ITની સાગમટે તપાસ:સિલ્વર ઓક કોલેજ પર આઈટીના દરોડા, વિદ્યાર્થીઓને કહ્યું, લાઈટ ગઈ એટલે રજા છે

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પગારદાર કરદાતાના નાણાંમાંથી 5થી 15% કમિશન લઈ રોકડા ચૂકવતા હોવાની શંકા
  • અસારવાની ગરવી ગુજરાત પાર્ટી સહિત 90 સ્થળે પણ ITની સાગમટે તપાસ

કર બચાવવા માંગતા લોકો પાસેથી ચેકથી કરોડો રૂપિયા લઈને તેમાંથી 5થી 15 ટકા રાખી બાકીની રકમ રોકડામાં પરત આપી દઈને મની લોન્ડરિંગનું કામ કરતાં રાજકીય પક્ષો પર આવકવેરા વિભાગે બુધવારે ગોતાની સિલ્વર ઓક કોલેજ, અસારવારની ગરવી ગુજરાત પાર્ટી સહિત અમદાવાદમાં 90 સ્થળે ઈન્કમટેક્સ વિભાગે સાગમટે દરોડા પાડ્યા છે.

વિદ્યાર્થીઓને લાઈટ ગઈ છે એટલે રજા આપી
આ દરોડાની કાર્યવાહીમાં આયકર વિભાગે 500 કરતા વધારે અધિકારીઓને જોડાયા છે. દરોડાની કાર્યવાહીમાં શહેરની સિલ્વર ઓક કોલેજ અને તેના ટ્રસ્ટી શીતલ અગ્રવાલના રહેઠાણ અને ઓફિસ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. કોલેજ પર દરોડા પડતાં કોલેજ સત્તાવાળાએ વિદ્યાર્થીઓને લાઈટ ગઈ છે એટલે રજા આપી હોવાનું કહેવાયું હતું.

500 અધિકારીઓને આ દરોડાની કાર્યવાહી
આ દરોડામાં ઉચ્ચ પગારદાર કરદાતાઓ કે જેમણે કરચોરી માટે પાર્ટી ફંડમાં દાન કર્યું હશે તેમના નામ ટૂૂંક સમયમાં ખૂલશે. દરોડાની કાર્યવાહી માટે અન્ય રાજ્યોમાંથી આવકવેરાના અધિકારીઓને બોલાવાયા છે. કુલ 500 અધિકારીઓને આ દરોડાની કાર્યવાહીમાં જોડાયા છે.

ગત ફેબ્રુઆરી 2021માં રાજકીય પાર્ટીઓ પર દરોડાની કાર્યવાહી કરી હતી
અમદાવાદ આવકવેરા વિભાગે ગત ફેબ્રુઆરી 2021માં રાજકીય પાર્ટીઓ પર દરોડાની કાર્યવાહી કરી હતી. 20 રાજકીય પાર્ટીમાં ધરણીધર વિસ્તારની બ્રોકિંગ એજન્સી, અસારવા ઘી વાળી ચાલીમાં આવેલ ગરવી ગુજરાત પાર્ટીની પ્રદેશ ઓફિસ અને પ્રદેશ પ્રમુખને ત્યા દરોડા ચાલુ છે. જ્યારે આવકવેરા અધિકારીઓએ ગોતા સ્થિત સિલ્વર ઓક યુનિવર્સિટીના પ્રમુખ અને નિર્દેશકો- શીતલ અગ્રવાલ, પૂનમ અગ્રવાલ, જનક ખાંડવાલા અને શ્વેતા ખાંડવાલાને ત્યારે દરોડાની કાર્યવાહી કરી હતી.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં પણ દરોડા
​​​​​​​માન્યતા ન ધરાવતા પરંતુ ઇલેક્શન કમિશનમાં રજિસ્ટ્રેશન કરાવી બેઠેલા રાજકીય પક્ષોને ડોનેશન લાવી આપવાનું કામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા કરવામાં આવતું હતું. મુખ્ય કામને મની લોન્ડરિંગની પ્રવૃત્તિને વેગ આપી રહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ પક્ષો ડોનેશનના ચેક લઈને ત્યારબાદ પોતાના કમિશન કાપી લઈને બાકીની રકમ રોકડેથી દાતાઓને પરત કરી દેતા હતા. આ રીતે તેઓ મની લોન્ડરિંગ કરીને ટેક્સની ચોરી કરવામાં પણ સાથ આપતા હતા.

સિલ્વર ઓક કોલેજમાં આજે ઓનલાઈન લેક્ચરના મેસેજ કરાયા
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડાના પગલે સિલ્વર ઓક યુનિવર્સિટીમાં બુધવારે રજા જાહેર કરાઈ હતી. ગુરુવારથી તમામ લેક્ચર ઓનલાઈન યોજવામાં આવશે તેવી જાણ વિદ્યાર્થીઓને મેસેજથી કરવામાં આવી હતી.બુધવારે સવારે કોલેજ પર આવેલા વિદ્યાર્થીઓને સત્તાવાળાએ લાઈટ નથી એટલે આજે રજા છે તેમ કહીને પાછા મોકલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...