ગોપાલ ઈટાલિયાને હટાવાયા:ઈસુદાનને ગુજરાત AAPના નવા પ્રમુખ બનાવાયા, અલ્પેશ કથીરિયાને સુરત ઝોનના કાર્યકારી પ્રમુખ બનાવાયા

અમદાવાદએક મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને હટાવી દેવામાં આવ્યા છે. નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઈસુદાન ગઢવીની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે આમ આદમી પાર્ટીએ કાર્યકારી પ્રમુખોની પણ જાહેરાત કરી છે. છ કાર્યકારી પ્રમુખની અલગ અલગ ઝોનમાં નિમણૂક કરવામાં આવી છે.

AAPના સંગઠનમાં ફેરફાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના પાંચ જેટલા ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી બાદ AAPના સંગઠનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં આજે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઈસુદાન ગઢવીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ગોપાલ ઇટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહપ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવી છે.

6 કાર્યકારી પ્રમુખની પણ જાહેરાત
આ ઉપરાંત આમ આદમી પાર્ટીમાં હવે માત્ર એક જ પ્રમુખ નહીં, પરંતુ કાર્યકારી પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરત ઝોનમાં અલ્પેશ કથીરિયા, દક્ષિણ ઝોનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, ઉત્તર ગુજરાત ઝોનમાં ડો. રમેશ પટેલ, સૌરાષ્ટ્ર ઝોનમાં જગમાલ વાળા, મધ્ય ગુજરાત ઝોનમાં જેવલ વસરા અને કચ્છ ઝોનમાં કૈલાસ ગઢવીને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે.

પ્રદેશ ઓફિસમાં પાર્ટી સંગઠનની બેઠક મળી
3જી જાન્યુઆરીએ આમ આદમી પાર્ટીની અમદાવાદ ખાતેની પ્રદેશ ઓફિસમાં પાર્ટી સંગઠનની બેઠક મળી હતી, જેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, ચૂંટાયેલા ધારાસભ્યો સહિતના તમામ મુખ્ય પદ અધિકારીઓ હાજર રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં પાંચ જેટલી બેઠકો મેળવ્યા બાદ AAPનું સંગઠન અને પાર્ટી હજી આગળ કઈ રીતે વધે અને વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી જીત મેળવે એ મામલે રણનીતિ ઘડવામાં આવી હતી અને આ જ બેઠકમાં પ્રદેશ પ્રમુખ તરીકે ઈસુદાન ગઢવીની નિમણૂક કરવામાં આવે એ બાબતે ચર્ચા કરાઈ હતી.

પ્રદેશ ઓફિસમાં પાર્ટી સંગઠનની બેઠક મળી
બે દિવસ પહેલાં આમ આદમી પાર્ટીની અમદાવાદ ખાતેની પ્રદેશ ઓફિસમાં પાર્ટી સંગઠનની બેઠક મળી હતી, જેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, ચૂંટાયેલા ધારાસભ્યો સહિતના તમામ મુખ્ય પદાઅધિકારીઓ હાજર રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં પાંચ જેટલી બેઠકો મેળવ્યા બાદ AAPનું સંગઠન અને પાર્ટી હજી આગળ કઈ રીતે વધે અને વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી જીત મેળવે એ મામલે રણનીતિ ઘડવામાં આવી હતી અને આ જ બેઠકમાં પ્રદેશ પ્રમુખ તરીકે ઈસુદાન ગઢવીની નિમણૂક કરવામાં આવે એ બાબતે ચર્ચા કરાઈ હતી.

ગોપાલ ઇટાલિયા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિષ્ફળ
ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનમાં સૌથી મોટો હોદ્દો પ્રદેશ અધ્યક્ષ તરીકેનો આપવામાં આવ્યો હતો, પરંતુ આમ આદમી પાર્ટીમાં સૌથી વધુ વિવાદ જેના વિશે હોય તે ગોપાલ ઇટાલિયા હતા. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાની છબિ અને પોતાનો હોદ્દેદારોની છબિને સાચવવા માટે વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખૂબ પ્રયાસો કર્યા હતા, પરંતુ ગોપાલ ઇટાલિયા સાથે ભૂતકાળના અનેક વિવાદો સતત સપાટી પર આવતા રહ્યા અને આમ આદમી પાર્ટીને તેનું નુકસાન સહન કરવું પડ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ હોવા છતાં પણ તેઓ કતારગામ વિધાનસભા બેઠક પર પોતાને જિતાડી શક્યા નહિ. હિન્દુ સંતો-મહંતોને લઈને આપેલાં નિવેદનોને કારણે તેઓ સતત વિવાદમાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જે ભાષાનો ઉપયોગ તેમણે કર્યો હતો એનાથી પાર્ટીને પણ ખૂબ નુકસાન થયું હતું. એક રીતે કહીએ કે પાર્ટીને ગોપાલ ઇટાલિયાથી લાભ ઓછો અને નુકસાન વધુ થયું છે.

અલ્પેશ કથીરિયાને સોંપવામાં આવી જવાબદારી
આમ આદમી પાર્ટીના વરાછા વિધાનસભા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથીરિયા યુવા ચહેરા તરીકે પસંદ કરાયા છે. પ્રદેશના કાર્યકારી પ્રમુખ તરીકે સુરત ઝોન માટે જવાબદારી આપવામાં આવી છે. તેની સાથે અન્ય 6 જેટલા સહકાર્યકારી પ્રમુખ પ્રદેશભરમાં નિમાયા છે. સુરતમાં અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીને હવે નવી જવાબદારી બાદ કેટલું આગળ વધારે છે એ જોવું રહ્યું. જોકે હવે તે આમ આદમી પાર્ટીમાં કેટલો સમય રહેશે એના પર પણ એક મોટો પ્રશ્ન છે.

સુરતમાં ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાએ બાજી બગાડી
કોર્પોરેશનની ચૂંટણીમાં 27 જેટલા કોર્પોરેટરનો વિજય થયા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને મહામંત્રી મનોજ સોરઠિયાએ પોતાના હાથમાં લઈ લીધી હતી. મહત્ત્વની બાબત એ છે કે મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયાની કાર્યકર્તાઓ સાથેનો સંવાદ ખૂબ જ ખરાબ હોવાની આંતરિક ચર્ચા પણ હતી. અમે કહેશું તેવું જ થશે અને અમે જે નેતા નક્કી કરીશું તે જ તમારા નેતા હશે. તમારે કામ કરવું હોય તો કરો... એ પ્રકારની ભાષા કાર્યકર્તાઓ સાથે બોલાતી હતી. આવી સ્થિતિમાં કાર્યકર્તાઓ પણ જોયા હતા. વિધાનસભાની ચૂંટણી વખતે પણ આખી પાર્ટીનો માહોલ સંગઠનની રીતે ખૂબ જ ખરાબ થયો હતો. ઘણા કાર્યકર્તાઓ તો માત્ર પોતાનો સમય પસાર કરવા પૂરતા જ પાર્ટીમાં કામ કરી રહ્યા હતા. હવે ચર્ચા ચાલી રહી છે કે ગોપાલ ઇટાલિયાને ગુજરાત ચૂંટણી પરિણામની સજાના ભાગરૂપે જ પ્રદેશ અધ્યક્ષપદેથી હટાવવામાં આવ્યા છે.

હવે લોકસભા ચૂંટણી પર આપની નજર
મનોજ સોરઠિયા પહેલાંથી જ વિધાનસભાની ચૂંટણી લડવાના હતા અને પોતે માનસિક રીતે તૈયાર પણ હતા છતાં તેઓ કાર્યકર્તાને સતત કહેતા રહેતા કે આ પાર્ટીની અંદર કોઈપણ અપેક્ષા વગર આવવું નહીં. માત્ર પાર્ટી માટે કામ જ કરવાનું છે, કોઈએ નેતા બનવાનો વિચાર રાખવાનો નથી. તો કાર્યકર્તાઓ અંદરોઅંદર વાતો કરતા હતા કે જે તેઓ પોતે એવું કહેતા હોય તો કાર્યકર્તાઓએ તો વિધાનસભાની ચૂંટણી લડવા માટે કેમ આટલા પ્રયાસો કર્યા અને આખરે તેઓ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊતરીને પોતાની ઈચ્છા પૂરી કરી દીધી હતી. હવે લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ફરીથી શું ગુજરાતની અંદર અને સુરતમાં કેવી રીતે આગળ વધે છે સંગઠનની રીતે એ જોવું મહત્ત્વનું રહેશે.

કોણ છે ઈસુદાન ગઢવી?
ગુજરાતી ટીવી ચેનલના પત્રકાર, તંત્રી તરીકે ઈસુદાનભાઈએ લોકોની સમસ્યા નજીકથી જોઈ છે, એટલે પત્રકારત્વ અને ચેનલનું તંત્રીપદ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. ઈસુદાનભાઈ AAPમાં રાષ્ટ્રીય સહ-મહામંત્રી હતા. ખંભાળિયાના પીપળિયામાં જન્મ, ઉછેર અને પછી જામનગરમાં કોલેજ કરી. ત્યાંથી સીધા અમદાવાદ પત્રકારત્વ કરવા આવી ગયા. પત્રકાર બન્યા પછી કુટુંબથી દૂર શહેરમાં રહેવાનું આવ્યું અને એ દરમિયાન 2014માં પિતા ખેરાજભાઈનું અવસાન થયું. એ ગાળામાં પિતાએ જ કહેલું કે ભલે મુશ્કેલીઓ નડે, પણ પત્રકારત્વ છોડવાનું નથી. ગુજરાતી ચેનલ માટે દક્ષિણ ગુજરાતથી કામ કર્યું. પછી અમદાવાદમાં બ્યૂરો ચીફ બન્યા અને પછી બીજી ગુજરાતી ચેનલમાં તંત્રી તરીકે જોડાયા.

એક ટીવી શોના કારણે ઈસુદાનનું ફેન ફોલોઇંગ વધ્યું
ગુજરાતી ટીવી ચેનલમાં 'મહામંથન' નામના ટીવી શોના કારણે ઈસુદાન ગઢવી ઘરે ઘરે જાણીતા બન્યા. 'મહામંથન'માં ખેડૂતો, મધ્યમવર્ગ, નાગરિકોને ખરેખર સ્પર્શતા હોય તેવા મુદ્દાઓની ચર્ચા વધારે થતી હતી. સતત ખેડૂતોના પ્રશ્નો પર ફોકસ કરવાને કારણે તાલુકા મથકો અને ગ્રામીણ વિસ્તારોમાં ઈસુદાનનું ફેન ફોલોઇંગ ઊભું થયું હતું. આ પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ જવાનું થયું, પણ ઉકેલ આવતા નહીં. અમુક પોલિસીઓ નડી જતી. પછી દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જે રીતે કામ કરી બતાવ્યું એ જોતાં ઈસુદાનને એમ થયું કે આમ આદમી પાર્ટી એ કરી શકશે, જેની લોકોને જરૂર છે. એ બધું જોતા પત્રકારત્વને બાય બાય કહીને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા.

ઈસુદાનને આમ આદમી પાર્ટીએ મોટું પદ આપ્યું
ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય સહ-મહામંત્રીનું પદ આપ્યું. જવાબદારીઓ પણ આપી. એનાં કારણો એ છે કે ઈસુદાન કર્મે પત્રકાર એટલે ભાજપ-કોંગ્રેસની અંદરની વાતો જાણે. બધાને નિકટથી ઓળખે. જ્ઞાતિએ ગઢવી એટલે ખંભાળિયા, દ્વારકાથી લઈને દરિયાઈપટ્ટીમાં આ સમાજના મતદાર વધારે એટલે કેટલીક સીટ પર અસર કરી શકે. ઈસુદાન ગઢવી અત્યારે વિધાનસભા ચૂંટણી પહેલાં હજારો કિલોમીટરનો પ્રવાસ કરી ચૂક્યા છે અને તેમણે ગામડે-ગામડે જઈને AAPનો પ્રચાર કર્યો છે. જોકે આ પ્રચાર પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રમાં તેમના અને મહેશ સવાણી પર હુમલા થયા હતા.

વિવાદમાં પણ રહ્યા
ડિસેમ્બર 2021માં AAPના 500 જેટલા કાર્યકરો ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, નિખિલ સવાણી જેવા નેતાઓની આગેવાનીમાં ભાજપના કાર્યાલય કમલમમાં ધસી ગયા ત્યારે પોલીસે લાઠીચાર્જ કરવો પડેલો અને આ ધમાલમાં ઈસુદાન પર દારૂ પીને છેડતી કરી તેવા આરોપો લગાવી દેવાયેલા.

રાજનીતિ શોખ નથી, મારી મજબૂરી છેઃ ઈસુદાને આપનો સીએમ ચહેરો બન્યા ત્યારે
અરવિંદ કેજરીવાલે રાજનીતિની આખી તાસીર બદલી નાખી. તેમણે આટલી મોટી જવાબદારીનો અહેસાસ કરાવ્યો છે. મારે બીજું કશું નથી જોઈતું, પણ ઈશ્વરને પ્રાર્થના છે કે ગુજરાતીઓ માટે કંઈક કરું. હું કર્મના સિદ્ધાંતમાં માનવાવાળી વ્યક્તિ છું. અરવિંદ કેજરીવાલનો ફોન આવ્યો કે ઈસુદાન તમે રાજનીતિમાં આવી જાઓ, સિસ્ટમનો ભાગ બનો. ત્યાર બાદ મેં દિલ્હીની સ્કૂલ અને મોહલ્લા ક્લિનિક જોયાં. રાજનીતિ શોખ નથી, મારી મજબૂરી છે. ગુજરાતની જનતાની પીડા નથી જોવાતી. મેં ખેડૂતો અને બેરોજગારના અવાજ બનવાની કોશિશ કરી, પરંતુ એક લક્ષ્મણરેખા હોય કે હું ન્યૂઝ ચલાવી શકું, પરંતુ કરી નથી શકતો. હું સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવું છું.

અન્ય સમાચારો પણ છે...