટેકનિક સિવાય કોઇ આઇટીઆઇમાં કામ ચાલતું હોવાની જાણ નથી.

રાજ્ય સરકારની સૂચના બાદ શ્રમ-રોજગાર વિભાગે રાજ્યની વિવિધ આઇટીઆઇમાં ગત 30 મે સુધી વાહનના કાચાં લાઇસન્સની કામગીરી બંધ કરી દીધી હતી. દરમિયાન 31મી મેથી બંધ રાખવાની સૂચના મળે નહીં તો કામગીરી શરૂ કરવા વિભાગ તરફથી તાકીદ કરાઇ હતી. આમ છતાં અમદાવાદની આઇટીઆઇમાં પરીક્ષાની કામગીરી શરૂ કરાઇ નહીં. અરજદારો રોજબરોજ ધક્કા ખાય છે, છતાં સરકારી તંત્ર સંસ્થાઓને કામગીરી શરૂ કરવા સૂચના આપતું નથી. શ્રમ-રોજગાર અધિકારી બી.એસ.ચંપાવતે કહ્યું કે, રાજ્યની તમામ આઇટીઆઇમાં કામગીરી શરૂ થઇ ગઇ છે.

જ્યારે સુભાષબ્રિજ આરટીઓ બી.વી.લિમ્બાચિયાએ કહ્યું કે, શહેરની પોલિટેકનિકમાં પરીક્ષા લેવાઇ રહી છે અન્ય આઇટીઆઇ અંગે જાણકારી નહીં હોવાથી આરટીઓ ઇન્સ્પેક્ટરો તપાસ કરે છે. બીજી તરફ મહિલા અરજદારોએ કહ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે લોકો આઇટીઆઇમાં જઇને ધક્કા ખાય છે અને તંત્ર તપાસ કરવાને બદલે અધ્ધરતાલ જવાબ આપીને બેદરકારી દાખવે છે. આવા અધિકારીઓ સામે સરકારે પગલાં ભરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...