ભૂતકાળમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે રાજેશે 500 એકર જમીનના કિસ્સામાં કરેલા કૌભાંડમાં તથા બંદૂકનું લાઇસન્સ આપવામાં આચરેલી ગેરરીતિને લઈને આ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે. હવે સીબીઆઈએ તેમના કથિત કૌભાંડમાં વચેટિયા રહેલા રફીક મેમણની પણ સુરતથી ધરપકડ કરી છે. એવું પણ જાણવા મળ્યું છે કે કે રાજેશના આ કૌભાંડના તાર જૂની સરકારમાં સૌથી વગદાર એવા મંત્રી સુધી જાય છે અને આગામી દિવસોમાં આ તપાસ તે રાજકીય વ્યક્તિ સુધી પણ લંબાશે.
હકીકત એવી છે કે રાજકોટ પાસે બનનારા ઇન્ટરનેશનલ એરપોર્ટની જમીન સંપાદનના કિસ્સામાં સરકારી જમીનને ખાનગી વ્યક્તિના નામે ચડાવી દઇને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં એ વખતે સૂરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીના ત્રણ અધિકારીની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એ વખતે કલેકટર તરીકે કે રાજેશે જ એસીબીને આ સમગ્ર કેસની તપાસ સોંપી હતી. જોકે એસીબીએ એ તપાસમાં કોઇ મોટી કાર્યવાહી કરી ન હતી અને એના રિપોર્ટમાં પણ કોઈ મોટાં તથ્યો બહાર આવ્યાં ન હતાં.
જોકે ભાજપના જ કેટલાક સ્થાનિક રાજકારણીઓએ કે. રાજેશ વિરુદ્ધ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલને પત્ર લખીને ફરિયાદો કરી હતી કે રાજેશ મહેસૂલી અથવા અન્ય કોઈપણ કામ માટે મોટા પ્રમાણમાં લાંચ લેતા હોવાની ફરિયાદ આ રાજકારણીઓએ સીઆર પાટીલને કરી હતી. ઇરાદાપૂર્વક રાજેશ લાંચની રકમનો કેટલોક હિસ્સો કલેકટરના જિલ્લા વિકાસ ફંડમાં જમા કરાવતો હતો, જેથી કરીને તેના પર સીધી શંકા જાય નહીં, પરંતુ અંદરખાને તે વ્યક્તિઓ પાસે રાજેશ મોંઘીદાટ વસ્તુઓ પણ લેતો રહેતો હતો, જેને લઈને વેપારીઓ તથા રાજકારણીઓ રાજેશ વિરુદ્ધ ખૂબ ગુસ્સે ભરાયા હતા. પાટીલને ફરિયાદ કર્યા બાદ રાજેશ વિરુદ્ધ ખાતાકીય તપાસ પણ સરકાર દ્વારા સોંપવામાં આવી હતી, એ પછી એમાં પ્રથમ દૃષ્ટિએ રાજેશ અમુક રીતે કસૂરવાર હોવાનું અથવા તેમની ભૂમિકા શંકાસ્પદ હોવાની વિગતો બહાર આવી હતી. એને ધ્યાનમાં લઈને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યાલયના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથને અનેકવાર રાજેશને પોતાની સ્વર્ણિમ સંકુલ કચેરીમાં બોલાવીને ચેતવણી અને ઠપકો આપ્યા હતા. જોકે આ પછી પણ રાજેશના વર્તનમાં કોઈ સુધારો આવ્યો ન હતો અને તેણે તેની પ્રવૃત્તિ સતત ચાલુ જ રાખી હતી.
બીજી તરફ, જમીનકૌભાંડ મામલે પણ ખૂબ મોટો ઊહાપોહ થવા લાગ્યો હતો, જેને લઇને સરકાર પર પણ દબાણ સર્જાયું હતું. એને લઈને સરકારે તાત્કાલિક અસરથી રાજેશની બદલી ગૃહ વિભાગમાં કરી હતી. જોકે ગૃહ વિભાગમાં પણ તેની બદલી તેઓ જે કૌભાંડમાં સંડોવાયેલા હોય તેને સંબંધિત ટેબલ પર થતા ફરી આ મુદ્દે સચિવાલયમાં ચણભણાટ શરૂ થયો હતો. રાજેશ પોતાના જ કૌભાંડની તપાસ જાતે કરે એ રીતેની આ વ્યવસ્થા જાણે ગોઠવાઈ હોય એવું હતું. આખરે સરકારને રાજેશને બીજા દિવસે જ સામાન્ય વહીવટ વિભાગમાં વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના સંયુક્ત સચિવ તરીકેની બિન મહત્ત્વની જવાબદારી સોંપવી પડી હતી.
એ પછી પણ રાજેશ વિરુદ્ધ સરકારમાંથી અંદરખાને ખાતાકીય તપાસ તો ચાલુ જ રહી હતી, જોકે આ મુદ્દે સીબીઆઈને હસ્તક્ષેપ કરવો પડયો હતો અને ગુજરાતના જ એક રાજકારણીની રજૂઆતને આધારે કેન્દ્ર સરકારમાંથી જ આ મુદ્દાની તપાસ સીબીઆઇ કરે એવો નિર્ણય લેવાયો હતો. ત્રણ મહિના પહેલાં સીબીઆઈએ ગુજરાત સરકારને જણાવ્યું હતું અને પરવાનગી માગી હતી કે તેઓ રાજેશ વિરુદ્ધ તપાસ અને પૂછપરછ કરવા માગે છે. એ પછી સરકારે આ માટેની મંજૂરી આપી હતી અને એને લઈને જ ગુરુવારે સીબીઆઇની ટીમ ગુજરાતમાં વિવિધ સ્થળે ત્રાટકી હતી, જેમાં ગાંધીનગર ઉપરાંત સુરેન્દ્રનગર અને સુરત સુધી પણ સીબીઆઇની ટીમે સર્ચ-ઓપરેશન હાથ ધર્યા હતા. એ સિવાય રાજેશના મૂળ વતન એવા આંધ્રપ્રદેશના રાજમુંદરીમાં પણ તેમના નિવાસસ્થાન પર સર્ચ-ઓપરેશન કર્યું હતું.
આ દરમિયાન ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અમરેન્દ્ર કુમાર રાકેશે જણાવ્યું હતું કે સીબીઆઇએ આ કિસ્સામાં તપાસ કરતી હોવાથી ગુજરાત સરકારને કોઈ વિશેષ ટિપ્પણી કરવાની રહેતી નથી, પરંતુ સરકારના સેવા અને શિસ્તના નિયમો અનુસાર ધરપકડ થયા બાદ રાજેશને ગુજરાત સરકારે 48 કલાક બાદ સસ્પેન્ડ કરવાના રહેશે. ગુજરાત સરકારનાં સૂત્રો જણાવે છે કે હજુ પણ આ કિસ્સામાં રાજેશ ઉપરાંત અન્ય અધિકારીઓ તથા રાજકારણીઓ વિરુદ્ધ તપાસ સીબીઆઇ જ કરશે. આ મુદ્દાને લઇને ગુજરાતના રાજકારણમાં હાલ મોટો ગરમાવો આવી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.