ચલો સ્કૂલ ચલે હમ:6 મહિના પછી બાળકો સ્કૂલ જશે, ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8નું ઑફલાઇન શિક્ષણ શરૂ

અમદાવાદએક વર્ષ પહેલા
ફાઈલ ફોટો
 • રાજ્યની 30 હજારથી વધુ સ્કૂલોનાં 32 લાખ બાળકોનો અભ્યાસ શરૂ થશે
 • 50% હાજરી સાથે વર્ગશિક્ષણ શરૂ થશે, કોરોના એસઓપીનું પાલન ફરજિયાત
 • વાલીઓએ સંમતિપત્ર રજૂ કરવાનો રહેશે, ઑડ-ઇવન પદ્ધતિથી બાળકો આવશે
 • વિના સહકાર નહીં ઉદ્ધાર: શાળા, વાલી અને વિદ્યાર્થીઓએ આ નિયમોનું પાલન કરવાનું રહેશે

ગુજરાત સરકારે બુધવારે જાહેરાત કરી છે કે રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો આગામી 2 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ જાહેરાત સાથે છેલ્લા કેટલાક દિવસથી ચાલી આવતી અટકળોનો અંત આવ્યો છે. કેબિનેટની બેઠકમાં સ્કૂલોમાં ધો.6થી8નું શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. રાજયની 30 હજારથી વધુ સરકારી,ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાના 32 લાખ વિદ્યાર્થીઓ બીજી સપ્ટેમ્બરે ગુરુવારથી શાળાએ જઈ શકશે.

આગામી બીજી સપ્ટેમ્બરથી રાજ્યની શાળાઓમાં ધો.6થી 8ના વર્ગો શરૂ થશે. જો કે વર્ગમાં કુલ વિદ્યાર્થીઓના 50 ટકાને જ બેસવા દેવાશે. બાળકોને ઑડ ઇવન પદ્ધતિથી હાજર રહેવાની શરતે શૈક્ષણિક કાર્યનો આરંભ થશે. સ્કૂલે જવા માટે બાળકોએ પહેલા દિવસે જ વાલીનું સહમતિપત્ર લાવવાનું રહેશે. ઑફલાઇનની સાથે ઑનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. અગાઉ જુલાઇની શરૂઆતમાં રાજ્ય સરકારે ધોરણ 12 તથા કોલેજ અને ટેકનીકલ ઇન્સ્ટીટ્યુટમાં ઑફલાઇન શિક્ષણકાર્ય શરૂ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લે 18 ફેબ્રુઆરીએ રાજ્યમાં ધો. 6થી 8નું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું પણ કોરોનાની બીજી લહેરના પગલે શિક્ષણકાર્ય બંધ કરાયું હતું.

50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા મંજુરી અપાઈ
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, રાજયમાં 2જી સપ્ટેમ્બરથી શાળાના વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપી દેવાઇ છે. આ સાથે 9થી 12ના વર્ગો ચાલે છે તે પ્રમાણે, સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો પણ પાળવાના રહેશે. સંસ્થાએ હેન્ડ વોશ અને સેનેટાઇઝરની વ્યવસ્થા પૂરી પાડવાની રહેશે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે. સરકાર તરફથી સૂચનાઓનોનું સરકારી અને ખાનગી શાળાઓએ પાલન કરવાનું રહેશે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષક સર્વેક્ષણમાં જેટલા શિક્ષકોએ ભાગ લીધો તે બદલ શિક્ષણપ્રધાને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે આ સર્વેક્ષણમાં 38 ટકા શિક્ષકો હાજર રહ્યા હતા.

26 જુલાઈથી ધોરણ 9થી11ની સ્કૂલો શરૂ કરાઈ હતી.
26 જુલાઈથી ધોરણ 9થી11ની સ્કૂલો શરૂ કરાઈ હતી.

શાળા: દરેક વિદ્યાર્થી માસ્ક પહેરી રાખે એ સ્કૂલની જવાબદારી

 • દરેક વિદ્યાર્થીને બોડી ટેમ્પરેચર ચેક કર્યા પછી જ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે.
 • વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સિંગ મુજબ ગોઠવવાની રહેશે.
 • દરેક વિદ્યાર્થી અચૂકપણે માસ્ક પહેરે તેનું સ્કૂલ મેનેજમેન્ટ ધ્યાન રાખવાનું રહેશે.
 • શાળામાં સેનેટાઇઝર માટે પૂરતી સંખ્યામાં અલગ-અલગ સ્ટેન્ડ રાખવા પડશે.
 • શાળાના પ્રાંગણની અંદર કે બહાર વાલીઓ-વિદ્યાર્થીઓ ટોળામાં ઊભા ન રહે તેની સ્કૂલ દ્વારા કાળજી રાખવામાં આવશે.

58 ટકા વાલીઓએ સંમતિ આપી
કોરોનાની બીજી લહેર હવે ઓસરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર ધોરણ 6થી 8ના વર્ગો ફરીવાર શરૂ કરવા માટે સક્રિય થઈ છે. બીજી તરફ, અમદાવાદની ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રને બાળકોને સ્કૂલે મોકલવા માટે વાલીઓ શું ઈચ્છે છે એ માટે તેમનો સંપર્ક કર્યો હતો. એમાં 58 ટકા જેટલા વાલીઓએ પોતાનાં બાળકોને સ્કૂલે મોકલવાની ઈચ્છા દર્શાવી હતી. બંને સ્કૂલોએ ધોરણ 6થી 8ના વર્ગોના 1,850 વાલીનો સંપર્ક કર્યો હતો, જે પૈકી 1,323એ પ્રતિભાવ આપ્યા હતા. આ પૈકી 58 ટકા એટલે કે 778 વાલીએ સરકારની મંજૂરી મળ્યા પછી પોતાનાં સંતાનોને શાળાએ મોકલવા અંગે તત્પરતા દર્શાવી હતી.

સ્કૂલમાં વિદ્યાર્થીઓને 50 ટકા કેપેસિટી સાથે બોલાવવામાં આવશે ( ફાઈલ ફોટો)
સ્કૂલમાં વિદ્યાર્થીઓને 50 ટકા કેપેસિટી સાથે બોલાવવામાં આવશે ( ફાઈલ ફોટો)

વાલી: બાળકોને ઉતાર્યા પછી ટોળે વળીને ઊભા નહીં રહી શકે

 • સંતાનને સ્કૂલ મોકલવા માટે વાલીએ હસ્તાક્ષર સાથે સંમતિપત્ર આપવું પડશે.
 • બાળકોને શાળાએ પહોંચાડ્યા બાદ બહાર ટોળે વળીને ઊભા નહીં રહી શકે.
 • સ્કૂલે આવતી વખતે દરેક વાલીએ અચૂકપણે માસ્ક પહેરીને આવવું પડશે.
 • બાળકને કોરોનાની ગાઇડલાઇનથી અવગત કરાવીને સ્કૂલમાં પણ તેનું પાલન કરે તેની ધ્યાન વાલીએ રાખવું પડશે
 • એસઓપીના પાલન માટે સ્કૂલના મેનેજમેન્ટને સહકાર આપવાનો રહેશે.

વિદ્યાર્થીઓ : ભૂલ્યા વિના માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન

 • અચૂકપણે માસ્ક પહેરી રાખવાનું રહેશે. માસ્ક વિના શાળામાં પ્રવેશ આપવામાં નહીં આવે.
 • સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. મિત્રો-સહપાઠી સાથે વાતચીત કરતી વખતે અંતર જાળવવાનું રહેશે.
 • ટોળે વળીને વાતો કરવી કે રમતી વખતે માસ્ક નીકળે નહીં એની કાળજી રાખવી પડશે.
 • સ્કૂલમાં પ્રવેશતી વખતે તથા બાદમાં પણ સમયાંતરે સેનેટાઇઝરથી હાથ સાફ કરતા રહેવું.
 • વાલી તથા શિક્ષકો દ્વારા અપાતી દરેક સૂચનાનું ગંભીરતાપૂર્વક પાલન કરવાનું રહેશે.

વાલીઓ બાળકોને સ્કૂલે મોકલતાં અચકાય છે
કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે સ્કૂલો ઑફલાઈન શરૂ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને 50 ટકા કેપેસિટી સાથે ભણાવવામાં આવી રહ્યા છે. વાલીઓને પણ મનમાં ત્રીજી લહેરની ચિંતા સતાવી રહી છે, જેને કારણે તેઓ પોતાનાં બાળકને સ્કૂલમાં ઑફલાઈન અભ્યાસ માટે મોકલવાનું ટાળી રહ્યા છે. વાલીઓએ સરકાર પાસે ઓનલાઇન શિક્ષણમાં જ સારો અભ્યાસ કરાવવા અપીલ કરી છે. બીજી તરફ, સ્કૂલો પર પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં ઓનલાઇન ભણાવવાનું પણ ભારણ વધ્યું છે, જેથી સ્કૂલો પણ વાલીઓને પોતાના બાળકને સ્કૂલે ઑફલાઈન ભણાવવા મોકલવા સમજવી રહી છે.

18 ફેબ્રુઆરીએ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરાયા, પણ માર્ચ બાદ કોરોનાની બીજી લહેર શરૂ થતાં બંધ કરવામાં આવ્યા હતા.
18 ફેબ્રુઆરીએ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરાયા, પણ માર્ચ બાદ કોરોનાની બીજી લહેર શરૂ થતાં બંધ કરવામાં આવ્યા હતા.

ટ્રાન્સપોર્ટેશનને લઈને અવઢવ યથાવત
બાળકોને સ્કૂલ-ઘરે પહોંચાડવા માટે સ્કૂલ વેન, બસ સેવા ફરી શરૂ થશે કે નહીં એ મુદ્દે હજુ અવઢવ યથાવત છે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે આ અંગે કેન્દ્રની એસઓપીનું પાલન કરાશે. જો કે ટ્રાન્સપોર્ટેશન મુદ્દે કોઈ સૂચના નહીં હોવાનું શાળાઓનું કહેવું છે.

સ્કૂલ-કોલેજોમાં વેક્સિનેશન કેમ્પ યોજાશે
રાજ્ય સરકાર આગામી દિવસોમાં તમામ શાળા-કોલેજોમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરશે. 18 વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહિતનો સ્ટાફ તથા તેમના પરિવારજનો આ કેમ્પમાં રસી મેળવી શકશે. રાજ્ય સરકારની કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

ગત 18 ફેબ્રુઆરીએ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થયા હતા.
ગુજરાતમાં કોરોના મહામારીને કારણે સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જાન્યુઆરી બાદ કોરોનાના કેસો નિયંત્રિત થતાં સરકારે ફરીવાર સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગો ગત 18 ફેબ્રુઆરી 2021ના રોજ શરૂ કરવામાં આવ્યા હતા. એ સમયે બાળકોને માસ્ક, સેનિટાઈઝર, ઓક્સિમીટર, થર્મલગન દ્વારા ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. એ સમયે 40ની કેપેસિટીવાળા ક્લાસમાં 10 જ બાળકને બેસાડવામાં આવ્યાં હતાં, પરંતુ માર્ચ મહિના બાદ કોરોનાની બીજી લહેર શરૂ થતાં ફરીવાર સ્કૂલો બંધ કરવી પડી હતી.