ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કાની 89 બેઠકોના મતદાનમાં ઉમેદવારોનાં ફોર્મ ભરવાની આવતીકાલે સોમવારે છેલ્લી તારીખ છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા એવા ઇસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે. જેની આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ટ્વિટ કરી જાણકારી આપવામાં આવી હતી.
દ્વારકા અને ખંભાળિયા બેઠક પર ઉમેદવાર જાહેર
આમ આદમી પાર્ટીએ આજે દ્વારકા અને ખંભાળિયા બેઠક પર બે ઉમેદવારોના જાહેર કર્યા છે. ખંભાળિયા બેઠક પરથી ઇસુદાન ગઢવી આવતીકાલે પોતાના સમર્થકો સાથે ચૂંટણી ફોર્મ ભરવા જશે. જ્યારે દ્વારકા બેઠક પરથી લક્ષ્મણ નકુમ ચૂંટણી ફોર્મ ભરવા જશે. આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં 180 ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. ત્યારે હવે માત્ર બે બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.
અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત
અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી જાહેરાત કરી છે કે, ઇસુદાન ગઢવી જામ ખંભાળિયાથી ચૂંટણી લડશે. અરવિંદ કેજરીવાલે તેમના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટર કરી જણાવ્યું હતું કે, ખેડૂત, બેરોજગાર યુવાનો, મહિલાઓ, વેપારીઓ માટે વર્ષોથી અવાજ ઉઠાવનારા ઇસુદાન ગઢવી જામ ખંભાળિયાથી ચૂંટણી લડશે. ભગવાન કૃષ્ણની પાવન ભૂમીથી ગુજરાતને એક નવા અને સારા મુખ્યમંત્રી મળશે.
આપે બે બેઠક પર નવા ઉમેદવાર જાહેર કર્યા
આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારની 15મી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં આપ દ્વારા વધુ બે નવા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે એક બેઠક પર ઉમેદવાર બદલવામાં આવ્યો છે. આપ દ્વારા સિદ્ધપુર, માતર અને ઉધના બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સિદ્ધપુર બેઠક પર મહેન્દ્ર રાજપૂતનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે માતર બેઠક પરથી મહિપતસિંહ ચૌહાણની ટિકિટ કાપી નાખવામાં આવી હતી. પરંતુ કેસરીસિંહે પાર્ટી છોડી દેતા હવે માતરમાં મહિપતસિંહ ચૌહાણની જગ્યાએ લાલજી પરમારને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત ઉધના બેઠક પરથી મહેન્દ્ર પાટીલને ટિકિટ આપવામાં આવી છે.
ઈસુદાને તરત માતાના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા
4 નવેમ્બરે AAPના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર થતાં જ ઈસુદાને તરત જ હોલમાં ઉપસ્થિત પોતાની માતાના ચરણસ્પર્શ કર્યા હતા. ઈસુદાનના માતાએ 'જય મોગલ મા, જય દ્વારિકાધીશ'નો જયઘોષ કરીને પુત્રને આશીર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત ઈસુદાનની પત્ની હિરલ ગઢવી ઉપરાંત તેમના પરિવારના અન્ય સભ્યો પણ ત્યાં હાજર હતાં જેમણે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ તેમણે સ્ટેજ પર જઈને પાર્ટીના સહયોગીઓનો આભાર માન્યો હતો.
કેજરીવાલે કહ્યું- ગુજરાતમાં મોટું પરિવર્તન આવશે
અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ચહેરો જાહેર કર્યો એ પ્રસંગે કહ્યું હતું કે, આજે ગુજરાતના ઈતિહાસ માટે મહત્ત્વનો દિવસ છે. અમે લોકોની વચ્ચે જઈએ છીએ. 27 વર્ષ સુધી ગુજરાતમાં કોઈ ત્રીજો વિકલ્પ નહોતો. આજે ગુજરાત પરિવર્તન તરફ જઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આંતરિક સંબંધો હતા. આજે એક નવો વિકલ્પ મળ્યો છે. આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જિન છે. અમે એસી રૂમમાં બેસી નક્કી નથી કરતા કે સીએમ કોણ હશે. પંજાબની જનતાએ સીએમ ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે. ગુજરાતમાં દરેક સરવે ખોટા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે.16.48 લાખ લોકોએ સરવેમાં મત આપ્યો અને ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે.
મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરી તેમનો પ્રચાર પણ બમણા જોરથી કરાશે
આમ આદમી પાર્ટીએ લોકોનો અભિપ્રાય જાણ્યો છે. મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવા માટે લોકોનાં સૂચનો મેળવ્યાં છે. મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરી તેમનો પ્રચાર પણ બમણા જોરથી કરાશે. સુરત ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ભાજપ મુખ્યમંત્રી કોને બનાવશે એ જનતાને પૂછ્યું નથી, પરંતુ અમે જનતાને પૂછીને જ નિર્ણય લઈએ છીએ. આજે અમે ગુજરાતની જનતાને પૂછીએ છીએ કે તમે કોને મુખ્યમંત્રી બનાવવા માગો છો, અમે 4 તારીખે જણાવીશું કે ગુજરાતના લોકો કોને મુખ્યમંત્રી બનાવવા માગે છે. ત્યારે આજે 4 નવેમ્બરે કેજરીવાલ આવીને મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ છે તે જાહેર કરશે.
રાજનીતિ શોખ નથી મારી મજબૂરી છેઃ ઈસુદાન
અરવિંદ કેજરીવાલે રાજનીતિની આખી તાસીર બદલી નાંખી. તેમણે આટલી મોટી જવાબદારીનો અહેસાસ કરાવ્યો છે. મારે બીજું કશું નથી જોઈતું પણ ઈશ્વરને પ્રાર્થના છે કે ગુજરાતીઓ માટે કંઈક કરું. હું કર્મના સિદ્ધાંતમાં માનવાવાળો વ્યક્તિ છું. અરવિંદ કેજરીવાલનો ફોન આવ્યો કે ઈસુદાન તમે રાજનીતિમાં આવી જાઓ, સિસ્ટમનો ભાગ બનો. ત્યાર બાદ મેં દિલ્હીની સ્કૂલ અને મોહલ્લા ક્લિનિક જોયાં.રાજનીતિ શોખ નથી મારી મજબૂરી છે. ગુજરાતની જનતાની પીડા નથી જોવાતી. મેં ખેડૂતો અને બેરોજગારના અવાજ બનવાની કોશિશ કરી. પરંતુ એક લક્ષ્મણરેખા હોય કે હું ન્યૂઝ ચલાવી શકું પરંતુ કરી નથી શકતો. હું સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવું છું.
16.48 લાખ લોકોએ સરવેમાં મત આપ્યો
કેજરીવાલે ત્યારે કહ્યું કે આજે ગુજરાતના ઈતિહાસ માટે મહત્ત્વનો દિવસ છે. અમે લોકોની વચ્ચે જઈએ છીએ. 27 વર્ષ સુધી કોઈ વિકલ્પ નહોતો. આજે ગુજરાત પરિવર્તન તરફ જઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સંબંધો હતા. આજે એક નવો વિકલ્પ મળ્યો છે. આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જિન છે. અમે રૂમમાં બેસી નક્કી નથી કરતા કે સીએમ કોણ હશે. પંજાબની જનતાએ સીએમ ઉમેદવાર નક્કી કર્યા છે.ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે. ગુજરાતમાં દરેક સરવે ખોટા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે.16.48 લાખ લોકોએ સરવેમાં મત આપ્યો અને ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે.
ઈસુદાન ત્યાગ કરી AAPમાં આવ્યા છેઃ ઈટાલિયા
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, ઈસુદાન ત્યાગ કરીને આમ આદમી પાર્ટીમાં આવ્યા છે અને મહેનત પણ કરી છે. સાબરમતી જેલમાં અમે સાથે હતા ત્યારે અમને ઘણું જ્ઞાન મળ્યું છે. હું ઈસુદાન ગઢવીની સૌથી નજીક છું. તેમને જનતાએ પસંદ કર્યાં છે. ઈસુદાનનાં માતાએ જય મા મોગલ અને જય દ્વારકાધીશ કહીને જણાવ્યું હતું કે, માતાજી તેને આશીર્વાદ આપે, બધાં ભાઈઓ બહેનો તેને આશીર્વાદ આપજો. ઈસુદાનનાં પત્ની હિરલ ગઢવીએ કહ્યું હતું કે, બધા મહાનુભાવોને મારા પ્રણામ, ઈસુદાનજીને આટલી મોટી તક આપી છે ત્યારે બધાનો આભાર માનું છું. મા મોગલ અને દ્વારકાધીશ એમને આશીર્વાદ આપે.
ભાસ્કરના પોલમાં ઈસુદાનને 36 ટકા વોટ મળ્યા
આમ આદમી પાર્ટી(AAP)એ એવી જાહેરાત કરી હતી કે ગુજરાતમાં AAPના મુખ્યમંત્રીપદનો ચહેરો 4 નવેમ્બરે જાહેર કરશે. આજે બપોરે 2 વાગ્યે મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર થશે. આ માટે AAPએ ઈમેલ અને મેસેજથી લોકો પાસેથી અભિપ્રાય મગાવ્યા હતા. AAP દ્વારા આ નામ જાહેર થાય એ પહેલાં દિવ્ય ભાસ્કરે પોલ કરીને વાચકો પાસેથી મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો. ભાસ્કર દ્વારા કરાયેલા પોલમાં ત્રણ ઓપ્શન આપવામાં આવ્યાં હતાં- ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી અને આ બંનેમાંથી કોઈ નહીં-અન્ય. આ પોલમાં 36,256 લોકોએ ભાગ લીધો હતો, જેમાં સૌથી વધારે 13,202 લોકોએ એટલે 36%એ ઈસુદાન ગઢવીની મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે પસંદગી કરી હતી, જ્યારે 12,981 લોકોએ એટલે 36% લોકોએ ત્રીજું ઓપ્શન પસંદ કર્યું હતું. આ બંનેમાંથી કોઈ નહીં-અન્ય. જ્યારે ગોપાલ ઈટાલિયાને 10073 લોકોએ મત આપ્યા હતા, એટલે 28% લોકોએ ઈટાલિયાને મત આપ્યા હતા. ભાસ્કરના આ પોલમાં ઈસુદાનને લોકોએ વધુ મત આપ્યા છે.
કોણ છે ઈસુદાન ગઢવી?
ગુજરાતી ટીવી ચેનલના પત્રકાર, તંત્રી તરીકે ઈસુદાનભાઈએ લોકોની સમસ્યા નજીકથી જોઈ છે, એટલે પત્રકારત્વ અને ચેનલનું તંત્રીપદ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. ઈસુદાનભાઈ AAPમાં રાષ્ટ્રીય સહ-મહામંત્રી છે. ખંભાળિયાના પીપળિયામાં જન્મ, ઉછેર અને પછી જામનગરમાં કોલેજ કરી. ત્યાંથી સીધા અમદાવાદ પત્રકારત્વ કરવા આવી ગયા. પત્રકાર બન્યા પછી કુટુંબથી દૂર શહેરમાં રહેવાનું આવ્યું અને એ દરમિયાન 2014માં પિતા ખેરાજભાઈનું અવસાન થયું. એ ગાળામાં પિતાએ જ કહેલું કે ભલે મુશ્કેલીઓ નડે, પણ પત્રકારત્વ છોડવાનું નથી. ગુજરાતી ચેનલ માટે દક્ષિણ ગુજરાતથી કામ કર્યું. પછી અમદાવાદમાં બ્યૂરો ચીફ બન્યા અને પછી બીજી ગુજરાતી ચેનલમાં તંત્રી તરીકે જોડાયા.
એક ટીવી શોના કારણે ઈસુદાનનું ફેન ફોલોઇંગ વધ્યું
ગુજરાતી ટીવી ચેનલમાં 'મહામંથન' નામના ટીવી શોના કારણે ઈસુદાન ગઢવી ઘરે ઘરે જાણીતા બન્યા. 'મહામંથન'માં ખેડૂતો, મધ્યમવર્ગ, નાગરિકોને ખરેખર સ્પર્શતા હોય તેવા મુદ્દાઓની ચર્ચા વધારે થતી હતી. સતત ખેડૂતોના પ્રશ્નો પર ફોકસ કરવાને કારણે તાલુકા મથકો અને ગ્રામીણ વિસ્તારોમાં ઈસુદાનનું ફેન ફોલોઇંગ ઊભું થયું હતું. આ પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ જવાનું થયું, પણ ઉકેલ આવતા નહીં. અમુક પોલિસીઓ નડી જતી. પછી દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જે રીતે કામ કરી બતાવ્યું એ જોતાં ઈસુદાનને એમ થયું કે આમ આદમી પાર્ટી એ કરી શકશે, જેની લોકોને જરૂર છે. એ બધું જોતા પત્રકારત્વને બાય બાય કહીને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા.
ઈસુદાનને આમ આદમી પાર્ટીએ મોટું પદ આપ્યું
ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય સહ-મહામંત્રીનું પદ આપ્યું. જવાબદારીઓ પણ આપી. એનાં કારણો એ છે કે ઈસુદાન કર્મે પત્રકાર એટલે ભાજપ-કોંગ્રેસની અંદરની વાતો જાણે. બધાને નિકટથી ઓળખે. જ્ઞાતિએ ગઢવી એટલે ખંભાળિયા, દ્વારકાથી લઈને દરિયાઈપટ્ટીમાં આ સમાજના મતદાર વધારે એટલે કેટલીક સીટ પર અસર કરી શકે. ઈસુદાન ગઢવી અત્યારે વિધાનસભા ચૂંટણી પહેલાં હજારો કિલોમીટરનો પ્રવાસ કરી ચૂક્યા છે અને તેમણે ગામડે-ગામડે જઈને AAPનો પ્રચાર કર્યો છે. જોકે આ પ્રચાર પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રમાં તેમના અને મહેશ સવાણી પર હુમલા થયા હતા.
વિવાદમાં પણ રહ્યા
ડિસેમ્બર 2021માં AAPના 500 જેટલા કાર્યકરો ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, નિખિલ સવાણી જેવા નેતાઓની આગેવાનીમાં ભાજપના કાર્યાલય કમલમમાં ધસી ગયા ત્યારે પોલીસે લાઠીચાર્જ કરવો પડેલો અને આ ધમાલમાં ઈસુદાન પર દારૂ પીને છેડતી કરી તેવા આરોપો લગાવી દેવાયેલા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.