દિવ્ય ભાસ્કરના વાચકો માટે અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવ્યા છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ વિભાગમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં નેતાજીઓ અને અધિકારીઓની કામગીરી ઉપરાંત ભીતરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે અને સત્તાધારી પક્ષ ભાજપમાં ભારે ચહલપહલ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ભાજપના જૂના જોગીઓમાં ભારે ચિંતા પેઠી છે કે ફરી ટિકિટ મળશે કે નહીં. ટિકિટ ના મળે તોપણ તેમને વાંધો નથી, બસ ચિંતા એટલી છે કે ક્યાંક ગોઠવાઈ જાય તો સારું. બોર્ડ-નિગમોમાં નિમણૂકોની ચર્ચા ચાલતી હતી, પણ એમાંય હાલ પડીભાંગ્યું છે. પ્રદેશ પ્રમુખ ભાઉસાહેબે થોડા સમય પહેલાં બોર્ડ-નિગમમાં કાર્યકરોની નિયુક્તિ મુદ્દે બધેથી નામો મગાવ્યા હતા. આની યાદી તો ગાંધીનગર કમલમ ખાતે પહોંચી ગઇ છે, પરંતુ લાંબા સમયથી આ અંગે નિર્ણય લેવાયો નથી. આમેય પાંચેક વર્ષથી બોર્ડ-નિગમોમાં મોટે પાયે નિમણૂકો થઈ નથી. ભૂતકાળમાં તો કોઈ કાર્યકર મહત્ત્વનો હોય તો તેને બોર્ડમાં ડાયરેક્ટર કે વાઇસ-ચેરમેન અને સિનિયર કાર્યકર્તાને ચેરમેન બનાવાતા હતા, પરંતુ હાલમાં પાટીલે તમામનાં રાજીનામાં લઇ લેતાં નવી નિમણૂકો થશે એ ચર્ચા વેગવાન બની હતી, પરંતુ નામ મગાવ્યાનેય એક મહિનો થઇ ગયો હોવા છતાં નિયુક્તિના કાંઇ સંકેત નથી.
શિક્ષણને મંત્રીની નહીં, મંત્રીને શિક્ષણની જરૂર છે!
ગુજરાત ભાજપમાં સિનિયર કહેવાતા અને પોતાના ઘાટા અવાજ, ઊંચાઈ અને સ્વભાવથી જિતુ વાઘાણી બહુ ફેમસ થઈ ગયા છે. હવે ફેમસ હોય એટલે વિવાદને છેટું ન રહે એ પણ સ્વાભાવિક છે. ભૂપેન્દ્રભાઈ સરકારમાં લોટરી લાગી ને જિતુ વાઘાણી શિક્ષણમંત્રી બની ગયા, પણ ભડભડિયા સ્વભાવના વાઘાણીની જીભ કોણ જાણે વારંવાર લપસી જાય છે. હમણાં રાજકોટમાં જ એક કાર્યક્રમમાં જિતુ વાઘાણીએ બેફામ નિવેદન કરી તો નાખ્યું, પરંતુ એના પડઘા એવા તે પડ્યા કે તેમને બચાવવા ભાજપના નેતાઓ કે મંત્રીઓ તો ઠીક સોશિયલ મીડિયા પણ ના આવ્યું. 24 કલાકમાં જિતુભાઇ એવા ટ્રોલ થયા કે ના છૂટકે તેમણે પોતાના સ્વભાવના તદ્દન વિરુદ્ધ જઈને માફી માગવી પડી. બાકી હતું તો, દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા જિતુભાઇના જ મતવિસ્તાર ભાવનગર ગયા. ગયા તો ગયા પણ તેમણે ત્યાંની શાળાઓની સ્થિતિ જોઈ લીધી. AAPએ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી શિક્ષણમંત્રી સામે કટાક્ષ ચાલુ કર્યા છે. આમાં જિતુભાઇ સામે કટાક્ષ કરતું એક મીમ પણ જબરૂ વાઇરલ થયું કે એક બાળક દફતર લઈને ઊભું-ઊભું તેની મમ્મી ને કહે છે, શિક્ષણને મંત્રીની નહીં, મંત્રીને શિક્ષણની જરૂર છે. આમ, જિતુ વાઘાણી ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ફસાયા.
આ જનતાને ઢોર'માર' થી કોણ બચાવશે? સરકાર, સંગઠન કે મહાનગરપાલિકા...
ગુજરાતમાં આજકાલ ઢોર'માર'ની ચર્ચાએ જોર પકડ્યું છે. ઢોર નિયંત્રણ અંગેનું વિધેયક પટેલ સરકારે રાતે 2 વાગ્યા સુધી વિધાનસભાગૃહમાં બેસી ઉજાગરા કરીને ગમેતેમ પસાર કરી તો દીધું, પરંતુ બીજા દિવસથી જ બબાલ ચાલુ થઈ ગઈ. એમાં પણ ગુજરાતની ભોળી જનતા વિચારમાં પડી ગઈ છે કે ભાઈ, આ જ સીઆર પાટીલ સાહેબે ઢોરની સમસ્યાઓ અંગે વારંવાર શહેરોના મેયરથી લઈને સરકારનો કાન જાહેરમાં આમળ્યો હતો. એના આધારે સરકાર વિધાનસભામાં વિધેયક લાવી હતી અને હવે પાટીલ જ કહે છે કે વિધેયક પાછું ખેંચી લો. હવે પરિસ્થિતિ એવી ઊભી થઇ છે કે જનતાને ઢોરમારથી બચવું છે, સરકારને બચાવવી છે, પણ પક્ષ-પ્રમુખ કહે છે, મહાનગરપાલિકાના કાયદા પૂરતા છે, એટલે વિધાનસભામાં આવું વિધેયક લાવવું યોગ્ય નથી. હવે તેઓ ભાજપ સરકાર અને સંગઠન સાથે મળીને આ ઢોરનો મુદ્દો ચૂંટણી સુધી બાજુ પર મૂકવા ગોઠવણ કરી રહ્યા છે.
ઢગલો બુલડોઝર બને જ છે, ‘દાદા’ના ગુજરાતમાં
યુપીની ચૂંટણીમાં સીએમ યોગી આદિત્યનાથ ‘બાબા બુલડોઝર’ તરીકે ફેમસ થયા. તાજેતરમાં જ મધ્યપ્રદેશમાં તોફાનીઓના ગેરકાયદે દબાણો તોડનારા મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના ‘મામા બુલડોઝર’ નામે હોર્ડિંગ્સ લાગ્યા હતા. હવે ગુજરાતના ખંભાતમાં રામનવમીએ થયેલાં છમકલાં બાદ વિધર્મી અસામાજિક તત્ત્વોનાં ગેરકાયદે દબાણો પર બુલડોઝરની કાર્યવાહી કરનારા ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને બધા ‘દાદા બુલડોઝર’ તરીકે ઓળખવા લાગ્યા છે. મીડિયામાં તો આના અહેવાલ ચમકવા માંડયા છે. જોકે ખરા અર્થમાં તો આ તમામ રાજ્યોને બુલડોઝર એટલે કે વિદેશી કંપનીનાં જેસીબી ગુજરાત જ પૂરાં પાડે છે, જેની ફેક્ટરી વડોદરા પાસે છે. આમ, ખરા અર્થમાં તમામના બુલડોઝર દાદા તો ગુજરાતના સીએમ જ કહેવાય. એટલું જ નહીં, બ્રિટિશ પીએમ બોરિસ જોનસન ગુજરાત આવશે અને બુલડોઝર-જેસીબી કંપનીની મુલાકાત લેવાના છે એવી વાતો વહેતી થઇ છે. જોકે ચૂંટણી સંદર્ભમાં આખીય વાતમાં ગુજરાતનું જેસીબી કોણ ઉખાડી ફેકશે એની હવે ગુજરાતમાં ચર્ચા થવા માંડી છે.
રાજીવ ગુપ્તા નવા અવતારમાં પાછા આવશે, નિવૃત્તિ પહેલાં રજાના મૂડમાં!
રાજીવ ગુપ્તા હવે કેવડિયા ખાતેના સ્ટેચ્યૂ ઓફ યુનિટી-પીએમના ડ્રીમ પ્રોજેકટને વધુ જવાબદારી સાથે સંભાળે એવી પૂરેપુરી શક્યતા છે. IAS તરીકે મે મહિનામાં નિવૃત્તિ બાદ હાલમાં SOU ખાતે મેનેજિંગ ડાયરેક્ટરનો ચાર્જ સંભાળતા ગુપ્તાને SSNLના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર –CMD બનાવાય એવી શકયતા છે. કેવડિયા કોલોનીને પ્રવાસન નકશા પર મૂકવાના ભગીરથ પ્રોજેકટને વધુ ઊંચાઇએ લઇ જવા પ્રધાનમંત્રી કાર્યાલય એવી વ્યકિતની શોધમાં છે. અધિકારી અને સીઇઓની જેમ કામ કરી શકે કે કરાવી શકે તેવી વ્યક્તિ જોઈતી હોય તો તે ક્રાઇટેરિયામાં રાજીવ ગુપ્તા ફિટ બેસે છે.
પીએમની વિઝિટ બાદ IAS બદલીનો ગંજીપો હવે ચોક્કસ ચિપાશે
વડાપ્રધાનના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ પહેલાં ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોને લઇને ધમધમાટ હોય એ સ્વાભાવિક છે અને આ સાથે બાબુલોબીમાંએ પણ ચર્ચા છે કે નવા પોર્ટફોલિયો કોને અને કયા-કઇ કામગીરી મળશે. રાજ્ય સરકાર વડાપ્રધાનની મુલાકાત પછીના એક-બે દિવસમાં મોટે પાયે સેક્રટરી લેવલથી લઇને કલેકટર લેવલ સુધીની બદલી કરવા જઇ રહી છે. સિનિયર IPS લેવલની બદલી પણ બાકી છે, જે પણ વડાપ્રધાનની મુલાકાત બાદ તરત થશે.
ઇલેકશન આવે કે ન આવે, ચોમાસા પહેલાં કામ રહેશે
રાજ્યમાં વહેલી ચૂંટણી આવશે, એવું કેટલોક વર્ગ માની રહ્યો છે. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની પણ ગુજરાતની મુલાકાતો વધી રહી છે. વધુ ને વધુ ખાતમુહૂર્ત કે પ્રોજેકટ લોન્ચ થઇ રહ્યા છે. અધિકારીગણ પણ બહુ બિઝી છે. આ અધિકારીઓ એમ પણ કહી રહ્યા છે કે ઇલેકશન વહેલું આવે કે ન આવે, ચોમાસા પહેલાં કેટલાક સરકારી કાર્યક્રમોમાં ચોક્કસ વઘારો આવશે અને ચોમાસાના સમયગાળામાં સમારંભો તથા ઉદઘાટનનો આવો સમય નહીં મળે. તેથી આવા કાર્યક્રમો ચોમાસા પહેલાં વધુ થશે એ નક્કી છે. હવે તમે એને ચૂંટણી વહેલી થવા સાથે જોડી પણ શકો છો, પરંતુ સાચી સ્થિતિ તો મોદીસાહેબ જ કળી શકતા હોય છે, ગુજરાતને તેમના જેટલું કોણ ઓળખે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.