ગુજ્જુ સ્ટુડન્ટ્સનો પ્રવાહ IT તરફ:IT કંપનીઓ વેલકમ કરવા તૈયાર; હવે યુનિવર્સિટીઓમાં પણ સ્ટુડન્ટ્સને 90 ટકા પ્રેક્ટિકલ શિખડાવાય છે

23 દિવસ પહેલાલેખક: યશપાલ બક્ષી
  • સાયન્સ જ નહીં, કોમર્સ અને આર્ટ્સના સ્ટુડન્ટ્સ પણ B.Sc. IT, M.Sc. ITના કોર્સમાં એડમિશન લઈ શકે છે

ગુજરાતમાં 12th સાયન્સનું રિઝલ્ટ તો આવી ગયું અને સ્ટુડન્ટ્સ પોતપોતાની પસંદગીના કોર્સ માટે ઇન્ક્વાયરી કરવા માંડ્યા. પાંચ યુનિવર્સિટી- ગુજરાત યુનિવર્સિટી, ગાંધીનગર યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી, GLS યુનિવર્સિટી, સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં સૌથી વધારે ઇન્કવાયરી IT સેક્ટર માટે થઈ રહી છે.

IT સેક્ટર જ કેમ ?
આ યુનિવર્સિટીના શિક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે અત્યારે કોઈપણ કંપની હોય, કોઈપણ સ્ટાર્ટઅપ હોય, IT સ્કિલ વગર ચાલે નહીં. ઇન્ફેક્ટ, IT સેક્ટર જ દરેક કંપનીનો પાયો છે. ગાંધીનગર યુનિવર્સિટીના MBA ડિપાર્ટમેન્ટના હેડ પ્રો. મિલન શાહે કહ્યું હતું કે 12th સાયન્સ પાસ કર્યું હોય અને ઈવન, 12th કોમર્સ પણ પાસ કર્યું હશે તોપણ સ્ટુડન્ટ્સની પહેલી પસંદ ટેકનોલોજી જ છે. આજના બઝ વર્ડ, જેવા કે આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ, મશીન લર્નિંગમાં આગળ વધી શકે છે. તો GLS યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર તનય શાહ કહે છે, 12th સાયન્સ પછી MCA, IMCA, BCA, B.Tech માટે સૌથી વધુ ઇન્કવાયરી આવી રહી છે, કારણ કે આ કરિયર ઓરિયેન્ટેડ કોર્સિસ છે, કારણ કે, આ કોર્સ કરવાથી સાયબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ વિથ મશીન લર્નિંગ અને ડેટા એનાલિસિસમાં સારી જોબ ઓપોર્ચ્યુનિટી છે.

ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટના કરિયર કાઉન્સેલર સંજય પટેલ કહે છે, અત્યારે કરિયર ઓરિયેન્ટેડ કોર્સ કરવા માટે મોટા ભાગના સ્ટુડન્ટ્સ એ પ્રકારના કોર્સની ઇન્કવાયરી કરી રહ્યા છે. આસાનીથી સારા પેકેજની જોબ મળી જાય, એવું IT સેક્ટર જ છે, એટલે ગુજરાતી સ્ટુડન્ટ્સનો પ્રવાહ સૌથી વધારે IT તરફ વળ્યો છે. ખાસ બાબત એ છે કે હવે યુનિવર્સિટીઓ વધારે પ્રેકિટ્કલ શીખવવા પર ભાર આપે છે. થિયરી દસ ટકા હોય છે, પણ અમુક સર્ટિફાઈ કોર્સમાં Day-1થી જ પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે. હવે મોટા ભાગની યુનિવર્સિટીઓ પ્રેક્ટિકલ પર જોર આપી રહી છે.

2011 પછીની સૌથી વધારે રફતાર
તાજેતરના NASSCOM (National Association of Software and Services Companies) રિપોર્ટ મુજબ, ભારતમાં નવા યુગની ડિજિટલ કૌશલ્યોમાં પ્રતિભાનો તફાવત 2021માં 5 લાખથી વધીને 2026માં 18 લાખ થઈ જશે. આ ડિજિટલ ટેક કૌશલ્યોમાં મુખ્યત્વે વેબ અને મોબાઈલ ડેવલપમેન્ટ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, AI અને બિગ ડેટા એનાલિટિક્સ, IoT, સાયબર સિક્યોરિટી, RPA, AR/VR વગેરે જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. IT ફિલ્ડ ભારતમાં 11-14%ના દરે વૃદ્ધિ કરીને 2026 સુધીમાં 350 બિલિયન ડોલરની આવકનું લક્ષ્ય હાંસલ કરી શકે છે. આ ઉદ્યોગે 200 બિલિયન ડોલરની આવકનો આંકડો વટાવ્યો છે અને નાણાકીય વર્ષ 2022માં 227 બિલિયન ડોલરની આવક સુધી પહોંચવાનો અંદાજ છે. નાસકોમે જણાવ્યું હતું કે, IT ઉદ્યોગ 2011 પછી અત્યારસુધીની સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી રહ્યું છે. હાર્ડવેર સહિતની નિકાસમાં 17.2%ની વૃદ્ધિ જોવા મળી છે, જેની આવક 178 બિલિયન ડોલરની છે અને ટેક્નોલોજી ઉદ્યોગની સ્થાનિક આવકમાં 1.2 ટકાનો વધારો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...